Friday, 2 February 2024

નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ





નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૩૮૦ શબ્દો)

મ્યૂઝિયમ (હિમાંશી શેલત)

મ્યૂઝિયમ એટલે સંગ્રહસ્થાન. નાયિકા કેટલાંક સ્વજનો જોડે એક અનામી સ્થળે સહેલગાહે ગઈ છે. ત્યાંનો ગાઈડ વાતવાતમાં અંગ્રેજી, ફ્રેન્ચ અને હિન્દી-ગુજરાતી ભાષાનાં શબ્દો  બોલતો રહે છે એટલે એ વિશ્વનું કોઈ પ્રસિધ્ધ સ્થળ હોઈ શકે. નાયિકાના મનોભાવોથી જાણવા મળે છે કે એ સ્થળને ભીતરથી જોવા-જાણવાની ઈચ્છા/ઉમળકો નાયિકાને બિલકુલ નથી. શું એમ કરવાથી દુઃખદ સ્મૃતિઓ તાજી થશે એવો એને ભય હશે? નાયિકાએ છૂટાછવાયા જે કોઈ અવશેષ જોયાં એના પરથી કોઈક સમયે એ સ્થળે ઘટી ગયેલી કરુણાંતિકાનો આછો ખ્યાલ આવે છે. ગાઈડ કહે છે કે એક સમયે સાઉન્ડ અને લાઈટની મદદથી બતાવાતાં શો હવે નથી બતાવતા કારણ કે ઘણાં લોકો અસ્વસ્થ થઈ જતાં હતાં. સંકેતો દ્વારા વાર્તાકારે ઘણું બધું કહી દીધું છે. વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી સરસ વાર્તા.      

રેતીમાં ખૂંપેલું મોરચંગ (અજય સોની)

કચ્છના અંતરિયાળ ગામડાંઓમાં સ્ત્રીઓ દ્વારા થતાં ભરતકામની બહારનાં લોકોને જાણ થવા માંડી છે. એક શહેરી યુવાન ગામડાંઓની સ્ત્રીઓ દ્વારા થયેલાં ભરતકામવાળાં વસ્ત્રો એકઠાં કરી બહારની દુનિયામાં પ્રદર્શન અને વેચાણ માટે એકઠાં કરે છે. નાયિકા રોમત જાણે છે કે એમના વિસ્તારમાં આ યુવાનની અવરજવર એના ધણીથી સહન નહીં થાય. પેલા યુવાનને એ સમયસર ચેતવણી પણ આપે છે.

વાર્તામાં શીર્ષક સાર્થક થાય છે. આસપાસના વાતાવરણમાં શહેરી યુવાન સાહેબની હાજરીથી નાયિકાને મોરચંગ (એક વાધ્ય) ના સૂર સંભળાય છે. અંતમાં વળી રોમતને મોરચંગનાં સંભળાતા સૂર અર્થપૂર્ણ લાગે છે.

સાંપ્રત સમયના એક મહત્વના વાર્તાકાર પાસેથી મળેલી સરસ વાર્તા. સામાન્ય રીતે આ વાર્તાકારની વાર્તાઓમાં સ્થગિત થઈ ગયેલા સમયનું ચિત્રણ જોવા મળે છે. આ વાર્તા એમાં સુખદ અપવાદ છે. અહીં ક્રિયાનું આલેખન છે, ચોતરફ હલચલ મચાવી દેતી ઝડપી અને અસરકારક ક્રિયા.

થપ્પો (અમી ઠક્કર)

પ્રથમ પ્રેમની સ્મૃતિએ અને સોશિયલ મિડિયાના કારણે શક્ય બનેલી પહેલા પ્રેમીની એક મુલાકાતે નાયિકાને થોડીક ક્ષણો માટે હચમચાવી મૂકી. થપ્પાની રમતમાં નક્કી કરેલી હદમાં નાયિકા છૂપાઈ રહે છે કે કેમ એ જોવાનું રસપ્રદ બની રહ્યું.  રજૂઆત સાધ્યંત પ્રવાહી. રસપ્રદ વાર્તા.

નાળ (પૂનમ છત્રે લિખિત મૂળ મરાઠી વાર્તા. અનુવાદઃ કિશોર પટેલ)

મા-દીકરીના સંબંધમાં પડી ગયેલાં અંતરની વાત. આ વાર્તા વિશે વધુ નુક્તચીની કરવી અનુચિત ગણાશે કારણ કે મૂળ મરાઠી ભાષાની વાર્તાનો અનુવાદ આ લખનારે જ કર્યો છે. આ પોસ્ટના વાચકો તરફથી ટિપ્પણી આવકાર્ય છે. 

--કિશોર પટેલ, 03-02-24 08:54

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

 

No comments: