Sunday, 11 December 2022

અખંડ આનંદ ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

અખંડ આનંદ ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૮૨ શબ્દો)

બસ, એ જ અને એટલું જ (ડો. દિનકર જોશી): સામાન્ય માણસોની ઈચ્છાઓ પણ સામાન્ય હોય છે. આમ છતાં એવી ઇચ્છાઓ પણ પૂરી ના થાય ત્યારે અફસોસ કરવા સિવાય કોઈ પર્યાય રહેતો નથી. શિક્ષિકાની નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જતી વિદુરા ભારે સંઘર્ષ બાદ ઈચ્છિત સ્થળે પહોંચે છે પણ ટ્રસ્ટીના અવસાનના કારણે ઇન્ટરવ્યુ મુલતવી રખાયા છે. આમ વિદુરાની મહેનત એળે જાય છે. સામાન્ય માણસની અસહાયતાનું ચિત્રણ.   

સપ્તરંગી મેઘધનુષ (વર્ષા અડાલજા): પતિ-પુત્રની સગવડો સાચવવાની રોજિંદી ઘટમાળમાં અરુંધતીને થાય છે કે જીવનમાં શું મેળવ્યું? એવામાં એક દિવસ એનો પતિ નિશીથ પત્ની અને પુત્ર જોડે મીની વેકેશન માટે રિસોર્ટમાં જવાનું આયોજન કરે છે. યુવાન પુત્ર માતાપિતાને બદલે મિત્રો સાથે ફરવા જાય છે પણ પછીથી અચાનક રિસોર્ટમાં માતાપિતાને મળવા આવીને ચોંકાવી  દે છે. અરુંધતીને આનંદ થાય છે કે એનો નાનકડો પરિવાર એકબીજાની લાગણીઓની કદર કરે છે.    

મજામાં...(રજનીકુમાર પંડયા): નાનીમોટી વાતમાં પતિના હાથનો માર ખાધા બાદ પણ પાડોશીઓ સામે હસતું મોં રાખીને જિંદગી વેંઢારતી એક સ્ત્રીની વાત. હજી આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે.

કોળિયો (કેશુભાઈ દેસાઇ): સમાજના મોભી ગણાય એવા નિ:સંતાન ચીમનલાલના પત્ની મૃત્યુ પામ્યા ત્યારે એમના પિતરાઈ ભાઈને થયું કે ત્રણમાંથી એકાદ દીકરાને ચીમનલાલની સેવા કરવાના બહાને એમના બંગલે ગોઠવી દેવાશે. ગામડેથી ભત્રીજો અને વહુ ચીમનલાલના બંગલે આવે છે પણ ખરા પરંતુ ચીમનલાલે વર્ષોથી પોતાના બંગલે કામ કરતી હંસાને પોતાની સંભાળ લેવા માટે સહકુટુંબ બંગલે રહેવા આવવાનું જણાવી ભત્રીજા અને વહુને ગામડે પાછા જવાનો ઈશારો કરી દીધો.   

તથાસ્તુ (ડો. ચંદ્રકાંત મહેતા): પ્રેમકથા. વધુ અભ્યાસ માટે વિદેશ ગયેલો ડોક્ટર તત્વાર્થ સ્વદેશમાં રાહ જોતી પ્રિયતમા સંગીનીને ભૂલતો નથી. વિદેશમાં સ્થાયી થવાનાં પ્રલોભનો ઠુકરાવી એ સ્વદેશ પાછો ફરીને પોતાની પ્રેમિકા જોડે લગ્ન કરે છે. આ લેખક સામાજિક મૂલ્યોની પ્રતિષ્ઠા થાય એવું સાહિત્યસર્જન કરવા માટે અને પાત્રોનાં આધુનિક નામ પાડવા માટે જાણીતા છે.

સવલીને ગાંઠિયા બહુ ભાવે છે (યશવંત મહેતા): સવિતા જોડે ત્રણચાર પેઢી અગાઉની સગાઇના કારણે કાનો એને પરણી શક્યો નહીં. સવિતા જ્યાં પરણી ત્યાં દુઃખી થઈ અને છેવટે એણે કૂવો પૂર્યો. સવિતાની જુદાઈ અને એના અપમૃત્યુના બેવડા આઘાતની કાના પર માનસિક અસર થઈ. સવિતા જ્યાં મૃત્યુ પામી એ જ  કૂવામાં ગાંઠિયા નાખી જાણે સવિતાને ખવડાવતો હોય એવું એ બોલ્યા કરે છે.      

ઊપજ (રાઘવજી માધડ): માતાપિતા ગમે એટલાં નિર્ધન હોય પણ દીકરી માટે કયારેય દિલચોરી ના કરે. પિયર આવેલી દીકરીને વળાવતી વેળા એને આપવા જેવું કશું જ ન હોવાથી પિતા એને મોંઘા ભાવનું બિયારણનું પોટલું આપે છે. સામે પક્ષે દીકરી પણ એટલી જ સમજદાર છે. એ જાણે છે કે ગરીબ પિતાએ પોતાની જમીન માટે રાખેલું બિયારણ આપી દીધું છે એટલે એ છેલ્લી ઘડીએ બિયારણનું પોટલું જાણીજોઇને પિયરમાં જ ભૂલી જાય છે અને સ્ટેશન પર ભાઈને કહે છે કે હું સાસરિયાંને કહી દઈશ કે બિયારણ નહીં પણ ઉપજ લઈને મારો ભાઈ આવશે. આમ માતાપિતા અને દીકરી બંને એકબીજાની ઈજ્જત સાચવી લેવા તત્પર છે. હ્રદયસ્પર્શી વાર્તા.     

અલખનો અજંપો (પ્રવીણ ગઢવી): થરાદના રાજવી કુટુંબમાં રાજા માનસિંહને નાનપણથી જ સંસારમાં રસ ન હતો. સંત રવિદાસની વાણી સાંભળ્યા પછી એમનું મન ઈશ્વરભક્તિમાં લાગ્યું. આ જોઇને રાજમાતાએ દીકરાના લગ્નની તૈયારી કરી પણ માનસિંહે માતાને કહ્યું કે તેનું મન સંસારમાં નથી. રાજમાતા છેવટે એને સંત રવિદાસની શરણમાં જવાની રાજા આપી દે છે.   

અણધાર્યો લાભ (કલ્પના જિતેન્દ્ર): ભાવનાત્મક સંબંધોમાં છેતરપીંડી. ઓફિસમાં સહકર્મચારી નીતિનના સૌજન્યપૂર્ણ વ્યવહારથી પ્રભાવિત થઈ કોશા એની તરફ આકર્ષિત થાય છે. પણ જ્યારે એને ખબર પડી જાય છે કે નીતિન માટે તો પોતે ફક્ત સમય પસાર કરવાનું રમકડું હતી ત્યારે એને આઘાત લાગે છે.  

ઋણ (ગિરિમા ઘારેખાન): પિતાના મૃત્યુ પછી આકાશને સત્ય જાણવા મળે છે કે એનો પોતાનો જન્મ માતાના લગ્ન પૂર્વેના પ્રેમી થકી થયો હતો. વિધવા બન્યા પછી આકાશની માતા આજ સુધી અપરિણીત રહેલા એ પૂર્વપ્રેમી જોડે પુનર્લગ્ન કરવા ઈચ્છે છે. આકાશ માતાની ઈચ્છાની આડે તો નથી આવતો પણ સાથે સાથે એના અસલી પિતાનો એ સ્વીકાર પણ કરી શકતો નથી. પોતે જેને પિતા માનતો આવ્યો હતો એમની પ્રતિમા ખંડિત થાય એવું એ ઈચ્છતો નથી. આકાશે નોંધ્યું હતું કે એના પિતા હંમેશા એની માતાને ખુશ રાખવાનો પ્રયાસ કરતા પણ માતા ક્યારેય ખુશ જણાતી નહીં. ચારે મુખ્ય પાત્રોનું પાત્રાલેખન વિશિષ્ઠ થયું છે. વાર્તાની રજૂઆત પ્રવાહી થઈ છે.  

સંબંધનું નહીં નામ (સુષ્મા શેઠ): સોશિયલ મીડિયા પર પરિચય થયા પછી પ્રત્યક્ષ મુલાકાત વેળાએ જેસલ નામના યુવકને જોઈ સુજાતાને આઘાત લાગે છે. જેસલે એને કહ્યું ન હતું કે એ સ્ત્રેણ છે. ગુસ્સે થઈને સુજાતા ત્યાંથી નીકળી જાય છે પણ પછી એને ખ્યાલ આવે છે કે એણે પોતે પણ પોતાની પંગુતા જેસલથી છુપાવી છે. પોતાની ભૂલ સમજાતાં એ પાછી વળે છે. બંને દુખિયારાં એકબીજાને મળીને આનંદ અનુભવે છે. નાયિકાના મનોભાવોનું આલેખન સારું થયું છે.  

તમાચો (નીલમ હરીશ દોશી): ઉજાસ પોતે ઓફિસની સહકર્મચારી ખુશી જોડે કોફી પીવા જવાની સ્વતંત્રતા ભોગવે છે પણ એ જ રીતે જયારે એની પત્ની પોતાના સહકર્મચારી આર્યન જોડે કોફી પીવા જાય ત્યારે એ પત્ની પર શંકા કરે છે. આમ ભેદભાવભરી પુરુષપ્રધાન માનસિકતા અંગે વાર્તામાં વિધાન થયું છે.     

એ જિંદગી...ગલે સે...(નીલેશ રાણા): સાફસફાઈનું કામ કરતાં કરતાં ઘરમાંથી નાનીમોટી વસ્તુઓની ચોરી કરતા ચોરને આશ્ચર્ય થાય છે કે ઘરનાં માલિકોને કેમ કંઈ ખબર પડતી નથી કે ઘરમાંથી વસ્તુઓ ગાયબ થઈ રહી છે. એક દિવસ તેને જાણવા મળે છે કે એમને તો બધી જ ખબર હતી! એ એનું પોતાનું જ ઘર હતું! નાનપણમાં કોઈક કારણથી એ માતાપિતાથી વિખૂટો પડી ગયો હતો. જીવનની વિચિત્રતાની વાત.   

દેશપ્રેમ (ડો. પિનાકિન દવે): રોગચાળો ફેલાવી દેશની વસ્તી પર નિયંત્રણ લાવવાના હેતુથી ડો. રાવ એક ખતરનાક વાયરસ બનાવે છે. પણ ડો. રાવ એમના ઈરાદામાં સફળ થાય એ પહેલાં એમની દીકરી મયૂરી પોલીસને ખબર કરી દે છે. દેશની સુરક્ષા ખાતર પોતાના પિતાની ધરપકડ કરાવતી દીકરીની વાત. 

સુખની વ્યાખ્યા (મોના જોશી): સાચું સુખ ધનદૌલતમાં નથી પણ પરિવારમાં એકબીજાની લાગણીઓ સાચવવામાં છે એવો બોધ આપતી વાર્તા.

એક કટિંગ ‘ઈગો’ ચા (સંજય થોરાત): મૈત્રીસંબંધની વાત. ગેરસમજના કારણે બે મિત્રો વચ્ચેની મૈત્રી તૂટી ગઈ, જીવનભર એક બીજા સાથે અબોલા પાળ્યા પણ બંને સતત એકબીજાને યાદ કરતા રહ્યા.  

લઘુકથા

રાજગોર (હરિવદન જોશી): મૈત્રીસંબંધની વાત. મિત્રને નીકળતા લેણાંની યાદ ના આવે એવું વિચારીને એની છેલ્લી ઘડીઓમાં પણ નાયક એને મળવા જતો નથી. 

--કિશોર પટેલ, 12-12-22; 09:48

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: