Tuesday, 7 September 2021

મમતા ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

મમતા ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૮૪૮ શબ્દો)

નારીવાદી વાર્તાવિશેષાંક ભાગ ૨ અતિથી સંપાદક: ખેવના દેસાઇ

કાળી સ્ત્રી (પારુલ પ્રેયસ મહેતા):

અહીં કાળી સ્ત્રી એક સ્વતંત્ર સ્ત્રીનું પ્રતિક બનીને આવે છે. અનન્યા એના ઘરમાં કામ કરવા  આવતી બાઇની સતત ઈર્ષા કર્યા કરે છે કારણ કે એની ત્વચા ભલે કાળી હોય પણ સ્નિગ્ધ છે. અકારણ જ એ પોતાની તુલના એની જોડે કર્યા કરે છે. અહીં વાત ફક્ત આર્થિક સ્વાતંત્ર્યની નથી પણ આત્મસન્માનની પણ છે જે કામવાળી બાઇ પાસે છે અને અનન્યા પાસે નથી. જયારે નાયિકાને પોતાને દિશા સાંપડે છે ત્યારે જ એનું મન શાંત થાય છે.

અન્ય ગૌણ પાત્રોની બાદબાકી કરીને, ફક્ત નાયિકા અને કાળી સ્ત્રી એમ બે જ પાત્રો પર ફોકસ રાખીને, બંને વચ્ચે એકાદ નાટ્યપૂર્ણ પ્રસંગયોજના કરીને ફાંકડી વાર્તા બનાવી શકાઇ હોત. એકંદરે સારી વાર્તા.  

એ તો જીવી ગઇ છે! (નિર્ઝરી મહેતા):

સ્ત્રીના જીવનની વ્યથા-કથા જેવો જૂનો વિષય, માવજત સારી પણ પરિણામ નિરાશાજનક.

વર્ષો પહેલાં છૂટાં પડી ગયેલાં માતા-પિતાને ભેગાં કરવાની યોજના નાયિકાએ છેલ્લી ઘડીને પડતી મૂકવી પડે છે.

આ વાર્તાની રચનારીતિ રસ પડે એવી છે. એક સવારે નાયિકાએ વોશિંગ મશીનમાં કપડાં ધોવાં નાખ્યાં અને એ કપડાં ધોવાઇ રહે એટલા સમયમાં વાર્તા પૂરી થઇ જાય છે.  સંપૂર્ણ વાર્તા નાયિકા સુતપા અને તેના પતિ પરિતોષ વચ્ચે થયેલાં સંવાદમાં કહેવાઇ છે. આવશ્યકતા અનુસાર સુતપાના મનોવ્યાપારનું આલેખન થયું છે તેમ જ જરૂરી વિગતો ફ્લેશબેકની પધ્ધતિથી વચ્ચે વચ્ચે અપાઇ છે પણ ક્યાંક રસભંગ થતો નથી. આ થયું વાર્તાનું જમા પાસું.

ઉધાર પાસું જોઇએ તો વાર્તામાં status quo એટલે કે જૈસે થે બની રહે છે.  કંઇક રસપૂર્ણ બની શક્યું હોત જો પરિતોષે સુતપાને અટકાવી ના હોત. જો સુતપાના માતાપિતા વચ્ચે ખરેખર મુલાકાત થઇ હોત તો જરૂર કંઇક નાટ્યપૂર્ણ બન્યું હોત.

નાયિકાનું “સુતપા” નામ અસામાન્ય છે. અધૂરામાં પૂરું એનું ટૂંકું રૂપ “સુપી” વળી ઔર વિચિત્ર લાગે છે. 

સામાજિક પ્રાણી (છાયા ઉપાધ્યાય):

ચૌદ, પંદર કે સોળ વર્ષની કન્યાના લગ્ન એટલે નિર્વિવાદપણે બાળલગ્ન જ કહેવાય. આવાં એક લગ્નમાંથી પીડિતાને ઉગારવા પ્રવૃત્ત થયેલી નાયિકાએ છેવટની ક્ષણે હથિયાર હેઠાં મૂકી દેવા પડે છે. હાંસિયામાં જીવતા સમાજની વાસ્તવિકતા સામે કાયદાની કલમો ક્યારેક નિરર્થક થઇ જતી હોય છે. કન્યાઓનાં હિત માટે કામ કરતી સંસ્થાઓએ પણ લગ્ન માટેની વયમર્યાદા ઉપરાંત અન્ય પરિબળો માટે સજાગ રહેવું જોઇએ એવી ચેતવણી આ વાર્તા આપે છે.  

હટ કે કથા-વસ્તુ અને પ્રભાવી તેમ જ પ્રવાહી રજૂઆત. વાર્તામાં આવશ્યક સંઘર્ષ છે. ‘હવે શું થશે?’ની ઉત્કંઠા એકાદ થ્રિલર વાર્તાની જેમ ક્ષણે ક્ષણે વધતી રહે છે.  ધારણાઓ કરતાં વિપરીત ઘટતું રહે છે એમાં વાર્તાની સફળતા છે. તળપદી બોલીનો પ્રયોગ થયો છે. સાદ્યંત સ-રસ વાર્તા.

વાર્તાની રચનારીતિ જુઓ: નાયિકાએ શાળાના એક ખાલી ઓરડામાં એક વિદ્યાર્થીની જોડે અનૌપચારિક મિટિંગ ગોઠવી છે. માંડ અડધો કલાક ચાલેલી એ મિટિંગની સાથે વાર્તા પણ સમાપ્ત થઇ જાય છે. આનુષંગિક વિગતો ભાવકને સમયે સમયે મળ્યા કરે છે પણ ક્યાંય રસભંગ થતો નથી.  

શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે તુંકારાનો સંબંધ એક ચોંકાવનારું નાવીન્ય છે. નોંધનીય છે શિક્ષકનો તંદુરસ્ત અભિગમ. ઉંમર કે અભ્યાસ બાદ કરતાં બીજી અનેક રીતે વિદ્યાર્થી બરોબરિયો કે ચડિયાતો હોઇ શકે એવું માનવાનો શિક્ષક અભિગમ સરાહનીય છે. વિદ્યાર્થી દ્વારા શિક્ષક માટે થતું તુંકારાનું સંબોધન વાર્તામાં ક્યાંય અખરતું નથી.   

નોંધનીય અભિવ્યક્તિ: ૧. એક સ્ત્રીપાત્રના ચહેરાનું વર્ણન: “...સપનાના ચહેરા પર પૂર્વોત્તર ગુજરાતની ભૂગોળ છપાયેલી હતી...’ ૨.  એક નવો શબ્દ: પોતાના જીવનનો નિર્ણય લેતી કન્યા માટે વપરાયેલું વિશેષણ: “પાવરપોટલી.”

કુહૂ... કુહૂ... કુહૂ...! (જયશ્રી વિનુ મર્ચન્ટ): 

આજની સ્ત્રી કહે છે: આત્મસન્માનના ભોગે કશું જ નહીં. પોતાના પેટના દીકરાને પણ નકારી કાઢતાં લખીબા આ વાર્તામાં આજની વિદ્રોહી નારીની પ્રતિનિધિ બનીને આવે છે.

કેવળ અંતમાં આઘાત આપવા માટે ખેતર વેચવાની જે વાત છેક સુધી લેખકે બચાવી રાખી છે તે કૃત્રિમ લાગે છે. જો ખેતર વેચવાની વાતનો ઉલ્લેખ વાર્તામાં અગાઉ સહજપણે આવી ગયો હોત તો અંતમાં સોનાની થાળીમાં લોઢાનો જે સ્વાદ આવે છે તે નિવારી શકાયો હોત. આ સિવાય વાર્તામાં વિષય-વસ્તુનો વિકાસ સરસ થયો છે. કોયલ સાથેના લખીબાના ઝઘડા મીઠા લાગે છે. અંતમાં જમીનના ગ્રાહકો જોડે લખીબા કડકડાટ અંગ્રેજી બોલે છે એ દ્રશ્ય નાટ્યાત્મક રજૂ થયું છે. શીર્ષક બીજું કશુંક સારું વિચારી શકાયું હોત.         

થોર (નરેન્દ્રસિંહ રાણા): નાના શહેરની બે સ્ત્રીઓના જીવનનું તુલનાત્મક ચિત્રણ થયું છે. ધની કદાચ ત્યકતા છે જયારે કનકનો ધણી કદાચ જેલમાં છે. કદાચ કનક માટે થઇને ધનીના પતિએ ધનીને રઝળતી મૂકી દીધી હતી.  ધનીએ કદાચ પતિ વિરુદ્ધ કોર્ટકેસ કર્યો હોય અને કાયદાની દ્રષ્ટિએ ધનીનો પતિ દોષિત સાબિત થયો હોઇ જેલના સળિયા પાછળ હોય એવું બને. સમગ્ર કાંડમાં ધનીના જેઠ (જેનો ઉલ્લેખ હવે કનકના જેઠ તરીકે થાય છે)ની પણ મહત્વની ભૂમિકા હોઇ શકે.  એ ઘરના સહુ પુરુષોનો ઈતિહાસ જેલના સળિયા સાથે સંકળાયેલો હતો એવો સંકેત વાર્તામાંથી મળે છે.

આ બધી ધારણાઓ છે જે કદાચ ભૂલભરેલી પણ હોઇ શકે કારણ કે વાર્તા ઘણી જ સંદિગ્ધ છે. સમાજમાં સ્ત્રીની અવદશા અંગે લેખક નિવેદન કરવા ઈચ્છે છે એટલું સમજાય છે.   

દ્વિધા (ગિરિમા ઘારેખાન):

Indecent proposal નામની ફિલ્મના જેવા બહુ જાણીતા વિષય-વસ્તુની વાર્તા.

નાયિકાની સ્થિતિ એવી થઇ છે કે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઇ. જવું તો કઇ દિશામાં? ભારે દ્વિધાજનક પરિસ્થતિમાં એ મૂકાઇ ગઇ છે. નાયિકાના મનોવ્યાપારનું સરસ આલેખન. તોફાની કબૂતરનાં રૂપકનો સરસ ઉપયોગ. વાચનક્ષમ સરસ વાર્તા.       

###

નારીચેતનાના બંને વિશેષાંકોમાં અતિથીસંપાદક ખેવના દેસાઈની મહેનત ઊડીને આંખે વળગે છે. આપણી ભાષાની મૌલિક વાર્તાઓ ઉપરાંત ભગિની ભાષાઓની વાર્તાના અનુવાદો તેમ જ દેશ-વિદેશની લેખિકાઓ જેમણે પોતાના સાહિત્યમાં સ્ત્રીઓની સમસ્યાને વાચા આપી એમની છબીઓ અને સંક્ષિપ્ત પરિચય ઇત્યાદિનો રસથાળ ભારે જહેમતપૂર્વક એકઠો કરીને વાચકો સમક્ષ એમણે મૂકી આપ્યો છે. બંને અંકો collecter’s item બન્યા છે. અતિથીસંપાદક અને મમતામંડળી સહુનો આભાર અને સંપૂર્ણ ટીમને અભિનંદન.

--કિશોર પટેલ, 17-08-21 12:22

###    


No comments: