જાયે તો જાયે કહાં
ભવન કલ્ચરલ સેન્ટર
અંધેરી આયોજિત એલ એલ ડી સી નાટ્યસ્પર્ધા ૨૦૨૪ (વર્ષ ૧૬) નાં અંતિમ ચરણના નાટકોની
ભજવણી ભારતીય વિધા ભવન, ચોપાટી ખાતે શરુ થઈ ગઈ છે.
આ વર્ષે સ્પર્ધાની
જાહેરાતના પ્રતિસાદમાં આયોજક સંસ્થાને કુલ ૪૨ પ્રવેશપત્ર મળ્યાં. એમાંથી ૨૩
પ્રવેશપત્ર મંજૂર થયાં. જાન્યુઆરી
મહિનામાં ગુજરાતના ચાર શહેરોમાં યોજાયેલાં પ્રાથમિક ચરણમાં આ ૨૩ નાટકો રજૂ થયાં.
એમાંથી અંતિમ ચરણ માટે કુલ ૧૩ નાટકોની પસંદગી થઈ.
*
અંતિમ ચરણની પ્રથમ
રજૂઆત ચોપાટી ભવન ખાતે રવિવાર તા ૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ની બપોરે થઈ વિક્રમ એકેડમી ઓફ
પર્ફોર્મીંગ આર્ટસ, અમદાવાદ દ્વારા નાટક “જાયે તો જાયે કહાં” થી. નાટકના લેખકઃ ડો.
સતીશ વ્યાસ અને દિગ્દર્શક : ડૉ. વિક્રમ પંચાલ-શૌનક વ્યાસ.
જાયે તો જાયે કહાં
કલ્પના કરો કે તમે
દુનિયાથી વિખૂટા પડી ગયા છો. કોઈક રીતે તમે એવી જગ્યામાં સપડાઈ ગયા છો જ્યાંથી
બહાર નીકળવું મુશ્કેલ છે. અહીં કુદરતી રીતે હવા અને પાણી મળી રહે છે, ટકી રહેવાય
એટલો રાંધેલો તૈયાર ખોરાક પણ સમયાંતરે મળી રહે છે. પણ બાહ્ય દુનિયાનો કોઈ સંપર્ક કરવાનું કોઈ સાધન
નથી. તમે શું કરશો?
રસ્તેથી પસાર થતાં
એક યુવતી અકસ્માતપણે દસ-બાર ફૂટ ઊંડા એક ખાડામાં પડી જાય છે. અંધારિયા ખાડામાંથી
બહાર નીકળવાના પ્રયાસમાં એ યુવતી કોઈકની જોડે અથડાઈ પડે છે. એ ચીસાચીસ કરી મૂકે છે. જેની સાથે એ અથડાઈ છે તે
એક અજાણ્યો યુવાન છે. એ યુવાનને કહે છે કે એને ખાડામાંથી બહાર નીકળવું છે, યુવાન
કહે છે પ્રયત્ન કરી જો, બહાર નીકળવામાં હું તો ફાવ્યો નથી, તને કદાચ સફળતા મળે પણ
ખરી!
જો કે યુવતીને પણ
સફળતા મળતી નથી. એને ખબર પડે છે કે પેલો યુવાન પણ એની જેમ જ અકસ્માતપણે ખાડામાં
ફસાયેલો છે, કોણ જાણે કેટલાંય દિવસોથી!
ભૂગર્ભમાંથી પસાર
થતી પાઈપલાઈનમાંથી અમુક સમયે ગળતું પાણી પીને અને ખાડામાંથી અવારનવાર આવી પડતો કોઈનો
ત્યજાયેલો ખોરાક આરોગીને પેલો યુવક લાંબા સમયથી બંદિસ્ત સ્થિતિમાં ટકી રહેલો છે.
આ બંને જણા એકબીજાની
હાજરી સહન કરી શકતાં નથી. બીજી તરફ બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી!
જાયે તો જાયે કહાં?
શું થાય છે એ
બંનેનું?
*
ખાડામાંથી બહાર
નીકળવા માટે મળેલી તકને યુવક-યુવતી દ્વારા નકારી કાઢવા પાછળ વર્તમાન સામાજિક ઢાંચા
સામે એમનો દેખીતો વિદ્રોહ છે.
અરે, બંને જણા
એકબીજાનું નામ પૂછતાં/કહેતાં નથી! દલીલ એ છે કે નામ સાથે ઓળખ આવી, ઓળખ સાથે બીજાં
અનેક વળગણ આવે!
નાટ્યકાર સમાજને
પ્રશ્ન પૂછે છે, જે દુનિયા આપણે બનાવી છે એમાં કંઈક ભૂલ નથી થઈ? શું ઓળખમાં બંધાઈને આપણે ભૂલ નથી કરતાં?
એકબીજાને સમજવા કે આદર કે પ્રેમ કરવાને બદલે શા માટે આપણે એકબીજાનો ન્યાય કરીએ
છીએ?
વિચારપ્રેરક નાટક.
*
નાયકની ભૂમિકામાં
શૌનક વ્યાસ અને નાયિકાની ભૂમિકામાં હર્ષિદા પાણખાનિયા બંને કલાકારો ઉત્તમ અભિનય કરે
છે. બાળકીની નાનકડી
ભૂમિકામાં કવિષા વ્યાસ યાદગાર અભિનય કરે છે. પૂરક ભૂમિકાઓમાં કૃતિક દવે, દિવ્યાંગ આહીર અને અખિલ ગોર પાત્રોચિત અભિનય કરે છે.
નિશાંત ગોસ્વામીના
કલાદિગ્દર્શનમાં અંધારિયા ખાડાની રચના સરસ. ઠેર ઠેર કચરો, બેઢબ આકારના ખડકો, રંગ
વિનાની કાળમીંઢ દીવાલો, ઉપરથી સતત કંઈક ઘાસકચરાનું પડ્યા કરવું વગેરે સ્વાભાવિક
લાગે છે. રાજેશ મહિડાની પ્રકાશયોજનામાં અપૂરતા પ્રકાશ દ્વારા ઘટનાસ્થળ અસલ ખાડાની
પ્રતિતી કરાવે છે.
નાટકમાં એક ફેન્ટસી
દ્રશ્યનું આલેખન થયું છે. નાયિકાના ગર્ભમાં રહેલી બાળકી સદેહે પ્રગટ થાય છે અને પિતા
જોડે સંવાદ કરે છે.
* * *
એક સ્થળે અમર્યાદિત
સમય માટે બે જણા ફસાઈ ગયા હોય એવો વિચાર આમ તો નવો નથી. લાંબા સમયથી આવી કલ્પના
ઘણા સર્જકોને આકર્ષતી આવી છે. કેવળ નાટ્યક્ષેત્રે જ નહીં પણ ફિલ્મ, ટૂંકી વાર્તા
જેવા અન્ય પ્રકારોમાં પણ આવા વિષયવસ્તુ પર રજૂઆત થઈ ચૂકી છે અને ભવિષ્યમાં પણ થતી
રહેશે. વર્ષો પહેલાં એક એકાંકી જોયાનું યાદ આવે છે, એક દંપતી છૂટાછેડા લેવા માટે
ફેમિલી કોર્ટમાં જવા નીકળ્યું હોય. એ બંને લિફ્ટમાં પ્રવેશે અને લિફ્ટ અધવચ્ચે બંધ
પડી જાય. લિફ્ટ ચાલુ થાય એ દરમિયાન દંપતી
વચ્ચે ખૂબ દલીલો થાય ને પછી સમાધાન પણ થઈ જાય!
*
### ભવન કલ્ચરલ સેન્ટર અંધેરી આયોજિત નાટ્યસ્પર્ધા ૨૦૨૪
No comments:
Post a Comment