Sunday, 28 January 2024

બાલભારતીમાં વાર્તાપઠન ૨૭ જાન્યુઆરી ૨૦૨૪




 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૭ જાન્યુઆરી ૨૦૨૪

(૩૩૦ શબ્દો)

શનિવાર તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૪ ની સાંજે જ્યારે સમગ્ર મુંબઈ શહેર આહ્લાદક ઠંડીની પકડમાં જકડાયેલું હતું ત્યારે થોડાંક રસિકજનો મુંબઈના પશ્ચિમના પરાં કાંદીવલીમાં બાલભારતી ખાતે ટૂંકી વાર્તાની ઉષ્મા માણી રહ્યાં હતાં. આ વખતે આયોજકોનું આહ્વાન હતું કે વાર્તાકારોએ વાર્તાની રજૂઆતની સાથે સાથે જે તે વાર્તાની સર્જનપ્રક્રિયા વિશે પણ વાત કરવી.  

સૌપ્રથમ રાજુલ ભાનુશાલીએ સ્વપરિચય આપ્યો અને વાર્તા “ભૂખ”ની રજૂઆત કરી. પંચરંગી શહેરમાં રહેતું એક નિમ્નવર્ગિય દંપતી પોતાના દીકરાના પેટની આગ બુઝાવવા કેવો સંઘર્ષ કરે છે એની હ્રદયવિદારક વાત એ વાર્તામાં હતી.

સર્જનપ્રક્રિયા વિશે વાત કરતાં રાજુલ ભાનુશાલીએ કહ્યું કે એમને વાર્તાઓ રોજબરોજનાં જીવનમાંથી અને આસપાસનાં વાતાવરણમાંથી મળે છે. વાર્તા “ભૂખ” વિશે ફોડ પાડતાં એમણે કહ્યું કે કેટલીક વાર લેખક સ્વયં નહીં પણ અવતરણ કરવા માટે વાર્તા પોતે લેખકની પસંદગી કરતી હોય છે.

બાલભારતીની ઓળખ બની ગયેલી વિશિષ્ટ કોફીનું સહુએ રસપાન કર્યા પછી કાર્યક્રમના બીજા તબક્કામાં અનિલ રાવલે સ્વપરિચય આપતાં કહ્યું કે કોમર્સના વિષયો સાથે તેઓ સ્નાતક થયા પરંતુ આંકડાબાજી કે હિસાબકિતાબ સાથે એમને બહુ લેણાદેણી નહોતી. નાટકોમાં એમને વધુ રસ પડતો હતો. અભ્યાસ પૂરો થયા બાદ આજીવિકા માટે તેઓ અખબારી દુનિયામાં આવ્યા અને આજીવન પત્રકાર બની રહ્યા.

અનિલ રાવલે વાર્તા રજૂ કરીઃ “ડોસી અને લુખ્ખો.” કાર્યક્રમની પહેલી વાર્તાની જેમ આ વાર્તા પણ હાંસિયામાં રહેતા સમાજની હતી. આજના સ્પર્ધાત્મક જગતમાં એક ભિખારણે પણ પ્રોટેક્શન મની ચૂકવવા પડે છે એવો સૂર એ વાર્તાનો હતો. પછી ચાલેલી ચર્ચા દરમિયાન વાર્તાકારે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ડોસી અને લુખ્ખાનો સંબંધ ડોસીના કેવળ પ્રોટેક્શન પૂરતો સીમિત ના રહેતાં એકબીજાનાં આપ્તજન જેવો બની ગયો હતો.   

આ વાર્તાની સર્જનપ્રક્રિયા વિશે વાત કરતાં વાર્તાકારે કહ્યું કે એમણે તો આ વાર્તાની કલ્પના એક લઘુફિલ્મ તરીકે  કરી હતી. એના દ્રશ્યો એમણે પોતાનાં અંતર્મનમાં પહેલાં જોયા અને પછી એનો સ્ક્રીનપ્લે પણ લખ્યો.  પણ ફિલ્મ બનાવવાનો યોગ કદાચ આવ્યો નહોતો એટલે મૂળ વિચારને સાચવી રાખવા એમણે વાર્તા લખી કાઢી. વાર્તાની પ્રેરણા માટે તેઓ રાજુલ ભાનુશાલી સાથે સહમત થયા હતા કે હા, કેટલીક વાર્તાઓ લેખક નથી લખતો પણ વાર્તા પોતે લેખકને પસંદ કરીને અવતરતી હોય છે.

એકંદરે મઝાની સંધ્યા!

--કિશોર પટેલ, 29-01-24 09:23

* * *

 

No comments: