Friday, 5 March 2021

મમતા ફેબ્રુઆરી ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે:

 

મમતા ફેબ્રુઆરી ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે:

(૪૩૩ શબ્દો)

પૌરાણિક પાત્રોની વાર્તાઓના આ વિશેષાંકમાં કુલ અગિયાર વાર્તાઓ રજૂ થઇ છે.   

પડદો પડી ગયો (આરતી આંત્રોલિયા): બીજો પુરુષ એકવચન કથનશૈલીમાં રજૂઆત. બીજા પુરુષમાં ઘણી ઓછી વાર્તાઓ લખાય છે.  વાર્તામાં દુર્યોધનની પીડાને વાચા મળી છે. પ્રસંશનીય પ્રયાસ. 

સાત ગાંઠ વાંસની (લીના વચ્છરાજાની): અભિમન્યુ નામના એક તોફાની યુવકનો આત્મા મૃત્યુ પછી સ્મશાનભૂમિના કર્મચારીને વિનંતી કરે છે કે મારા માવતરને કહેજો કે મને માફ કરે. પૌરાણિક પાત્ર અભિમન્યુનો વાર્તાના નાયક જોડે કોઇ સંબંધ સાંકળી શકાતો નથી. સ્મશાનભૂમિનો કર્મચારી કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના નધણિયાતા પડેલાં અસ્થિનું વિસર્જન લોકોપયોગી કાર્ય સમજીને કરે છે. શું કહેવું છે એ અંગે વાર્તા અસ્પષ્ટ છે.

મેઘદૂત (એકતા નીરવ દોશી): ગેરસમજની ગમ્મતભરી પણ કરુણાંત કથા.

ડિજિટલ અભિમન્યુ (વૈશાલી રાડિયા): હવે પછીના સમયમાં જન્મનારું બાળક અભિમન્યુની પેઠે માના પેટમાંથી જ ઘણું બધું શીખીને આવશે અને આવનારા સમયમાં ડિજિટલ ક્રાંતિ થયેલી હશે એવું આ વાર્તામાં લંબાણપૂર્વક કહેવાય છે.

પાસા (ગેબ્રિયલ ચૌહાણ): કરુણરસથી છલોછલ આ વાર્તામાં શકુનિની પીડાનું સુપેરે આલેખન થયું છે. 

ઓલમોસ્ટ ઈશ્વર (રાજુલ ભાનુશાળી):  માતાને ઈશ્વરની માત્ર સમકક્ષ નહીં પણ એનાથીયે ચડિયાતા દરજ્જે આસનસ્થ કરતી વાર્તા. મજેદાર કથનશૈલી, પ્રવાહી અને પ્રભાવી આલેખન. લક્ષ્મીજીને થોડાં થોડાં દિવસે ફેસબુક પર ડીપી બદલવાનો શોખ હોય અને વિષ્ણુજીને ટેલિવિઝનની પૌરાણિક સિરીયલો જોવાની ગમતી હોય કે પછી નારદજી ફિલ્મી ગીત ગણગણતા હોય કે સાવન જબ આગ લગાયે...આ કલ્પનાઓ  જ કેટલી મજેદાર છે! સરસ!

મેઘધનુનો ચૌદમો રંગ (જગદીપ ઉપાધ્યાય): વનસૌંદર્યનું વર્ણન અદ્ભુત છે. નિબંધ  અને વાર્તાની વચ્ચેની રચના. વિજ્ઞાન કહે છે કે મેઘધનુષના સાત રંગ છે. અહીં મેઘધનુષના ચૌદમા રંગની વાત છે. સર્વે પાત્રોના નામ જોડે મોતા જોડાયેલું છે; સમસ્યા એ છે કે કોણ સ્ત્રી કોણ પુરુષ એની ખબર પડતી નથી. કિલુમોતા પુરુષ છે અને બકુમોતા સ્ત્રી છે એ તો છેક વાર્તા પૂરી થવા આવી ત્યારે સમજાયું.  

માધાંતા (બકુલ ડેકાટે): એક પુરુષ ગર્ભ ધારણ કરીને બાળકને જન્મ આપે એવી મહાભારતમાંની એક ઉપકથા જોડે અનુસંધાન કરતી વાર્તા. કલ્પના રોચક છે. નાયકનો મનોવ્યાપાર છે અને નથી. વાર્તા અહેવાલાત્મક છે.

દ્રૌપદી (ઝીલ ગઢવી): મહાભારતના યુગમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું એ પછી પણ પ્રત્યેક યુગમાં સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર થતો આવ્યો છે. પણ આજની સ્ત્રી જાગૃત થઇ છે. આજની સ્ત્રી પ્રતિશોધ લે છે. વિષયવસ્તુ સરસ. માવજતમાં સુધારાને અવકાશ છે.   

શાપિત અમરત્વ (સંજય ગુંદલાવકર): જબરદસ્ત ફેન્ટેસી. વહેલી સવારે મોર્નિગ વોક પર નીકળેલા એક ડોક્ટરને રસ્તે મળી જાય છે મહાભારત કાળનો અશ્વત્થામા! એથી પણ ચઢિયાતી કલ્પના એ કે અમરત્વનું વરદાન પામેલો આ અશ્વત્થામા ડોક્ટર પાસે મૃત્યુની યાચના કરે છે! વિષય, માવજત, સંવાદો અને વર્ણન બધું જ સરસ! વાહ!

ભાર (શ્રદ્ધા ભટ્ટ): ભવિષ્ય જાણવાની દ્રષ્ટિ મળી છે પણ પૂછ્યા વિના કોઈને કહેવાનું નથી એવી શરત પણ છે! મહાભારત કાળના સહદેવ જેવી જ સ્થિતિમાંથી આજના યુગનો સહદેવ પસાર થાય છે. નાયકની વ્યથાનું સરસ આલેખન. સરસ વિષય, સરસ માવજત. વાહ! 

--કિશોર પટેલ; 05-03-21; 21:07 

###    


No comments: