મમતા ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૨ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે
(૬૯૧ શબ્દો)
મમતા આ અંક જોડે બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. મમતા વાર્તામાસિકને
અભિનંદન અને શુભેચ્છાઓ!
મોડે મોડે (કેશુભાઈ દેસાઈ):
અનાથ સોફિયાને યુવાનીમાં પગ મૂકતાંવેંત ચર્ચના પાદરી તરફથી
કડવો અનુભવ થયો છે. એ જુદા ધર્મની છે એવું કહીને પહેલા પ્રેમીએ લગ્ન કરવાની ના
પાડી દીધી. યુવાનીમાં પગ મૂકતા પોતાના વિદ્યાર્થી બટુકને ઘડી બે ઘડીના સંગ માટે એ
સહેલાઈથી લલચાવે છે પણ છેવટે બટુક તો કામચલાઉ ઉપાય કહેવાય. મોડે મોડે સોફિયા
લગ્નવિષયક જાહેરખબરોમાં પોતાને લાયક ઉમેદવારની શોધ આદરે છે.
ગુજરાતી વાર્તાઓમાં શૃંગારદ્રશ્યનું વિરલ કહેવાય એવું આલેખન
અહીં આ વાર્તાના પ્રારંભમાં જ થયું છે.
કઠપૂતળી (છાયા ઉપાધ્યાય):
આ વાર્તામાં સ્વરૂપ સાથે પ્રયોગ થયો છે. એક કરતાં વધુ
અર્થમાં આ વાર્તા જોઈ શકાય. એક સંભવિત અર્થ આવો હોઈ શકે:
“હા”, “પણ” અને “હવે” એમ ત્રણ શબ્દોને વિવિધ પ્રકારે
જોઈ/તપાસી/ચકાસીને રચાયેલી વાર્તા. મુશ્કેલ સ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે સમાધાન
કરતાં કરતાં નાયિકાની સહનશીલતા ખૂટી ગઈ છે, એનો “હું” માથું ઊંચકી બેઠો થયો છે, એનું
આત્મસન્માન હવે જાગૃત થયું છે. બહુ થયું, હવે વધુ સમાધાન નહીં, હવે કોઈ “જો” અને “તો”
વાળી શરત પણ નહીં. નાયિકા પોતાની શરતે જીવવા સજ્જ થઈ ગઈ છે.
આંસુ મૂકી ગયું એક સપનું (કિરણ વી. મહેતા):
કરુણાંતિકા. એક દાનવીરના અવિચારી નિર્ણયના પગલે ઘટતી એક
દુર્ઘટના.
એક શ્રીમંત આદમી ભાવુક બનીને ભિખારણને રોકડ રકમને બદલે
સોનાની વીંટી આપી દે છે. સોનાનો દાગીનો એ ભિખારણ ક્યાં અને કેવી રીતે વટાવશે એ
વિષે વિચાર્યા વિના શ્રીમંત દ્વારા ભાવાવેશમાં લેવાયેલો એ નિર્ણય ભિખારણ માટે
મોંઘો નીવડે છે. વીંટી હાથમાં આવતાં દોડાદોડ કરી મૂકતી ભિખારણને જોઇને પોલીસ એની
પૂછપરછ કરે છે. સોનાની વીંટી કોઈ ભીખમાં આપે ખરું? ચોરીનો આરોપ આવતાં ડોસી આઘાતમાં
મૃત્યુ પામે છે.
સાલ્લા (નીતા જોશી):
નાનાંમોટાં સહુની મશ્કરીનું પાત્ર બનેલો એક ઠીંગુજી
કંટાળીને ગામની બહાર સ્મશાનભૂમિ પાસે એકલો પડી રહે છે. થોડોક સમય એક શ્રમજીવીના
પરિવારની એને મદદ મળે છે પણ એકંદરે એની જીવનયાત્રા કષ્ટદાયક બની રહે છે. સામાન્ય
લોકોથી જુદા પડતા માણસની વ્યથાકથા.
હેટ સ્ટોરી (કિશોર પટેલ):
ફેન્ટેસી. વાર્તાના નાયકને અનાયાસ એક એવી હેટ મળે છે જે
પહેરવાથી અન્યોના મનમાં ચાલતાં વિચારો જાણી શકાય છે. આવી જાદુઈ હેટ એના જીવનમાં
કેવો ઝંઝાવાત લાવે છે એની કથા. આ વાર્તા વિષે વધુ ટિપ્પણી કરવી અનુચિત ગણાશે કારણ
કે વાર્તા આ લખનારની જ છે.
હાશકારો (ઉમા પરમાર):
યુવાન દીકરીની જીવનશૈલી જોઇને નાયિકાને પોતાની એ ઉંમરની
સ્મૃતિઓ જાગૃત થાય છે. જેની સાથે પ્રેમ હતો એ તો કંઈ કહ્યાકારવ્યા વિના એના રસ્તે
પડી ગયો અને નાયિકાએ માતાપિતાએ ચીંધેલા ઉમેદવાર જોડે લગ્ન કરવા પડયા. આજની
તારીખમાં પોતે પોતાના પતિ જોડે સુખી છે કે નહીં એની એને ખાતરી નથી. આટલાં વર્ષે પૂર્વ
પ્રેમીની યાદ તીવ્રપણે સતાવવા લાગી એટલે નાયિકા એને સોશિયલ મીડિયા પર શોધવા લાગી.
શાંત અને સ્થિર જીવન ખળભળી ઊઠે એવું કંઈ કરવાનો વિચાર છેલ્લી ઘડીએ નાયિકા ફેરવી
તોળે છે.
નાયિકાના મનોભાવોનું આલેખન સરસ.
બાપુજી (એકતા નીરવ દોશી):
સંબંધોની બદલાતી વ્યાખ્યાઓ. પતિ એટલે પત્ની/સ્ત્રીનો માલિક નહીં
પણ સાથીદાર એ અર્થ હવે રૂઢ થઈ રહ્યો છે. સમાજજીવનની બદલાતી દિશા અને દશાની વાર્તા.
આજના સમયની વાર્તા.
મૂળ હિન્દી પાંચ લઘુકથાઓ, લેખક: ઉદય પ્રકાશ, અનુ:
સંજય છેલ:
હાલના રાજકીય અને સામાજિક વાતાવરણ અંગે માર્મિક ટિપ્પણીઓ
કરતી પાંચ ચોટદાર લઘુકથાઓ.
વિડીયો (મૂળ અંગ્રેજી વાર્તા, લેખક: મીરાં નાયર
અનુ: સુચી વ્યાસ):
સંયુક્ત કુટુંબમાં અંગત ક્ષણો સહેલાઈથી ઉપલબ્ધ થતી નથી.
એમાંય પરિવારમાં સહુથી મોટા પુત્ર અને મોટી વહુને અનેક જવાબદારીઓ હોય. એક મિત્રને
ત્યાં નસિર કોઈક ભળતોસળતો વિડીયો જોઇને રોમાંચિત થઈ જાય છે. ઘેર આવીને ઈચ્છે છે કે
વિડીયોમાં જોયું એવું જ બધું એની પત્ની રશિદા એની જોડે કરે. એના આવા આગ્રહનો રશિદા
શું પ્રતિભાવ આપે છે અને ઘરમાં કેવી રમૂજી સ્થિતિ ઊભી થાય છે એની મજેદાર કહાણી.
સમતા યુગે (મૂળ અંગ્રેજી વાર્તા, લેખક: કર્ટ
વોનેગુટ જુનિયર, અનુ: યશવંત મહેતા):
સાયન્સ ફેન્ટેસી. અંદાજે પચાસ વર્ષ પછીની સ્થિતિની કલ્પના
કરવામાં આવી છે કે કોઈને અંગત ક્ષણો જેવું નહીં હોય. જે કંઈ વિચારો કે આચરણ કરો
એની માહિતી સરકારને મળ્યા કરે. એવા સાધનો વિકસિત થયાં હશે કે જેનાં વડે સરકાર
દરેકે દરેક નાગરિકની હિલચાલની ખબર રાખી શકે. એક કુટુંબનો કિશોર વયનો પુત્ર સરકારના
ગુનેગાર તરીકે બંદીવાન સ્થિતિમાં છે એમ છતાં એ એવું છમકલું કરે છે કે સહુ ગંભીર
સ્થિતિમાં મૂકાઈ જાય છે.
--કિશોર પટેલ, 15-12-22; 09:19
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment