Thursday, 4 January 2024

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૫૨૧ શબ્દો)

દીદી (અનુરાધા દેરાસરી)

બહેન-ભાઈના સ્નેહની વાત. પૂજા આખા ઘરની લાડકી હતી એટલે તેનો નાનો ભાઈ શુભ અદેખાઈથી બળ્યા કરતો. એ સતત પૂજા સાથે લડ્યા-ઝઘડ્યા કરતો. છેક પૂજાના લગ્ન થાય ત્યારે પોતાની ભૂલો કબૂલ કરીને એ બહેનની માફી માંગે છે.

વિગતપ્રચૂર વાર્તા. પૂજાના જન્મ પહેલાંનો ઈતિહાસ કહેવામાં ઘણાં શબ્દો ખર્ચી નાખ્યા. આ બેઉ સંતાનો વહેલા જનમ્યા કે મોડા એનાથી વાર્તામાં કંઈ ફરક પડતો નથી. વાર્તા ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને ઈર્ષાની છે.     

મેળો (વાસુદેવ સોઢા)

સંતાનોએ એકલાં મૂકી દીધાં હોવા છતાં એકમેકના સહારે મોજથી જીવતાં વરિષ્ઠ દંપતીની વાત.

આ રચના વાર્તા નથી પણ સ્વતંત્રપણે જીવતાં વરિષ્ઠ નાગરિકોનું શબ્દચિત્ર છે.

અંતરયાત્રા (નેહલ દેસાઈ)

સમાજની અસંખ્ય ગૃહિણીઓની વ્યથાકથા. સંતાનોને ઉછેરવામાં જિંદગી ખર્ચી નાખનારી સ્ત્રીઓ પોતાની જિંદગી જીવવાનું ભૂલી જાય છે. એવી એક દાદીમા મંજૂષા એક દિવસ સવારની ચા સાથે ઘરના અન્ય સભ્યો સમક્ષ એલાન કરે છે કે ઘરનાં નાનાં બાળકોને સાચવવાની જવાબદારી એની એકલીની નથી, ઘરનાં અન્ય સહુએ પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે.

નારીચેતનાની વાત. વિસ્તારપૂર્વક વર્ણનાત્મક શૈલીમાં વાર્તાની રજૂઆત થઈ છે. 

પ્રાયશ્ચિત (ચંડીદાન ગઢવી)

ભાગીદારીમાં ધંધો કરતાં બે મિત્રોમાંથી એકની દાનત બગડે ને ભાગીદારને છેતરીને રસ્તા પર લાવી દે.  બનવાકાળ વર્ષો પછી છેતરનારનો દીકરો આત્મહત્યા કરવા નીકળે ત્યારે અજાણતામાં પેલો છેતરાયેલો મિત્ર જ બચાવે અને એને જિંદગીનો સાચો માર્ગ ચીંધે. સત્યની જાણ થતાં દગાબાજ મિત્રની પણ આંખો ખૂલી જાય. ફિલગુડ વાર્તા.

આપેલું (સતીશ વૈષ્ણવ)

બોધકથા.

નવા વિકસતા શહેરની સરહદે એક પ્રભાવશાળી જણાતો વૃધ્ધ પુરષ નાયકને  ભલામણ કરે છે કે તાજા વાવેલા લીમડાનાં છોડની નીચે  રોજ બેસવાનું રાખશો તો પ્રગતિ થશે. એનો ઈરાદો કદાચ એવો હતો કે એ બહાને લીમડાના વૃક્ષનું સંવર્ધન થાય. પણ નાયકને એ માણસની વાતમાં વિશ્વાસ બેસતો નથી. એ  એક યા બીજા બહાને લીમડાના વૃક્ષ નીચે બેસવાનું ટાળ્યા કરે છે. છેવટે એક દિવસ લીમડાનો એ છોડ જડમૂળથી ઉખડી જાય છે.

બોધઃ મનમાં શંકા રાખવાથી કોઈ કામ ઠેકાણાસર થતું નથી.  

ખીંટી (મોના જોષી)

સ્વજનની સ્મૃતિ સાચવવાની કોઈ કિંમત હોય ખરી?

ઘર ખરીદ્યા પછી નાયકને ખ્યાલ આવે છે કે જે તે સ્થિતિમાં ખરીદેલા ઘરમાં એક દીવાલ પર ખીંટી છે પણ છબી નથી. નાયક મૂળ માલિક સાથે ઝઘડે છે કે એની સાથે છેતરપીંડી થઈ છે. મૂળ માલિક કહે છે કે ભાઈ એ ખીંટી વચ્ચે તો પહેલેથી જ ખાલી જગ્યા છે કારણ કે મારી માતાની એક પણ છબી મારી પાસે નથી. પણ એની છબી ત્યાં છે એવી કલ્પના હું કરતો.

નાયકને સમજાય છે કે કેટલીક વસ્તુઓની કિંમત રુપિયા-પૈસામાં ક્યારેય કરી શકાતી નથી.

સારી વાર્તા.     

લઘુકથા

પલ્લું (ધર્મેન્દ્રસિંહ રાઠોડ)

પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ લખાયેલી આ લઘુકથામાં કથકે અન્ય પાત્ર દ્વારા પોતાની પ્રસંશા કરાવી છે.

કથકની પત્ની પોતાની સાસુ પાસે પોતાના મોટાભાઈના વખાણ કરે છે. એ કહે છે કે મોટાભાઈ કરોડપતિ છે અને નિયમિતપણે જાત્રાએ જાય છે તેમ જ દર વર્ષે મોટી રકમનું દાન કરે છે. ગામડાના ઘરનાં સમારકામ નિમિત્તે કડિયા અને મજૂરોને છૂટે હાથે મજૂરી ચૂકવતા પુત્રનું ઉદાહરણ ટાંકીને સાસુ વહુને કહે છે કે મારે મન તો તમારી ભાભી કરતાં તમારું પલડું ભારે છે.

આ લઘુકથા સર્વજ્ઞ એટલે કે ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્રી શૈલીમાં રજૂ થઈ હોત તો વધુ યોગ્ય લાગત.

--કિશોર પટેલ, 05-01-24 09:06 

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: