Wednesday, 10 March 2021

નવનીત સમર્પણ માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

નવનીત સમર્પણ માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૮૧ શબ્દો)

વશીકરણ (હિમાંશી શેલત):

અનુઆધુનિક યુગના આ વાર્તાકાર સાંપ્રત સમસ્યાઓ વિષે વાર્તાઓ લખવા માટે જાણીતા છે. એમાંય સ્ત્રીવિષયક મુદ્દો ભાગ્યે જ એમની નજરમાંથી છટકી શકે. નજીકના ભૂતકાળમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં બની ગયેલી એક કરુણાંતિકાની પાર્શ્વભૂમિમાં આ વાર્તા રચાઇ છે. એક દલિત કન્યાની લાશ મળી આવી હતી. એનાં માબાપે એની પર સમૂહ બળાત્કાર થયાની ફરિયાદ કરી હતી તપાસ કર્યા વિના પોલીસે એ પરિવારને કન્યાના અંતિમસંસ્કાર તાત્કાલિક આટોપી લેવાની તાકીદ કરી હતી. પરિવારે વિરોધ કર્યો ત્યારે પોલીસે જાતે જ એ કન્યાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા.

વાર્તામાં લેખકે આ ઘટનાને દૂરના ખૂણેથી જોઇ છે. વાર્તાની નાયિકા એક પત્રકાર છે. એક માજી વિષે એણે ખૂબ સાંભળ્યું છે. કહે છે કે માજી પાસે કોઇ અઘોરી વિદ્યા છે અને જાતજાતના ચમત્કારો એ કરે છે. માજીની મુલાકાત લેવા એ નીકળી પડે  છે. રસ્તામાં એની બસ અટકી પડે છે. એ જુએ છે એક ખેતરમાં કંઇક અજબ વિધિ ચાલી રહ્યો છે. કડક સુરક્ષા વચ્ચે આવેલા વીઆઈપીઓના માથામાં એક માજી સ્લીપર ફટકારે છે! પેલા વીઆઈપીઓ  નતમસ્તકે માજીના હાથની પ્રસાદી ગ્રહણ કરે છે! કોણ છે એ માજી? કોણ છે પેલા વીઆઈપીઓ?

જો કે આ ઘટના પણ એ પત્રકાર યુવતીનું એક સ્વપ્નું છે એવું કહીને લેખકે ભારત દેશની સામાન્ય જનતાનું એક વિશફૂલ થિન્કિંગ વ્યક્ત કર્યું છે. પત્રકાર યુવતીનું માનવું છે કે સ્વપ્નમાં જોયેલા એ માજી પેલી પીડિતાના નાની હતા અને પેલા વીઆઈપીઓ અન્ય કોઇ નહીં પણ અન્યાયકર્તા પોલીસ ઉપરી અધિકારીઓ અને સત્તાસ્થાને બિરાજતા નેતાઓ હતા. લેખકે આજના રાજકારણીઓની અંધશ્રદ્ધા અને/અથવા લોકલાગણીને માન આપવાના એમના નાટક ઉપર પણ એક વ્યંગ કર્યો છે.    

ઉકેલ (રવીન્દ્ર પારેખ):

જયેષ્ઠ નાગરિકોની સમસ્યા: એકલતા.

અમદાવાદમાં જયેષ્ઠ નાગરિકોનો પરિચયમેળો ભરાય છે. સંતાનો પોતપોતાના જીવનમાં સ્થિર થઇ જાય એ પછી મોટી ઉંમરના વિધુર અને ડિવોર્સી પુરુષો તેમ જ વિધવા કે સિંગલ સ્ત્રીઓ એકલતા અનુભવે છે. તેઓ પુનર્લગ્ન કરીને ફરીથી જીવનમાં નવેસરથી સ્થાયી થઇ શકે એ માટે એક સંસ્થા આવા પરિચયમેળાનું આયોજન કરે છે. આપણે ત્યાં આ વિભાવના નવી છે, રૂઢ થતાં હજી વાર લાગશે.

પ્રસ્તુત વાર્તામાં અતુલભાઇ એકલતા અનુભવી રહ્યા છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે, દીકરો, વહુ અને પૌત્ર સહુ જોડે એક જ ઘરમાં રહે છે પણ એમ છતાં એમને લાગે છે કે પોતાનું એક માણસ હોવું જોઈએ. એમને આવી લાગણી થવા માટે લેખકે એક ચોક્કસ પ્રસંગનું આયોજન કર્યું છે. અરધી રાતે અતુલભાઇને પીઠમાં દુઃખાવો શરુ થાય છે. દીકરો નોકરીમાં ટ્રેનિંગના કારણે શહેરની બહાર છે, પુત્રવધુ બાજુના ઓરડામાં છે પણ અરધી રાતે એને જગાડવી કેટલું ઉચિત ગણાય એવા વિચારે અતુલભાઇ ગમ ખાઈ જાય છે. પણ આ ઘટના પછી તેઓ પુનર્લગ્નના વિચારે  આવ્યા છે.

પુત્ર અને પુત્રવધુ બંનેને એમનું આ ઉંમરે લગ્ન કરવું અયોગ્ય જણાય છે. લેખકે એક સરસ પ્રસંગ યોજ્યો છે જેમાંથી પસાર થયાં પછી પુત્રને પિતાના નિર્ણયની યોગ્યતા સમજાય છે. આશયનો પુત્ર રમતાં રમતાં ઈજા પામે છે ત્યારે એને માથે હાથ ફેરવતી આરતીને જોઇને આશયને ખ્યાલ આવે છે કે હા, કોઇક હોવું જોઈએ, માથે હાથ ફેરવવા.

બંને પ્રસંગોની યોજના ઉત્તમ.        

મેક અ વિશ (ડો.નીલેશ રાણા):

કહે છે કે ખરતાં તારાની સાક્ષીએ કરેલી ઈચ્છા પૂરી થાય છે. વાર્તાના અંતમાં ખરતો તારો જોઇને નાયિકા મનમાં એક ઈચ્છા કરે છે.

વિદેશસ્થિત આ વાર્તાકાર પાસેથી આપણને વિદેશી સંસ્કૃતિની વાર્તાઓ અવારનવાર મળ્યા કરે છે. આ વાર્તા પણ એમાંની જ એક છે.

પશ્ચિમનાં દેશોમાં લગ્નવિચ્છેદ થવો, લગ્નબાહ્ય સંબંધ હોવો વગેરે સામાન્ય અને સહજ ગણાય છે. અહીં આશા-હર્ષ અને નીલા-અશોક એમ બે યુગ્મની વાત છે. એક પાર્ટીમાં પતિ હર્ષના સહકર્મચારી અશોકનો પરિચય થયાં પછી આશાના મનમાં અશોકનું એક ચોક્કસ સ્થાન બની ગયું. એવું સ્થાન કે અશોક પોતાની પત્ની નીલાથી છૂટાછેડા લેવાનો છે એવા સમાચાર મળતાં આશાનું મન આનંદ અનુભવવા માંડે છે. આશા અને અશોક વચ્ચે એવો કોઇ સંબંધ છે નહીં, બધું આશા તરફથી એકપક્ષી છે છતાં માણસનું મન એવું માંકડું હોય છે કે મનમાંને મનમાં હિમાલયનું શિખર પણ સર કરી નાખે. આશાને પોતાના પતિ હર્ષથી કોઇ ફરિયાદ નથી. પણ એમ છતાં અશોક પ્રત્યે એ અજબ ખેંચાણ અનુભવ્યા કરે છે અને એટલે જયારે અશોક એને નકારી દે છે ત્યારે સ્વાભાવિકપણે આશા આઘાત અનુભવે છે. અશોકનું કોઇ અન્ય સ્ત્રી જોડે અફેર છે અને કદાચ એ એને પરણશે એવું જાણ્યા પછી પણ ખરતાં તારાને જોઇને એ મનમાં એક ઈચ્છા તો કરે જ છે કે---

નાયિકાના મનનાં આટાપાટાનું સરસ આલેખન.        

નોંધનીય અભિવ્યક્તિ:  // બારી સહેજ ખુલ્લી રાખે તો તાજી હવા અંદર પ્રવેશવાની જ. //

--કિશોર પટેલ; 10-03-21; 06:49.

###


No comments: