Thursday, 8 April 2021

એક અભ્યાસલેખ દલિત સાહિત્ય / કિશોર પટેલ


 

એક અભ્યાસલેખ

દલિત સાહિત્ય / કિશોર પટેલ

દલિત સાહિત્યનો અણસાર સૌ પ્રથમ મરાઠી ભાષામાં દેખાયો. ત્યાર બાદ ગુજરાતી ભાષામાં પણ દલિત સાહિત્ય પ્રગટ થયું. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન પછી એ ચળવળમાં વેગ આવ્યો. દલિત સાહિત્યની સામાન્ય વ્યાખ્યા આપણે એવી કરી શકીએ કે દલિતો વિશેનું સાહિત્ય. જરૂરી નથી કે દલિતો એટલે કે વંચિતો વિશેનું સાહિત્ય કોઈ દલિત/વંચિત જ કરે કે કરી શકે. પણ જો એ સમાજમાંથી જ કોઈ લેખક આગળ આવતો હોય તો વધુ પ્રતિબદ્ધ સાહિત્ય મળવાની શક્યતા વધી જાય છે. એંસીના દાયકામાં મરાઠી ભાષામાં ગ્રંથાલી પ્રકાશને લીધેલી આગેવાની મહત્વની છે. ગ્રંથાલીના પ્રકાશક દિનકર ગાંગલ મહારાષ્ટ્રના વંચિત સમાજના આગેવાન કવિ-લેખકોને રૂબરૂ મળ્યા અને એમની પાસેથી આત્મકથનો લખાવ્યાં જેને પરિણામે લક્ષ્મણ માને, દયા પવાર, નામદેવ ઢસાળ જેવા કવિ/લેખકો પ્રકાશમાં આવ્યા. આરંભના એ ગાળામાં દલિતોની વ્યથા-કથા અને સવર્ણો દ્વારા થતાં અન્યાય સામે આક્રોશ એવો સૂર મુખ્ય હતો.

દલિત સાહિત્યની વ્યાખ્યા

દલિત લેખકો વડે દલિત ચેતના અને સંવેદનાને વ્યક્ત કરે તે દલિત સાહિત્ય. એના સ્વરૂપનું વૈશિષ્ટય એની અંદર જ રહેલ દલિતતામાં વણાયેલું રહ્યું છે.  એના સર્જનનો ઉદ્દેશ એક જ છે, સ્પષ્ટ છે, દલિત સમાજને એની ગુલામીથી પરિચિત કરી, હિંદુ સમાજના ઉપલા વર્ણ-વર્ગના લોકોની સમક્ષ દુ:ખસંતાપ વર્ણવવા.

દલિત સાહિત્યના એક જાણીતા કવિ-વાર્તાકાર ડોક્ટર પથિક પરમારે દલિત સાહિત્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે સાહિત્ય એ માનવને કેન્દ્રમાં રાખીને સતત વિકસતી રહેલી અભિવ્યક્તિની કળા છે, તેમાં દલિત સાહિત્ય એ જ્વાળામુખીની ટોચ ઉપર જીવતા શોષિત અને પીડિત સમાજના આંતરિક સંચલનોને વાચા આપતું સાહિત્ય છે. દલિત સાહિત્યના સર્જકો પોતાના જીવાતા જીવનના રોજિંદા અનુભવોનું ભાથું લઈને આવે છે, એમની વાર્તાઓમાં એમના સામાજિક અને કૌટુંબિક તેમ જ આર્થિક અને વ્યાવસાયિક જીવનના આગવાં અને નિજી સંવેદનો બળકટ રીતે દેખાં દે છે. (સંદર્ભ: “સાંપ્રત દલિત સાહિત્ય પ્રવાહ” સંપાદન ડો.પથિક પરમાર)

આ વિષે ડો. મોહન પરમાર લખે છે:

“ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્યનો ઉદ્ભવ ૧૯૭૫ની આસપાસ થયો. પ્રારંભિક વર્ષોમાં કવિતા લખવાનું પ્રમાણ વિશેષ રહ્યું. ૧૯૮૦ પછી ગુજરાતી વાર્તાની જે રુખ પલટાઈ એમાં દલિત વાર્તાને પણ અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. 

૧૯૮૦ પછી આધુનિક વાર્તાના પૂર ઓસરવા માંડ્યા અને અનુઆધુનિક વાર્તાનો જન્મ થયો.  અનુઆધુનિક વાર્તામાં પરિષ્કૃત (અર્થ: પરિષ્કાર પામેલું, સંશોધિત કે અલંકૃત –સાર્થ ગુજરાતી જોડણીકોશ) અને દલિત ચેતના ઉપરાંત ગ્રામચેતના, નારીચેતના, દરિયા કાંઠાના માનવજીવનની સમસ્યાઓ, નગર જીવનના અંધારિયા ખૂણાની વિવિધ સમસ્યાઓ વગેરે વિષયો લેખે લઈને વાર્તા રચવાના પ્રયાસો થયા. આવા વિષયવસ્તુને સ્પર્શક્ષમ બનાવવા માટે વાર્તાકારોનો સબળ સર્જનાત્મક સધિયારો મળતાં આ ગાળાની વાર્તાઓએ સારું એવું આકર્ષણ ઊભું કર્યું. અનુઆધુનિક વાર્તાની આ વિવિધ ધારાઓમાં દલિત ચેતનાની વાર્તાઓએ તેની નિજી સર્વાંગીણ સમસ્યાઓને કારણે જુદી જ ભાત પાડી છે. દલિતોના રીતરિવાજ, આકાંક્ષા-અરમાનો, પીડા-વેદના વગેરે આજ સુધી સાહિત્યમાં અસ્પૃશ્ય રહેલાં વિવિધ વિષયો સાહિત્યમાં ઠોસપૂર્વક પ્રવેશ્યા. એમાંય વાર્તાઓમાં આવા વિષયોના રહસ્યો એવી રીતે ઘૂંટ્યા કે ટૂંકી વાર્તામાં દલિત વાર્તા એવી આગવી ઓળખ સાથે અનિવાર્ય બનીને જ જંપી.” (સંદર્ભ: ‘ગુજરાતી દલિત સાહિત્ય: સ્વાધ્યાય અને સમીક્ષા’ , પ્રકાશન વર્ષ: ૨૦૦૧; સંપાદકો મોહન પરમાર અને હરીશ મંગલમ) 

જાણીતા વાર્તાકાર અને વિવેચક માય ડિયર જયુ નોંધે છે:

“ગાંધીયુગનો સુધારક દલિતને અસ્પૃશ્યતા, દરિદ્રતા, અજ્ઞાનતા જેવાં પડળોથી વીંટળાયેલો જોતો હતો, ને એમાંથી ઉધ્ધારવાની અનુકંપા રાખતો હતો. દલિત ચેતના આવા દયાભાવ પર ઊભી નથી, સમત્વના અધિકાર પર ઊભી છે એ દર્શાવવા માટે આક્રોશ, ઉકળાટ અને વ્યથાપીડાના બૂમબરાડા જ માત્ર ચાલે નહીં, સમગ્ર સમાજના સર્વાંગીણ ચિત્રો મળવા જોઈએ, દલિત પણ માનવ છે, માનવીય ગુણલક્ષણોથી ભર્યો ભર્યો છે, દલિતના જીવનમાંય પ્રેમ, પરોપકાર, દયા, ઉદારતા જેવાં સારાં અને અહંકાર, વેર, ક્રોધ, લોભ જેવાં નરસાં માનવભાવો  ભારોભાર ભર્યા છે એ દર્શાવવું જોઈએ તો જ સમભાવની ભૂમિકા રચાય નહીં તો રસિકલાલ છો. પરીખની જેમ ઘણાંને પ્રશ્ન થાય. એમણે “ખેમી” વાર્તાને ઉત્તમ કહીને એમ પૂછ્યું છે કે ઘણા વાંચકો દ્વિરેફને પૂછશે કે ભલા, પ્રેમની કથા લખવા તમારે ઢેઢવાડે કેમ જવું પડ્યું? શું ગુજરાતની બીજી કોમોમાં તમને બધું હસવા જેવું લાગે છે ને ઢેઢવાડામાં જ પ્રેમ દેખાયો કે ઠેઠ ત્યાં જવું પડ્યું? (રા.વિ.પાઠક પરિશીલન ગ્રંથ, પૃષ્ઠ ૫૯૧) આ અવમાનનામાંથી નીકળવા માટે સાક્ષાત વાસ્તવના દરેક ખૂણા અજવાળવા આવશ્યક છે. આ દલિત વાર્તાઓ દલિત પાત્રોની ઉદાત્તતા અને બીજા પ્રકારના ચિત્રો ઉપસાવે છે, જે સમત્વની ગરવી ભૂમિકા રચે છે. એટલું જ નહીં, સમત્વની ભૂમિકા માટે દલિત સમાજનો સર્વાંગીણ પરિચય પ્રાપ્ત થવો આવશ્યક છે, કોઈ પણ પ્રજાની ઓળખ એના ચૈતસિક વ્યાપારોથી થતી હોય છે. (મોહન પરમારની વાર્તાકળા, ઉદ્દેશ, નવેમ્બર ૨૦૦૫)

કંકાવટીમાં “દલિત ગુજરાતી વાર્તા” (૧૯૯૫) નું અવલોકન કરતાં શરીફા વીજળીવાળા લખે છે કે:

“દલિત સાહિત્યકારે એની સામાજિક પ્રતિબધ્ધતા છોડી દેવાની નથી.  એણે તો પ્રતિબધ્ધતાને જ કળાકૃતિ બનવા સુધી લઇ જવાની છે. જરાય બોલકા બન્યા વિના વાર્તાને બોલવા દેવાની છે. મંગળ રાઠોડ, મોહન પરમાર, હરીશ મંગલમ જેવા દલિત સર્જક-વિવેચક આ વાત સાથે પૂરા સંમત છે જ. નીવડેલી કૃતિના આધારે જ દલિત સાહિત્યનું મૂલ્યાંકન થવું ઘટે એવી સંપાદક અજીત ઠાકોરની વાત સાથે સૌ કોઈ સંમત હોય જ.  

દલિત સાહિત્યનુ પ્રયોજન

દલિત સાહિત્ય એના પ્રયોજન અને કાર્યની દ્રષ્ટિએ લલિત સાહિત્યથી અહીં જૂદું પડે છે. લલિત સાહિત્યનુ મુખ્ય પ્રયોજન અને કાર્યો છે: રસાનુભૂતિ અને  સૌંદર્યાનુભવ કરાવવાનાં; જ્યારે દલિત સાહિત્યનું મુખ્ય પ્રયોજન છે: રસ-સૌંદર્ય નિષ્પત્તિને બદલે સામાજિક પરિપ્રેક્ષથી સામાજિક મૂલ્યો ઉજાગર કરવાનું. આ કારણે સાહિત્યનું પરંપરાગત સૌંદર્યશાસ્ત્ર  (aesthetics) છે તેને સ્વીકારવાને બદલે પોતાના સાહિત્યની પણ સમાજ વિચારણા કરી શકે એવા નવા અને વિશિષ્ટ સૌંદર્યશાસ્ત્ર વિકસાવવાની વાત તેઓ કરે છે.

અગાઉ આ વર્ગની વેદના-સંવેદના અને સમસ્યાઓનું નિરૂપણ સવર્ણ લોકના લેખકો કરતા. એમાં સહાનુભૂતિ અને હમદર્દી હતી પણ જાતઅનુભવ નહોતો. એને બદલે આ દલિત-પીડિત, પછાત અને અત્યંજ વર્ગમાંથી જ લેખકો આગળ આવીને પોતાના જીવનના ખરેખરા અનુભવોનું ઢાંકપિછોડા વિનાનું નરદમ અને નગ્ન ચિત્ર આલેખવા લાગ્યા એ આ દલિત સાહિત્યને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં નિમિત્તરૂપ બન્યા. તેથી દલિત સાહિત્ય એ આ વર્ગના દુ:ખદર્દ અને તાપસંતાપની અદ્દલ અનુભૂતિ કરાવતું સાહિત્ય છે. એમાં મુખ્ય વિષયો તરીકે ગરીબાઈ, ગુલામી, અપમાન, અવહેલના, તિરસ્કાર, શોષણ અને પરિતાપની સંવેદનાઓ અને સમસ્યાઓ નિરુપાય છે.

દલિત સાહિત્ય પ્રતિબદ્ધ (committed) છે, એમની પ્રતિબધ્ધતા છે પોતાની જાતિ અને તેમના દુ:ખ દર્દને વાચા આપી સૌને જાગૃત કરી સમાજને યોગ્ય રીતે વર્તન કરતો બતાવવો.

આ કારણે દલિત સાહિત્યની ભાષા અલગ પ્રકારની છે. લલિત સાહિત્ય સમાજની સર્વમાન્ય ભાષામાં અભિવ્યક્તિ સાધે છે જયારે આ સાહિત્ય આ નીચલા થરના લોકોની રોજબરોજની લોકબોલીમાં રચાતું સાહિત્ય છે, એમની જે પ્રાણાન્તિક મર્મભેદી અનુભૂતિઓ છે તેને નિતાંત યથાર્થ ભૂમિકાએ અદ્લોઅદ્દ્લ પ્રગટ કરવી હોય તો આ સિવાયની ભાષા કામ ના લાગે. એમાં તળપદા શબ્દો, લોકોક્તિઓ, કહેવતો, અપશબ્દો, ઓઠાંઓ વગેરેનો સીધો ઉપયોગ હોય છે. 

દલિત વાર્તા કેવી રીતે ઓળખીશું?  

આ વિષે ડો. મોહન પરમાર કહે છે:

૧. દલિત વાર્તાનો પરિવેશ રચાયો છે કે કેમ?

૨. વિષય દલિત-પીડિત સમાજને સ્પર્શે છે કે કેમ?

૩. પાત્રોના વાણીવર્તનમાં દલિતોની અસલ ઓળખ પરખાઈ આવે એ પણ મહત્વનું છે.

શું અદલિત સર્જક દલિતકૃતિ રચી ના શકે?

અદલિત સર્જકના હાથે દલિત કૃતિ ન જ રચાઈ શકે એવી  માન્યતાઓ સામે “દલિત ગુજરાતી વાર્તા” (૧૯૯૫) ના સંપાદક અજીત ઠાકોર પોતાના સંપાદકીય લેખમાં સ્પષ્ટપણે ઉચ્ચારે છે કે:

૧. દલિતજનની ઓળખની સ્પષ્ટ મુદ્રા જે કૃતિમાંથી પ્રગટ  થતી હોય તે દલિત સાહિત્ય જ છે.

૨. કળાનિર્મિતિના ભોગે સમાજ તરફની પ્રતિબધ્ધતા દલિત સાહિત્ય માટે મોટું ભયસ્થાન છે.

૩. દલિત સાહિત્યકારે પ્રચારાત્મક લપસણી ભૂમિકાથી ચેતવા જેવું છે.

૪. સાહિત્યમાં રૂપાંતર પામ્યા વિના દલિત ચેતના “દલિત સાહિત્ય” નામને પાત્ર નથી.

આ વિષે ડો. ભરત મહેતા કહે છે:

“ગાંધીયુગની ‘ખેમી’ (રા.વિ.પાઠક), ‘કાનિયો ઝાંપડો’, ‘ભાઈ’, ‘ચમારના બોલે’ (મેઘાણી), ‘માજા વેલાનું મૃત્યુ’ ‘ગોપી’ (સુંદરમ) જેવી વાર્તાઓમાં દલિત ચેતનાની જરાય ઓછી ખેવના નથી. એમાંય ‘હીરો ખૂંટ’ (જયંત ખત્રી) કે ‘નેશનલ સેવિંગ’ (પન્નાલાલ પટેલ) જેવી રચનાઓ કળાના ધોરણો સિદ્ધ કરીને અડીખમ ઊભી છે. દલિતેતર વાર્તાકારોએ આ રીતે ગાંધીયુગમાં જ ગુજરાતી દલિત વાર્તાઓનો પ્રારંભ કરી આપ્યો ગણાય.” (ડો.ભરત મહેતા, ‘ગુજરાતી દલિત વાર્તા’ પુસ્તક: ‘ગુજરાતી દલિત સાહિત્યના લેખાં-જોખા’ સંપાદક: ડો.નાથાલાલ ગોહિલ)

આ વિષે જાણીતા વાર્તાકાર રાઘવજી માધડ કહે છે:

“સાહિત્યના કેન્દ્રમાં માણસ છે. તેમાં સાવ છેવાડાનો દલિતપીડિત જણ પણ આવી જાય છે. ગુજરાતી સાહિત્યમાં આ છેવાડાના શોષિત માણસની વેદના-સંવેદના, સમસ્યા, વિટંબણાઓ ઝીલાઈ છે. ટૂંકી વાર્તામાં ધૂમકેતુ, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી, સુંદરમ, સુરેશ જોશી, જયંત ખત્રી આદિ સર્જકોએ દલિતોની વ્યથા-કથાને વાર્તાકળામાં ઢાળી છે. આ બધાં બિનદલિત સર્જકો હતા. તેમનો ઉદ્દેશ વાર્તા રચવાનો હતો. ભલે સંપૂર્ણપણે પ્રતિબધ્ધતા દાખવી દલિતો માટેના સાહિત્યનુ સર્જન થયું નહોતું; વાર્તામાં પાત્રો, વિષયવસ્તુ કે ઘટના આદિ તરીકે આવ્યું હતું. પણ તેમના યશસ્વી યત્નોની નોંધ લેવી રહી.

હા, આ વાર્તાઓ દલિત વાર્તા લેખી શકાય. પણ તે વખતે દલિત સાહિત્ય અજન્મા હતું. અથવા તો તેના ‘નામસંસ્કાર’ થયા નહોતા. ગુજરાતી દલિત સાહિત્યની ખરી શરૂઆત ૧૯૮૧ અને ૧૯૮૫ના બે અનામતવિરોધી આંદોલનો પછી થઇ ગણાય એવો દલિત સર્જકો-વિવેચકોનું મંતવ્ય છે.” (રાઘવજી માધડ, ‘વાર્તાના વધામણા’ લેખમાંથી, પુસ્તક: ‘ગુજરાતી દલિત સાહિત્યના લેખાં-જોખા’ સંપાદક: ડો.નાથાલાલ ગોહિલ)

દલિત સાહિત્યના મહત્વના વાર્તાકારો

જોસેફ મેકવાનના ચાર વાર્તાસંગ્રહો: ‘સાધનાની આરાધના’ (૧૯૮૭), ‘આગળો’ (૧૯૯૧), ‘પન્નાભાભી’ (૧૯૯૨) અને ‘ફરી આંબા મહોરે’. મોહન પરમારના ચાર વાર્તાસંગ્રહો: ‘કોલાહલ’ (૧૯૮૦), ‘નકલંક’ (૧૯૯૧), ‘કુંભી’ (૧૯૯૬), ‘પોઠ’ (૨૦૦૧). પ્રવીણ ગઢવીના ચાર વાર્તાસંગ્રહો : ‘સૂરજપંખી’ (૧૯૭૭), ‘પ્રતીક્ષા’ (૧૯૯૫), ‘અંતરવ્યથા’ (૧૯૯૬), ‘મલાકા’(૨૦૦૧). બી. કેશરશિવમના પાંચ વાર્તાસંગ્રહો: ‘રાતી રાયણની રતાશ’, ‘જન્મોત્સવ’, ‘માણકી’ વગેરે.  રાઘવજી માધડ : ત્રણ વાર્તાસંગ્રહો: ‘સંબંધ’, ‘ઝાલર’, અને ‘અષાઢ’.  ધરમાભાઈ શ્રીમાળી: ‘સાંકળ’, ‘નરક’. દલપત ચૌહાણ : ‘મૂંઝારો’. હરીશ મંગલમ: તલપ (૨૦૦૧), ભી.ન.વણકર :વિલોપન (૨૦૦૧), માવજી મહેશ્વરી: અદ્રશ્ય દીવાલો (૨૦૦૦), ચંદ્રાબેન શ્રીમાળી: ચણીબોર, ચકુનો વર. દશરથ પરમાર: પારખું (૨૦૦૧),  અનિલ વાઘેલા: નિલમણી, વિઠ્ઠલરાય શ્રીમાળી: સાબરની સાક્ષીએ, હરિભાઈ પારના વાર્તાસંગ્રહમાં વલસાડની આજુબાજુના પ્રદેશની બોલી વિશિષ્ટતાથી પ્રયોજાઈ છે. ‘સોમલી’ તેમની ઉત્કૃષ્ટ વાર્તા છે.

જેમના વાર્તાસંગ્રહ નથી આવ્યા પણ આશાસ્પદ વાર્તાકાર તરીકે જાણીતા થયા છે એવાં કેટલાક નામ: મધુકાન્ત કલ્પિત, યશવંત વાઘેલા, પથિક પરમાર, અરવિદ વેગડા, રમણ વાઘેલા, સંજય ચૌહાણ.      

દલિત સાહિત્ય જરૂરી છે?

આ સાહિત્ય પ્રચારાત્મક (propagandist) છે, એમાં સ્થગિતતા અને એકતાનતા (monotony) છે; એમાં વ્યક્તિગત સંવેદનાનો અભાવ છે. એમાં જેટલો રોષ, ચીડ, આક્રોશ છે એટલી રસાત્મ્કતા અને કળાત્મકતા નથી, આવા અલગ ચોકાની જરૂરત શી? વગેરે જેવા આક્ષેપો-વિધાનો-વિરોધ આ સાહિત્ય સામે થઇ રહ્યા છે, પણ એની અંદરનું ડહોળામણ હવે ચોક્ખું થઇ રહ્યું છે અને એમાં પણ સર્વશ્લેષી, સર્વાતોહારી રસસૌંદર્ય પ્રગટ થવા લાગ્યાં છે. (ડો.નરેશ વેદ, પ્રોફેસર, ગુજરાતી વિભાગ, સ.પ. યુનિવર્સિટી, વ.વિ.નગર. દલિત સાહિત્ય: અભ્યાસ અને અવલોકન-સંપાદક: ગુણવંત વ્યાસ.)

###

સંદર્ભ: ૧. ગુજરાતી દલિત સાહિત્ય: સ્વાધ્યાય અને સમીક્ષા સંપાદકો: મોહન પરમાર અને હરીશ મંગલમ, પ્રકાશક: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬; પ્રથમ આવૃત્તિ:૨૦૦૧.

૨. દલિત સાહિત્ય: અભ્યાસ અને અવલોકન, સંપાદક: ગુણવંત વ્યાસ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ:૨૦૦૮,

૩. ગુજરાતી દલિત સાહિત્યના લેખાં-જોખાં, સંપાદક: ડો.નાથાલાલ ગોહિલ, પ્રકાશક: ગુજરાતી સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃત્તિ: ૨૦૧૩

૪. સાંપ્રત દલિત સાહિત્ય પ્રવાહ, ડો. પથિક પરમાર, પ્રકાશક: ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૪  

(સૌજન્ય: ફાર્બસ ગુજરાતી સભા પુસ્તકાલય, મુંબઇ.)

###

(૧૫૮૫ શબ્દો; લખ્યા તા.શુક્રવાર, 26 ઑક્ટોબર 2018;11:57 પૂર્વ મધ્યાહ્ન)

No comments: