Sunday, 4 April 2021

પરબ માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

પરબ માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૫૩ શબ્દો)

આ અંકની બંને વાર્તાઓ નાયિકાપ્રધાન છે.

ચૂડીકર્મ (ઈલા આરબ મહેતા):

પતિ મૃત્યુ પામે એટલી પત્ની પોતાની બંગડીઓ ભાંગી નાખે એવી એક રૂઢિ આપણા સમાજમાં હતી, કદાચ હજી પણ હશે. પુરુષ મૃત્યુ પામે એટલે જાણે એની સ્ત્રીનું સૌભાગ્ય નંદવાઈ ગયું, હવે એણે સાજ-શૃંગાર કરવાનો નહીં, જીવનરસ માણવાનો નહીં, કુટુંબ માટે જિંદગી ખર્ચી નાખવાની. પુરુષપ્રધાન સંસ્કૃતિનું આ એક વરવું લક્ષણ. આ વાર્તામાં નાયિકા પતિના મૃત્યુ પછી ચૂડીઓ ભાંગતી નથી. એ ચૂડીઓને સહારે રાહ ભટકી ગયેલાં પુત્રને સાચા રાહ પર લાવવા નાયિકા કટિબદ્ધ થાય છે.

આપણા સમાજમાં વંચિતોનો મોટો ભાગ તનમનથી માલિકોની સેવામાં આયખું ખર્ચી કાઢે છે. બદલામાં એમને ક્યારેક થોડુંક ધન કે થોડીક જમીન મળે છે. એવા એક કુટુંબને ફાળે રહેવા માટે નાનકડી ઓરડી મળી છે અને વારસદારને સ્કુલમાં-કોલેજમાં ફી-માફી મળી છે. સમાજના એવા એક હિસ્સાના રોજીંદા જીવનનાં સંઘર્ષ પર લેખકે વાર્તામાં પ્રકાશ પાડ્યો છે.

આજની પેઢી પાસે આવેલાં મોબાઈલ જેવાં ગેઝેટ એક તરફ ઉપયોગી પણ છે અને બીજી તરફ કોઇની પ્રતાડના કરવાનું હથિયાર પણ બની શકે છે એ  અંગે લેખકે વાર્તામાં સ્ટેટમેન્ટ કર્યું છે.  

ઈમરજન્સી એમઆરઆઇ (ભારતી રાણે):

એક સ્ત્રી બાથરૂમમાં પડી ગઇ, માથામાં વાગ્યું છે, સ્થિતિ ગંભીર છે, શરીરની અંદર કેટલું અને કેવું નુકસાન થયું છે એ જાણવા તાત્કાલિક એમઆરઆઈ માટે લઇ જવાય છે. એટલું કામ થાય એટલે સ્ત્રીને બહાર લવાય છે. બસ, આટલી જ ઘટના દરમિયાન સંપૂર્ણ વાર્તા રજૂ થઇ છે.

સ્ત્રીના શરીરને નહીં પણ તેની જિંદગીને કેવું અને કેટલું નુકસાન થયું છે તેનો એમઆરઆઈ ભાવકને આ નાનકડી  વાર્તામાંથી મળી રહે છે. લેખકે ક્યાંક સ્પષ્ટ  કહ્યું નથી પણ વાર્તામાં મળતાં સંકેતો પરથી અનુમાન લગાવી શકાય છે કે એ સ્ત્રી અકસ્માતપણે નહીં પણ હેતુપૂર્વક આચરાયેલી ઘરેલુ હિંસાનો શિકાર બની છે, એ બાથરૂમમાં પડી નથી ગઇ, એને નિર્દયતાથી પીટવામાં આવી છે. પતિની પૂછપરછ થાય છે ત્યારે એણે આપેલાં જવાબો પરથી ખબર પડે છે કે પતિ સત્ય છુપાવે છે. અને એટલે જ એમઆરઆઈ થયા પછી પતિ પૂછે છે રિપોર્ટમાં શું આવ્યું? એને ડર છે કે રિપોર્ટમાં કંઈ પકડાઈ ગયું તો?

પિતૃસત્તાક વ્યવસ્થામાં લગ્ન કર્યા પછી સ્ત્રી માટે કેવી રીતે બધી દિશાઓ બંધ થતી જાય છે એનું ઓછા શબ્દોમાં અહીં આલેખન થયું છે. નાયિકાના અભિપ્રાયનું કોઇ મૂલ્ય નથી. દિવસ-રાત મહેણાં સાંભળવાના, એણે નોકરી કરવાની નહીં, ક્યાંક એ આર્થિક રીતે સ્વતંત્ર થઇ ગઇ તો! પુરુષ કેટલી અસુરક્ષિતતા અનુભવે છે તે જુઓ!

સારી વાર્તામાં કંઈ જ બિનજરૂરી હોતું નથી. ભૂતકાળની યાદોમાં એક પ્રસંગ છે મંદિરમાં સાધુઓ દ્વારા એકતારા જોડે એક ગીતનો. “મંદિર મેં દીપ્તિ જલે, શ્યામ તેરે મંદિર મેં દીપ્તિ જલે.” નાની બાળકી પિતાને પૂછે છે: “એકની એક લીટી એકસરખી હલકથી, એકસરખા સૂરમાં કેટલો વખત સાધુઓ ગાઈ શકે?”  પિતા જવાબ આપે છે: “મનની લગન લાગી જાય પછી બીજું બધું નકામું બની જાય.”   આ વાત નાયિકા પોતાના જીવનમાં અનુભવે છે, જીવનમાં કેવી એકસરખી લગનથી એણે સંસાર નિભાવ્યો હતો! પોતાનાં સ્વપ્નો, ઈચ્છાઓ વગેરે વિસારે પાડીને!    

રચનારીતિની દ્રષ્ટિએ અભ્યાસ કરવાલાયક વાર્તા.

-કિશોર પટેલ; 04-04-21; 20:13

###     

 


No comments: