Sunday, 4 June 2023

પરબ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

પરબ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૧૯ શબ્દો)

ભૂલ (પન્ના ત્રિવેદી):

બાળઉછેર એક મહત્વની કામગીરી છે. નિશાળે ભણતાં બાળકો પર વાલીઓનો કેવો અને કેટલો અંકુશ હોવો જોઈએ? બાળકોને કેટલી સ્વતંત્રતા આપી શકાય? એમને ક્યાં છૂટ આપવી અને ક્યાં અંકુશ મૂકવાં? આ અને આવા અનેક પ્રશ્નોની ચર્ચા આ વાર્તા નિમિત્તે થઈ શકે. શહેરમાં અને પાડોશમાં બનતી ઘટનાઓથી આરોહી ચિંતિત છે. નાની બાળકીઓ સાથે દુષ્કર્મ બનવાની ઘટના છાપાં સુધી સીમિત ના રહેતાં પાડોશમાં બનતાં આરોહી હચમચી ગઈ છે. ના, આરોહી કોઈ નાનકડી અબૂધ બાળકીની માતા નથી પણ આવું છમકલું કરી શકે એ ઉંમરના દીકરાની માતા જરૂર છે. એક જવાબદાર માતા તરીકે એણે શિક્ષિત હોવા છતાં નોકરી ના કરતાં બાળકોના સારા ઉછેર ખાતર પૂર્ણ સમયની ગૃહિણી બની રહેવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું છે. એનો પતિ સુકેશ તક મળ્યે એની મજાક પણ કરતો રહે છે: “...પરફેક્ટ મધર.” એક બપોરે સ્કૂલે ભણતાં બંને પુત્રોના ઓરડામાંથી આરોહીને વાંધાજનક સામગ્રી મળી આવે છે. આરોહી છળી ઊઠે છે પણ સુકેશ હજી શાંત છે. છેવટે આરોહીને છોકરાંની સ્કુલમાંથી મળવા આવવાનું પ્રિન્સીપાલનું આમંત્રણ મળે છે. એ જાણે છે કે નાનો છોકરો તોફાની છે, એને શંકા છે કે એણે જ કંઇક કર્યું હશે. પણ પ્રિન્સીપાલની ફરિયાદ સાંભળી એનાં પગ નીચેની ધરતી ખસી જાય છે કારણ કે ફરિયાદ તો મોટા દીકરા અંગેની છે.  

બાળઉછેર અને તરુણોની સમસ્યા વિષે નીવડેલા વાર્તાકાર પાસેથી મળેલી સરસ વાર્તા. પ્રવાહી રજૂઆત.        

રમત શૂન્ય ભાગાકારની (પી. એમ. લુણાગરિયા):

દલિતો સાથે અન્યાય. અમદાવાદ જેવા શહેરમાં કહેવાતી નીચલી કોમના માણસોને સારા લત્તામાં મોંમાંગ્યું ભાડું આપવા છતાં ઘર ભાડે મળતું નથી.

સોલંકી અટકધારી કથાનાયક જીપીએસસી પરીક્ષામાં પાસ થયા છે, અમદાવાદ શહેરમાં સીટી મામલતદાર તરીકે એમની નિમણુંક થઈ છે પણ એમણે સર્કિટહાઉસમાં રહેવું પડે છે કારણ કે શહેરમાં કોઈ સારા લત્તામાં એમને ઘર ભાડે મળતું નથી! એમનું નામ સાંભળ્યા પછી ગુજરાતના રહીશોના કાનમાં ચેતવણીની સાયરન બજે છે: “આ તો અમુક જ્ઞાતિનો! એને ના અપાય ઘર!” પરિચિત અને નિવૃત્ત શિક્ષક ભટ્ટસાહેબ કહેવા ખાતર જાતિભેદમાં ના માનનારા પણ અંદરખાને હાડોહાડ જાતિવાદી છે. એમને કહેવાતી નીચલી કોમનો માણસ પાડોશી તરીકે એમને ખપતો નથી, ભલેને એક સમયે એ એમનો પ્રિય વિદ્યાર્થી રહ્યો હોય!

આ હકીકત છે, મુંબઈમાં બેંક અને અન્ય સરકારી નોકરીઓમાં બઢતી પછી જો ગુજરાતમાં પોસ્ટીંગ મળે તો કહેવાતી પછાત કોમના ગુજરાતી ઉમેદવારો બઢતી નકારી દેતાં હોય એવા કિસ્સાઓ આજે પણ બન્યાં કરે છે. સાંપ્રત સમસ્યા. સરળ અને ભાવવાહી રજૂઆત.

લઘુકથા

નજર (પ્રભુદાસ પટેલ): ચારિત્ર્યશિથિલતાની વાત.  “એક દિવસ સહુએ માટીમાં ભળી જવાનું છે માટે માણસે અભિમાન કરવું જોઈએ નહીં.” આવા અર્થનું ભજન ગાનાર દલજી ભગત ભજન સાંભળવા ભેગાં થયેલાં ગ્રામજનોમાં ઉપસ્થિત ગંગા સાથે નજર મેળવી શકતો નથી. કારણ? એણે ગંગા જોડે એવું શું કર્યું હતું? ચોટદાર લઘુકથા.       

પોંખણું (નગીન દવે): શું એક સ્ત્રીનું માન બીજી સ્ત્રી સાચવી શકે છે? છૂટાછેડા પછી વર્ષો બાદ પતિ પાસે જ મોટા થયેલા પુત્રના લગ્નપ્રસંગે નાયિકા બુરખામાં મોંઢું સંતાડીને વરઘોડિયાંને જોવા જાય છે પણ પતિની બીજી પત્ની એને ઓળખી જાય છે. પણ પછી શું એ એનું માન સાચવી શકે છે? શું વરમાતા તરીકે આગળની વિધિ એ પોતે ઉકેલે છે કે પહેલી પત્નીને સોંપી દે છે? પરસ્પર સ્નેહ અને આદરભાવની વાત. સરસ લઘુકથા.

--કિશોર પટેલ, 05-06-23; 09:45

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

 

No comments: