કુમાર ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે
(૪૫૦ શબ્દો)
આ અંકની બંને વાર્તાઓ નારીચેતના વિષયની છે.
જેલ પોતપોતાની (ઈલા આરબ મહેતા):
પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન હંમેશા દુય્યમ
રહ્યું છે. આપણા દેશમાં મોટી સંખ્યામાં પરિણીત સ્ત્રીઓ આજે પણ ઘરેલુ હિંસાનો શિકાર
બનતી રહી છે.
પ્રસ્તુત વાર્તામાં પતિનો એક જ લાફો ગાલ પર પડતાં પત્ની
પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. પતિ લોકઅપના
સળિયા પાછળ બંધ થઇ જાય છે. ચાર કલાક સળિયા પાછળ વીતાવીને સંજયમાં રહેલો પુરુષ
આકાશમાંથી ધરતી પર પટકાય છે. એનો અહમ ઘવાયો છે. અપમાનબોધથી એ ભારે અસ્વસ્થ થઇ ગયો છે.
આવું થઇ શકે છે એવું એણે સ્વપ્ને પણ ધાર્યું ન હતું.
નયના માત્ર ઈશારો કરવા માંગતી હતી કે એ શું કરી શકે છે.
મુદ્દો સાબિત થઇ ગયો એટલે પતિ વિરુદ્ધની ફરિયાદ એ પાછી ખેંચી લે છે. સંજયને ખરેખર બોધપાઠ
મળી જાય છે. એટલે જ તો એ પત્નીને કહે છે કે “તારે જવું હોય તો જા. નહીંતર પાછું...”
મહિલામંડળ દ્વારા આયોજિત પિકનિક પર જવાની નયનાની જિદ પરથી બધી બબાલ થઇ હતી.
પતિ-પત્ની બંનેનું પાત્રાલેખન સારું. પુરુષો દ્વારા સ્ત્રીઓ
પ્રત્યે થતી હિંસા સંજય નાનપણથી જોતો આવ્યો હતો. પરિવારની કોઇ સ્ત્રીએ ક્યારેય
વિરોધ કર્યો ન હતો. આમ એને સંસ્કાર જ એવા મળ્યા હતા કે આવું તો ચાલે. સામે પક્ષે નયના
મહિલામંડળમાં આવજા કરે છે, પુરુષો દ્વારા થતાં અન્યાયો પ્રતિ મહિલાઓમાં હવે જાગૃતિ ફેલાઇ રહી છે. હાથ
ઉપાડનાર પતિ વિરુદ્ધ વિદ્રોહ કરવાની હિંમત નયનાએ ત્યાંથી જ મેળવી છે.
વરિષ્ઠ અને નીવડેલા આ વાર્તાકારની આ કૃતિના આલેખનમાં રહી
ગયેલી ક્ષતિઓ પ્રતિ અંગુલીનિર્દેશ કરવો આવશ્યક છે. ૧. સંજયની માતા માટે શું સંબોધન
કરવું એ વિષે કથક ચોક્કસ નથી. ભારતીમમ્મી, મમ્મી અને ભારતી આમ ત્રણ ત્રણ સંબોધન ક્થકે
વાપર્યા છે. ૨. લાફો મારવાની ઘટનાની પહેલાંના અને પછીના પતિ-પત્ની વચ્ચેના સંવાદો
એકસાથે લખાયાં છે એટલે એનો સંદર્ભ સ્પષ્ટ થતો નથી. પરિણામે વાચકને ગૂંચવણ થાય
છે.
એકંદરે સરસ વાચનક્ષમ વાર્તા.
ગુડ બાય (ધીરેન્દ્ર મહેતા):
મિત્સુ પોતાની જિંદગી પોતાની શરતોએ જીવી છે. બાકીની જિંદગી
પણ એ જ ખુમારીથી જીવવા ઈચ્છે છે. આ અંગે એ કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. ઉચ્ચ
અભ્યાસ કરવા માંગતી મિત્સુને ઘરનાં લોકો પરણાવી દેવા માંગતા હતા. નમતું ના આપતાં એ
ગૃહત્યાગ કરી ગઇ હતી. પુરુ જોડેની સગાઇ તૂટી ગઇ એનો એને રંજ નથી.
વર્ષો પછી માંદા પડેલા પિતાની ખબર કાઢવા મિત્સુ એ જ શહેરમાં
પાછી આવી છે જ્યાં એનો ઉછેર થયો છે. હોસ્પિટલમાં પિતાની સ્થિતિ જાણી લીધાં પછી
પ્રશ્ન ઊભો થાય છે રાત રોકાવાનો. કોરોના મહામારીના કારણે શહેરમાં સર્વત્ર
જાકારાનું વાતાવરણ છે. મિત્સુના કાકાનો પ્રતિસાદ ઠંડો છે. જેની સાથેની સગાઇ તૂટી
ગયેલી એ પુરુ શહેરમાં મિત્સુની વ્યવસ્થા કરવા સામે ચાલીને આવ્યો છે. વાતવાતમાં
મિત્સુ અને એના પરિવાર પ્રતિ પુરુના મનમાં રહેલી કડવાશ પ્રગટ થઇ જાય છે. પરિણામે
મિત્સુ એની જોડે જતી નથી. એટલી રાત્રે ક્યાં જવું કે ક્યાં રોકાવું એવા વિચારોથી વિચલિત
થઇને મિત્સુ સમાધાન કરતી નથી.
નાયિકાનું પાત્રાલેખન સશક્ત. મહામારીની પાર્શ્વભૂમિમાં
હોસ્પિટલના વાતાવરણનું આલેખન વિગતવાર અને અધિકૃત.
સરસ વાર્તા.
--કિશોર પટેલ, 09-09-21 18:02
###
No comments:
Post a Comment