બાલભારતીમાં વાર્તાપઠન ૨૪ ડિસેમ્બર ૨૦૨૨
(૨૦૨ શબ્દો)
શનિવાર તા. ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ ની સાંજે એટલે કે નાતાલની
પૂર્વસંધ્યાએ બાલભારતી, કાંદીવલી પશ્ચિમ, મુંબઈ ખાતે વાર્તાવંતના ઉપક્રમે વાર્તાપઠન
થયું. આ વખતે નવો ઉપક્રમ હતો, મૂળ વાર્તાકારોને બદલે ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મના
કલાકારોએ પોતાની પસંદગીની વાર્તાઓ રજૂ કરી.
સૌ પ્રથમ વાર્તા રજૂ કરી ફેમીલી બિઝનેસ એડવાઇઝર અને
મેનેજમેન્ટ વિષયના નિષ્ણાત તેમ જ વ્યાખ્યાતા મિતા દીક્ષિતે જાણીતા હાસ્યલેખક હરનિશ
જાની લિખિત વાર્તા “ઓપન હાઉસ”. આ વાર્તામાં રજૂ થયો અમેરિકામાં ચાલાક એસ્ટેટ એજન્ટને
પણ ભૂ પીવડાવી દે એવી ચાલાકી કરનારા એક સ્ત્રી ગ્રાહકનો મજેદાર કિસ્સો. હાસ્યપ્રધાન રચના.
હિન્દી ફિલ્મ “રીઝવાન” ફેઈમ અભિનેત્રી કેયુરી શાહે રજૂ કરી
સતીશ વ્યાસ લિખિત ટૂંકી વાર્તા “મેડી”. આ વાર્તામાં એક સ્ત્રીના લગ્ન પછી મધુરજની
જેવા નાજુક પ્રસંગનું અત્યંત શિષ્ટ અને માર્મિક આલેખન થયું છે. ભાવવાહી પઠન.
કોફીબ્રેક પછી જાણીતા નાટયઅભિનેતા દર્શન મહાજને રજૂ કર્યો હિમાંશુ
જોશી લિખિત મૂળ હિન્દી વાર્તા “સાયે” નો ગુજરાતી અનુવાદ “પડછાયા”. એક મિત્ર પોતાના
ભાગીદારના અચાનક મૃત્યુ પછી ગુપ્તપણે તેના પરિવારની સારસંભાળ રાખે છે તેની હ્રદયસ્પર્શી
વાર્તા રજૂ થઈ.
જાણીતા નાટયલેખક અને દિગ્દર્શક વિમલ ઉપાધ્યાએ રજૂ કરી
ઉમાશંકર જોશી લિખિત “મારી ચંપાનો વર.” ઉ.જો.ની
આ ક્લાસિક વાર્તામાં કઈ રીતે એક માતા પોતાની જ દીકરીના લગ્નજીવનનું અપહરણ કરે છે
એની વાત થઈ છે. સરસ નાટયાત્મક રજૂઆત.
--કિશોર પટેલ, 26-12-22; 12:33
No comments:
Post a Comment