અખંડ આનંદ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૮૬૩ શબ્દો)
આ અંકની પાંચ વાર્તાઓમાં બહુધા સામાજિક સુધારણાનો કાર્યક્રમ
ચાલતો હોય અને દેશના કે રાજ્યના વડા નેતાના આદેશ પ્રમાણે હકારાત્મક વિચારોનું પ્રસારણ
કરવાનું હોય એવી વાર્તાઓ છે. ફક્ત એક વાર્તા એવી છે જેમાં વ્યવસ્થિત વિચાર છે, વ્યવસ્થિત
કથામાળખું છે અને વ્યવસ્થિત માવજત છે. એ વાર્તા કઈ એ તો મિત્રો તમે જ ઓળખી કાઢજો.
રેડીમેડ દીકરી (ચંદ્રિકા લોડાયા):
આ વાર્તા સારપથી પીડાય છે. વાર્તામાંનાં ચાર મુખ્ય પાત્રો
એકમેકને ખૂબ ચાહે છે, કટોકટીની સ્થિતિમાં પણ કોઈ જ પાત્ર પોતાનું માનસિક સમતોલન
ગુમાવતું નથી, પાત્રોનાં એકબીજા પ્રત્યેના સ્નેહમાં સહેજ પણ ઓટ આવતી નથી. ટૂંકમાં,
“એકબીજાને ચાહો” એવો કોઈ સામાજિક સુધારણાનો કાર્યક્રમ થાય તો એમાં ઉલ્લેખનીય
ઉદાહરણરૂપ ઘટના ગણી શકાય. વાર્તામાં એક ગંભીર-કરુણ પ્રસંગના સમાવેશ પછી પણ સાહિત્યની
દ્રષ્ટિએ જોઈએ તો આ રચના “અવાર્તા” છે.
મહારાષ્ટ્રના પૂના શહેરનો પ્રીત અને મુંબઈની હેત્વી એકબીજાને
જોઈ, મળી, પરિચય કેળવ્યા પછી વડીલોની સંમતિથી પરણે છે. પ્રીત અને તેના માતાપિતા
સુનીલા-સંજય એમ ત્રણ જણાનાં નાનકડા સુખી કુટુંબમાં હેત્વી દૂધમાં સાકર ભળે એમ ભળી
જાય છે. ચારે જણા એકબીજાનું સન્માન કરે છે અને સ્નેહ્ભાવના રાખે છે. હેત્વીને
સારાં દિવસો રહ્યાં હોય એવા લક્ષણો દેખાય છે, પણ અસલમાં હેત્વી માંદી પડે છે, એને અંડાશયનું કેન્સર થયું હોવાનું નિદાન થાય છે, આગળ ઉપર
હેત્વીના બંને અંડાશય કાઢી નાખવા પડે છે. પ્રીત-હેત્વીને હવે કોઈ સંતાન નહીં થાય એ
નક્કી છે. આમ છતાં, પરિવારના આ ચારે જણા વચ્ચે સ્નેહ્ભાવના કાયમ રહે છે. સહુ
એકબીજાનો આદર કરવામાં, એકબીજાને ચાહવામાં જાણે સ્પર્ધા કરતાં હોય એવું ચિત્ર ઊભું
થાય છે. આટલું ઓછું હોય એમ મુંબઈ રહેતાં હેત્વીના માતાપિતા પણ આ પ્રેમસરઘસમાં
જોડાઈ જાય છે.
લંબાણભરી રચના. વર્તમાનપત્રોની પારિવારિક પૂરવણીઓમાં
જોવામાં આવે એવી રચના.
ભાગ્યરેખા (દીના પંડયા):
હકારાત્મક વિચારોની જીવન પર થતી શુભ અસરની વાત.
ઘર-હવેલી-સ્વજનો ગુમાવીને તદ્દન રસ્તા પર આવી ગયેલા સનતને
જીવનમાંથી રસ ઊડી ગયો હતો. એનાં આત્મહત્યાના પ્રયાસો પણ નિષ્ફળ જવાથી એ જેમતેમ
જીવન વેંઢારતો હતો એવામાં એક જ્યોતિષી આવી ચડે. દક્ષિણાની લાલચે એ સનત ખુશ થાય
એવું ભવિષ્ય ભાખે છે કે “એનાં ભાગ્યમાં તો લક્ષ્મી સેલ્લારા મારે છે.” સનતને થાય
છે કે આ કદાચ સાચું પણ પડે. જીવન પ્રતિ એનો અભિગમ બદલાઈ જાય છે. એ મહેનત કરવા
માંડે છે. મહેનત, લગન અને હોશિયારીને પરિણામે એ ધંધામાં સફળ થાય છે અને લક્ષ્મી
એનાં પર રીઝે છે. એને સુયોગ્ય કન્યા પણ મળી રહે છે જેની જોડે લગ્ન કરીને એ સ્થિર
થાય છે. રસ્તે રઝળતા એક માનસિક અસ્વસ્થ વૃદ્ધને એ ઓળખી જાય છે, એનું ઉજ્જવળ ભવિષ્ય
ભાખનારો જોશી કાળક્રમે એવી સ્થિતિમાં આવી ગયો હતો. એનું ઋણ ચૂકવવા સનત એને વિધિસર
દત્તક લઈને પોતાને ઘેર લઈ જાય છે.
આમ જુઓ તો તાલમેલ બેસાડેલી નાટયાત્મક વાર્તા છે. હકારાત્મક
વિચારોની અસર સારી થાય છે એવું અહીં પ્રતિપાદિત થાય છે. રજૂઆત પારંપારિક.
ગુસ્સો ઓગળી ગયો (અર્જુનસિંહ રાઉલજી):
દુર્જનની સામે દુર્જન થવાથી આપણી જ પ્રતિષ્ઠા ઓછી થાય છે
એવો સંદેશ આપતી વાર્તા.
વકીલ અવનીરાયની ખ્યાતિ એવી છે કે પોતાની ફી કમાવા માટે તેઓ ક્યારેય
અસીલોને ઊંધા રવાડે ના ચડાવતા. કૃતઘ્ની
નાના ભાઈ વિરુદ્ધ કોર્ટકેસ કરવા ઈચ્છતા એક મોટાભાઈને વકીલ આ અટકાવે છે અને ઉપદેશ આપે છે કે જેવા સાથે તેવા ના થવાય. આટલો ઉપદેશ સાંભળીને
પેલો માની જાય છે અને કેસ કરવાનું માંડી વાળે છે.
મોટો ભાઈ નાના ભાઈ વિરુદ્ધ કેસ કરવા માંગતો હતો કારણ કે નાના
ભાઈએ ઉપકારનો બદલો અપકારથી આપ્યો હતો. અહીં અવનીરાય સામેથી આવેલા અસીલને કોર્ટ કેસ
ના કરવા સમજાવે છે એ વાત ગળે ના ઉતરે એવી છે. જો વકીલ અવનીરાય ખરેખર સામાજિક કાર્ય
કરવા ઈચ્છતા હોય તો એમણે બંને ભાઈઓને સામસામાં બેસાડીને એમની વચ્ચેના ટંટાનો નિકાલ
લાવવો જોઈતો હતો.
બાળવાર્તા પ્રકારની રચના, સાધારણ રજૂઆત.
A.T.C2.M. (અરવિંદ ધીરજલાલ પંડયા):
અપરાધકથા.
ફેન્ટેસીથી શરુ થયેલી આ વાર્તા અપરાધકથામાં પરિવર્તિત થઈ
જાય છે. ફેન્ટેસી એવી થઈ છે કે એક એવું મશીન શોધાયું છે જે કોઈ પણ વ્યક્તિના
જીવનનો સંપૂર્ણ આલેખ ત્રણ કલાકમાં આપી દે છે અને જે તે વ્યક્તિનું હ્રદયપરિવર્તન
કરવા પણ સક્ષમ છે. ખરાબને સારા અને સારાને વધુ સારા બનાવી શકે છે.
આ મશીનના પ્રયોગના પહેલા દિવસે પ્રયોગ માટે આન્દ્રે નામનો
એક ખૂંખાર અપરાધી સ્વેચ્છાએ તૈયાર થાય છે. ત્રણ કલાકમાં એનો જે જીવનઆલેખ મશીને
આપ્યો એના માટે આન્દ્રેએ એવું કહ્યું કે હા, આ મશીને મારો જે ઈતિહાસ કહ્યો તે સો
ટકા સાચો છે. વળી આન્દ્રેનું એવું હ્રદયપરિવર્તન થઈ ગયું કે એણે પોતાની લખલૂટ
સંપત્તિ દાન કરી દીધી!
બીજા અને ત્રીજા દિવસે અનુક્રમે એક ધર્મગુરુ અને એક
રાજકારણી નેતા આ પ્રયોગ માટે મશીન સમક્ષ હાજર થવાના હતા. પણ આન્દ્રેની પ્રતિક્રિયા
જાણ્યા પછી કોઈ અજાણ્યા માણસે અથવા માણસોએ પેલા મશીનને નેસ્તનાબૂદ કરી નાખ્યું, અને
મશીન બનાવનારા સર્વ વૈજ્ઞાનિકોની હત્યા કરી નાખી! કદાચ ધર્મગુરુ અને નેતાજી પાસે
છુપાવવાનું ઘણું બધું હતું! આમ એક ફેન્ટેસી અપરાધકથામાં ફેરવાઈ જાય છે.
ટચુકડી વાર્તાની સરળ રજૂઆત.
શુભ સંધ્યા (રેણુકા દવે):
વરિષ્ઠ નાગરિકોની સમસ્યા.
મેઘાવી એક અખબારમાં પત્રકારની નોકરી કરે છે. એક લેખ
નિમિત્તે થોડાંક દિવસ માટે એનું વૃધ્ધાશ્રમમાં રહેવાનું થાય છે. આ નિમિત્તે એ
વરિષ્ઠ નાગરિકોની એકલતાથી માહિતગાર થાય છે. એ જુએ છે કે મોટા ભાગનાં વૃધ્ધોને
પરિવાર દ્વારા તરછોડી દેવાયેલાં હતાં. ત્યાં રસોડામાં કામ કરતી એક રસોયણબાઈ એને એક
ઘણી મોટી વાત કરે છે. એ કહે છે: “છોકરાંઓ શું માબાપને જોડે રાખતાં હશે? અરે, માબાપ
જ છોકરાંને પોતાની જોડે રાખતાં હોય છે!” મેઘાવી પોતે પોતાની સાસુને આવા કોઈ
વૃધ્ધાશ્રમમાં મૂકવાનું વિચારતી હતી. પણ વૃધ્ધાશ્રમની આ મુલાકાતથી એની આંખો ખૂલી
જાય છે. એ નક્કી કરે છે કે સાસુને પોતાની જોડે પોતાને ઘેર જ રાખશે અને બને એટલી
એમની સેવા કરશે.
સરસ વાર્તા, નાયિકાના મનોવ્યાપારનું સરસ આલેખન.
--કિશોર પટેલ, 08-06-23; 11:14
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment