Monday, 25 December 2023

મમતા નવેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



મમતા નવેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૮૦૧ શબ્દો)

પ્રસ્તુત અંક નરચેતના વિશેષાંક છે અને એના નિમંત્રિત સંપાદક છેઃ સંજય ઉપાધ્યાય.

મમતાએ નરચેતના વિશેષાંકની પહેલી સીઝન ગયા વર્ષે બહાર પાડી હતી. એને મળેલા સાનુકૂળ પ્રતિભાવથી પોરસાઈને આ વર્ષે એમણે આ બીજી સીઝન પ્રગટ કરી છે. સર્વત્ર સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રીસશક્તિકરણ ના બ્યુગલ ફુંકાતા રહેતાં હોય એવે સમયે પુરુષોની સમસ્યાઓ પર પણ પ્રકાશ પાડવો આવશ્યક છે. પ્રસ્તુત અંકમાં એવી કેટલીક સમસ્યાઓ વિશે વાત થઈ છે. નરચેતના વિશેષાંકની આ બીજી આવૃત્તિનું સ્વાગત છે.  

કળા કરંતો મોર (યશવંત ઠક્કર)

યુવાન દંપતીને સંયુક્ત કુટુંબમાં વાતો કરવા માટે એકાંત મળતું નથી.  કોઈ પ્રસંગે દૂરના ગામે જવાનું થતાં ટ્રેનની લાંબી મુસાફરીમાં નાયિકા જેઠાણીના મહેણાંટોણાંની ફરિયાદ પતિ પાસે કરે છે. પતિ પ્રેમથી પત્નીને સમજાવે છે.

ગામડામાં કોઈ હરતોફરતો કથાકાર કથા કરતો હોય એવી રજૂઆત.  

ભ્રાંતિ (શ્યામ તરંગી)

શંકાનો કોઈ ઈલાજ નથી. નાયકને શંકા છે કે એની પત્ની પારકા પુરુષને પ્રેમ કરે છે. શંકાનો કીડો નાયકના મનને કોતરી ખાય છે.  શંકાશીલ માનસનું ઘણું વિસ્તૃત આલેખન. એકની એક વાતનું વાર્તામાં સતત થતા પુનરાવર્તનને કારણે વાર્તા લાંબી થઈ ગઈ છે.

વરસતા વરસાદમાં (સમીરા પત્રાવાલા)

કોણે કહ્યું કે પુરુષો  રડી ના શકે? કથક જુએ છે કે જેનાથી એ સારી રીતે પરિચીત હતી એ પહાડ જેવો એક મજબૂત માણસ લોકલ ટ્રેન જેવા જાહેર સ્થળ પર એકાએક રડી પડે છે.

એક કરુણાંતિકા. કથક જેમ એક મજબૂત માણસને રડતાં જુએ છે એમ અન્ય એક તોફાની છોકરીનું માનવીય પાસું પણ જુએ છે.  અન્યો પર કાયમ ધાક જમાવતી એ છોકરી એ દિવસે પેલા રડતા માણસને આશ્વાસન આપતી હતી! એક પર એક આઈટમ મફત હોય એમ આ વાતામાં બબ્બે જુદાં જુદાં પ્રકારનાં પાત્રોની મુલાકાત થાય છે.

મુંબઈની લોકલ ટ્રેનનું એક આગળુંવેગળું ચિત્ર. રસપ્રદ રજૂઆત.    

નમાલો (નિખિલ વસાણી)

આત્મવિશ્વાસ વિનાના માણસની વાત. વાર્તાનાયક પત્નીથી કાયમ દબાયેલો રહે છે. પત્ની જ્યારે પિયર જાય ત્યારે એનામાં હિંમત આવી જાય છે. પત્ની પાછી આવવાની હજી માત્ર ખબર આવે એટલામાં તો એ ફરીથી ડરી જઈને એના કોચલામાં ભરાઈ જાય છે.  જુદા જુદા પ્રસંગો લઈને લેખકે એક ડરપોક માણસનું શબ્દચિત્ર સરસ ઉપસાવ્યું છે.

ખોવાયેલો સૂર (ગિની માલવિયા)

કોર્પોરેટ વર્લ્ડમાં કર્મચારીઓ પર સતત સારું પરિણામ આપવાનું દબાણ હોય છે. વાર્તાનો નાયક એવો દેખાવ કરવામાં નિષ્ફળ જતાં ઘરમાં સર્જાયેલા તંગ વાતાવરણની વાત.

વિદેશની ભૂમિ પર આકાર લેતી આ વાર્તામાં ત્યાંના પરિવેશનું અધિકૃત વર્ણન થયું છે.  

વાર્તામાં બે ઠેકાણે વ્યાકરણની ભૂલો નજરે પડી છેઃ

૧....સમજાવટનાં શસ્ત્રને જ્યાંથી આવ્યું હતું ત્યાં બુધ્ધિ અને મનનાં ખાનામાં પાછી મૂક્યું.  ////પાછી? ////અહીં “પાછી” ને બદલે “પાછું” શબ્દ હોવો જોઈએ. શસ્ત્રનું લિંગ નાન્યતર છે.

૨....થોડી જે જવાબ આપવી જરૂરી હતી તેની મનોમન નોંધ કરી લીધી. વાક્યનો પહેલો અડધો ભાગ ભૂલભર્યો છે. “થોડા જે જવાબો આપવા જરૂરી હતા...” હોવું જોઈએ. જવાબનું લિંગ પુર્લિંગ છે.

એક બિલ્લસની ચડ્ડી (નીલમ રોય)

ભણવા માટે ગામડેથી આવેલો એક તરૂણ જાતમહેનત કરી પોતાનો ખર્ચ ઉપાડે છે. કામની જવાબદારોઓને લીધે એ સ્કુલમાં હંમેશા મોડો પડે છે. એના જીવનસંઘર્ષની વાત. તરુણના મનોભાવોનું સરસ આલેખન.

સૌરભ (અજય પુરોહિત)

શાળાની રિયુનિયન પ્રસંગે ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ ભૂતકાળ વાગોળે છે.  એ સમયે ભાષાનું સંવર્ધન કરવા એમના શિક્ષકોએ લીધેલી જહેમતનું સૌ સ્મરણ કરે છે.  પરંપરાગત રજૂઆત.

સગાઈ (સંકેત શાહ)

સ્ત્રીસશક્તિકરણની વાત.

વાર્તાનાયક સ્ત્રીસશક્તિકરણમાં માને છે પણ સામી વ્યક્તિની એકપક્ષી શરતોમાં બંધાવા એ તૈયાર નથી. વિપુલ અને શીતલ વચ્ચેની મુલાકાત જ મુખ્ય વાર્તા છે, ચૈતાલી જોડેના બબ્બે પ્રસંગ વાર્તાને કોઈ રીતે ઉપકારક નથી. ચૈતાલી જોડે બધું મળતું આવે પણ એની શરતોમાં બાંધી લેવાની વાતથી વિઘ્ન આવે એવું આયોજન સહેલાઈથી થઈ શક્યું હોત.  

નડતર (પારુલ બારોટ)

વરિષ્ઠ નાગરિકની સમસ્યા.

શહેરોમાં વસતાં સંયુક્ત કુટુંબોમાં વરિષ્ઠ નાગરિકોની સમસ્યા વકરી રહી છે. ઘરમાં અવકાશ ઓછો હોય કે પૂરતો માણસોનાં મન સાંકડા થતાં ચાલ્યા છે. નિવૃત્ત વરિષ્ઠ નાગરિકો જાણે વધારાનો બોજ હોય એવું વાતાવરણ અનેક કુટુંબોમાં જણાઈ રહ્યું છે. પ્રસ્તુત વાર્તામાં નરેશભાઈ પુત્ર-પુત્રવધૂના વ્યવહારથી દુભાયેલા છે. સાળાના આગ્રહથી સાસરે જઈને બેચાર દિવસ રહે છે ખરા પણ એમનું મન તો પોતાના ઘેર જવા-રહેવા તડપી રહ્યું છે. સારી વાર્તા. પ્રવાહી રજૂઆત.  

માંસ (સુનીલ ગંગોપાધ્યાય લિખિત બંગાળી વાર્તા, અનુવાદઃ સંજય છેલ)

કારમી ગરીબીમાં ભીંસાતા પરિવારની હ્રદયસ્પર્શી વાર્તા. પતિ અને બાળકોને બે ટંકનું ભોજન મળી રહે એટલા ખાતર વેશ્યાવ્યવસાય સ્વીકારતી કુટુંબવત્સલ સ્ત્રીની કુરબાનીની કરુણ કથા.

લેખક લખે છે કેઃ

//// હવે સુરોના શરીરનાં માંસ સિવાય બીજું કંઈ જ વેચવા માટે બચ્યું નહોતું. ////

બીમાર પતિ અને નિર્દોષ ભૂલકાંની હાજરી વાર્તાને કારુણ્યના શિખરે લઈ જાય છે.

ગણતરીથી પર (અમેરિકન લેખક સેમ્યુઅલ હોપકિન્સ આડમ્સ લિખિત અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યામિની પટેલ)

સફાઈપૂર્વક ખૂન કરીને પોલીસના હાથે ના પકડાવાનો ખેલ કેવી રીતે ઊંધો વળે છે રસપૂર્ણ અપરાધકથા.

ચંદ્રે જીતી લીધી પૃથ્વી (અમેરિકન લેખક વોશિંગ્ટન ઈરવિંગ લિખિત અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યશવંત મહેતા)

આ સાયન્સ ફિક્શન વાર્તામાં એવી કલ્પના થઈ છે કે જે રીતે અમેરિકાના જંગલોમાં રહેતાં આદિવાસીઓને યુરોપિયનોએ અણઘડ અને અભણ ઠેરવીને હાંકી કાઢ્યાં અને એમનો પ્રદેશ પચાવી પાડ્યો એ રીતે ચંદ્ર પરનાં જીવો પૃથ્વી પર આવીને માણસોને પરાજિત કરીને કબ્જો જમાવી દેશે. ચિત્તથરારક કલ્પના!

--કિશોર પટેલ, 26-12-23 08:52

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

  

Sunday, 24 December 2023

બાલભારતીમાં વાર્તાપઠન શનિવાર ૨૩ ડિસેમ્બર ૨૦૨૩






 

બાલભારતીમાં વાર્તાપઠન શનિવાર ૨૩ ડિસેમ્બર ૨૦૨૩

(૨૦૬ શબ્દો)

નાતાલ નિમિત્તે મળેલા દીર્ઘ સપ્તાહાન્તની ઉજવણીનીં શરુઆત શનિવાર તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૩ની સાંજે મુંબઈનાં રસિક સાહિત્યપ્રેમીઓએ કાંદીવલી પશ્ચિમમાં બાલભારતી ખાતે વાર્તાપઠનમાં ઉપસ્થિત રહીને કરી.

નાવીન્ય આ વખતે એ હતું કે ભાવકોને ટૂંકી વાર્તાને બદલે નવલકથાના અંશોની રજૂઆત માણવા મળી.  પણ એની વાત કરતાં પહેલાં આપણે શરુઆતથી શરુઆત કરીએ.

પ્રારંભ થયો હાલમાં અવસાન પામેલા લેખક-પત્રકાર નીલેશ રુપાપરાની સ્મૃતિમાં એમના બે મિત્રોની વાતોથી.

સૌપ્રથમ આ લખનારે નીલેશ જોડેની યાદો મમળાવી. ત્યાર બાદ નીલેશના પ્રસિધ્ધ થયેલા એક માત્ર વાર્તાસંગ્રહ “આનંદ રોડને પેલે પાર” ની વાર્તાઓ વિશે એમણે પોતાની ટૂંકી નોંધ રજૂ કરી હતી.

ત્યાર બાદ જાણીતા લેખક-પ્રકાશક સતીશ વ્યાસે નીલેશ જોડેની મધુર યાદો રજૂ કરી. એ પછી એમણે નીલેશની પ્રગટ થયેલી બે નવલકથાઓ “મહેકનામા” અને “છલનાયક”વિશે પોતાની અભ્યાસપૂર્ણ નોંધ રજૂ કરી.      

મધ્યાંતરમાં બાલભારતીની ટ્રેડમાર્ક સમાન સ્વાદિષ્ટ કોફીનું રસપાન કર્યા પછી જાણીતા લેખક-અભિનેત્રી યામિની પટેલે વરસેક પહેલાં પ્રગટ થયેલી પોતાની નવલકથા “આલંભ”ના ચૂંટેલા અંશોનું ભાવવાહી પઠન કર્યું. યામિનીબહેનના પઠનની વિશિષ્ટતા એ કે તેઓ સાભિનય રજૂઆત કરતાં હોય છે.

“આલંભ” ગુનાશોધનની નવલકથા છે. આ કથા લખવા માટે એમણે કરેલા સઘન અભ્યાસની રસપ્રદ વાતો પણ એમણે શ્રોતાઓ જોડે વહેંચી. પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓને મળી એમણે એમની કાર્યવાર્હીની ફર્સ્ટ હેન્ડ જાણકારી મેળવી હતી.

ટૂંકમાં, એક મજેદાર અવિસ્મરણીય સંધ્યા!

--કિશોર પટેલ, રવિવાર, 25-12-23, 09:26

* * *  

 

Saturday, 16 December 2023

પરબ નવેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ


પરબ નવેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૨૦૦ શબ્દો)

ડમરી (કાલિન્દી પરીખ)

સાંપ્રત સમસ્યા. ખેતીમાં સતત અનિશ્ચિતતા અને સામે પક્ષે ઉધ્યોગપતિઓનાં પ્રલોભનો. સામાન્ય ખેડૂત કેટલી લડત આપી શકે? ખોબા જેટલી જમીનનો માલિક સમજે છે કે જમીન વેચવાથી એની સમસ્યાનો હલ નથી આવવાનો અને જમીન ના વેચે તો ટકવું કઈ રીતે એનો પણ એને માર્ગ નથી મળી રહ્યો. ગોબર હિંમત હારી જાય છે. આ એકલા ગોબરની વાત નથી. આજના સમયમાં દેશમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડા દર વર્ષે વધતા જ જાય છે.

ગોબર, એની પત્ની, સામાજિક કાર્યકર્તાઓ વગેરેના પ્રયાસો વગેરે દ્રશ્યોના આલેખનથી રજૂઆતમાં સમતુલા સધાઈ છે. આજની સળગતી સમસ્યાની પ્રભાવી રજૂઆત.      

આ ગાય કેવી છે...? (મનીષી જાની)

ગૌસેવા અંગે કટાક્ષકથા.

ગૌચરની જમીનનો સોદો થઈ જાય અને એકલદોકલ માણસ સિવાય ગામના કોઈના પેટનું પાણી હાલે નહીં એવી નિરાશાજનક સ્થિતિનું આલેખન. વાર્તાના નાયક પ્રો. રામભાઈ પોતે કહેવા ખાતર ગાયના સેવક છે. ગાયને પ્લાસ્ટિકની ખાલી થેલી ખવડાવનારા પાસેથી શું આશા રાખી શકાય? સાચા ગૌરક્ષકની હત્યા થઈ જાય છે ત્યારે સહુ ચૂપ રહે છે. ગૌસેવાનો દેખાડો કરતા લોકો અંગે કટાક્ષ.

--કિશોર પટેલ, 17-12-23 09:20

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

   

 

Saturday, 2 December 2023

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ







નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૪૦૪ શબ્દો)

કિશિંગ (મધુ રાય)

ટૂંકી વાર્તાના આધુનિક યુગના આ મહત્વના અને વરિષ્ઠ વાર્તાકાર શૈલીમાં પ્રયોગો કરવા માટે જાણીતા છે. પ્રસ્તુત વાર્તાની રજૂઆતમાં એક નવતર પ્રયોગ થયો છે. કથકની બોલી એમણે અંગ્રેજી મિડિયમમાં ભણેલાં ગુજરાતી નાગરિકોની રાખી છે.

હવાઈ મુસાફરી દરમિયાન વિમાની કંપનીઓ તરફથી વપરાશ માટે મળતી દૈનંદિન જરુરિયાતોની ચીજવસ્તુઓ ઘરભેગી કરવાની ગુજરાતી પ્રવાસીઓની લાક્ષણિકતાનું અહીં વાર્તાનાયક હરિભાઈ (કદાચ લેખકનું એક ચિરંજીવ પાત્ર હરિયો) ની વર્તુણૂક દ્વારા નિરુપણ થયું છે. વિદેશીઓના વાદે ચડીને હરિભાઈ પણ પોતાની ધર્મપત્ની જોડે “ડિયર ડિયર” કરતાં કરતાં કિશિંગ ફિશિંગ કરવાનો મનસૂબો રાખે છે.  રમતિયાળ રજૂઆત, મઝાની વાર્તા.  

અડધા ગામનો ધણી (પ્રવીણસિંહ ચાવડા)

સમય સાથે બદલાતાં માણસો અને પિતરાઈ ભાઈઓ વચ્ચેની મૈત્રી એમ બે મુદ્દાઓ વિશે વાત.

આપણે ત્યાં જમીનનાં દસ્તાવેજમાં વારસદાર તરીકે એક સમયે કેવળ મોટા પુત્રનું નામ લખાતું હતું.  એ પ્રથાનો ગેરલાભ લઈને કુટુંબના અન્ય વારસદારોને રખડાવી મૂકવાની આજકાલ ચાલી રહેલી હીન પ્રવૃત્તિ પર આ વાર્તામાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત બે પિતરાઈ ભાઈઓ વચ્ચેની મૈત્રીની વાત હ્રદયસ્પર્શી છે.  

કોતરમાં રાત (હિમાંશી શેલત)

અનુઆધુનિક યુગનાં આ વરિષ્ઠ વાર્તાકાર સ્ત્રીસમસ્યાઓનું આલેખન કરવા માટે જાણીતાં છે. પ્રસ્તુત વાર્તાની રજૂઆતમાં એમણે બે પ્રયોગ કર્યા છે. એક,  વાર્તા દુષ્કર્મની ભોગ બનેલી બે મૃત કન્યાઓના પોઈંટ ઓફ વ્યૂથી રજૂ થઈ છે. અહીં બે મૃત કન્યાઓ વચ્ચે થતી વાતચીતમાં સંપૂર્ણ વાર્તા આકાર લે છે.  બીજો પ્રયોગ છે બોલીનો. દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયેલાં આ વાર્તાકારની વાર્તામાં લગભગ પહેલી જ વાર આ પ્રદેશની બોલીની હાજરી જણાઈ છે.    

માઝુ (વીનેશ અંતાણી)

એક દેવીની વ્યથાકથા.

ચીની દંતકથાના આધારે લખાયેલી આ વાર્તામાં દેવી માનવસ્વરુપ ધારણ કરીને પૃથ્વી પર અવતરી છે. સંકટમાં ફસાયેલાં અને એની મદદ ચાહનારા દરિયાખેડુઓની મદદ એ કરે છે પણ પ્રગટ થઈ ના શકવાની શરતના કારણે એ દુઃખી છે. એક નવયુવાન જોડે સુખદુઃખ વહેંચવાની એની ઈચ્છા અધૂરી જ રહી જાય છે.   

લિક્વિડ લાઉન્જ બાર (વર્ષા અડાલજા)

શ્રીમંતોની નવી પેઢી જેમને બધું સહેલાઈથી મળ્યું છે તેઓ સમાજસેવાની વ્યાખ્યા શું કરે છે તે વિશે કટાક્ષ. હાઈ-ફાઈ રેસ્ટોરાંમાં ખાણીપીણી અને લોંગ ડ્રાઈવમાં રચ્યાપચ્યા રહેતાં યુવાનો પહેલાં પૈસા કમાવવાનું આયોજન કરે છે ને પછી થઈ શકે તો સમાજસેવા કરવી એવી વાતો કરે છે. રસપ્રદ રજૂઆત. 

લીલા (વિશાલ ભાદાણી)

ફેન્ટેસી વાર્તા.

એક નવતર કલ્પનાઃ એક ભારતીય યુવાનના એક રોબોટ કન્યા જોડે લગ્ન.

પુત્રની ઈચ્છા પૂરી કરવાનું સ્વપ્નું ગુજરાતના એક ધનાઢ્ય ખેડૂતે સાકાર કર્યું. રોમાંચક વાર્તા.

--કિશોર પટેલ, 03-12-23 09:08

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

 

Saturday, 25 November 2023




 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ નવેમ્બર ૨૦૨૩

(૧૭૭ શબ્દો)

મુંબઈમાં પશ્ચિમના પરાં કાંદિવલીમાં બાલભારતી ખાતે દર મહિને ચોથા શનિવારે યોજાતા વાર્તાપઠનના કાર્યક્રમમાં આ વખતે અનોખો પ્રયોગ થયો. આધુનિક ટૂંકી વાર્તાયુગના એક મહત્વના વાર્તાકાર જયંત ખત્રીની એક જ દીર્ઘ વાર્તાનું પઠન થયું એના વિશે નિરિક્ષણો રજૂ થયાં.

જયંત ખત્રીની એક ઓછી ચર્ચાયેલી પણ અગત્યની વાર્તા “ઈશ્વર છે?” નું ભાવવાહી પઠન કર્યું બાલભારતીના મુખિયાશ્રી હેમાંગ તન્નાએ અને કોફીબ્રેક પછી વાર્તાકાર ખત્રી અને એમની આ વાર્તા વિશેનાં ઝીણવટભર્યાં નકશીદાર નિરિક્ષણો રજૂ કર્યાં એસએનડીટીના પ્રાધ્યાપક અને લોકકલા ભવાઈના અભ્યાસી ભાઈશ્રી કવિત પંડ્યાએ.   

સોનાચાંદીના દાગીના પર નકશીકામ કરનારો કારીગર ઈશ્વર ખોવાઈ જાય છે અને એના શોધકર્તાઓને એ ક્યાંય મળતો નથી. મળે છે ત્યારે ના મળ્યા બરાબર. એની હયાતિમાં એની કલાની કદર થતી નથી અને જ્યારે એની કદર થાય છે ત્યારે એ હયાત રહેતો નથી.

ઈશ્વર છે? જેવો પ્રશ્ન એક તરફ એના પિતા ચારે તરફ પૂછી રહ્યા છે ને બીજી તરફ સમગ્ર માનવજાતને રહી રહીને આ પ્રશ્ન થયા કરે છે કે ખરેખર ઈશ્વર છે? ઓછા પણ મરમી વાર્તારસિક શ્રોતામિત્રોની ઉપસ્થિતિમાં વાર્તાકળાના કસબી જયંત ખત્રીની સંઘેડાઉતાર વાર્તાની વિસ્તૃત ચર્ચા થઈ. પૈસાવસૂલ સાંજ.

--કિશોર પટેલ, 26-11-23 10:30

***

Tuesday, 21 November 2023

પરબ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

પરબ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૩૭૮ શબ્દો)

જીર્ણોધ્ધાર (ધર્મેશ ગાંધી)

અતિવૃષ્ટિના કારણે મંદિરને ખાસું નુકસાન થયું છે. ગ્રામજનો અને વહીવટી અમલદારો સહુ ઈચ્છે છે કે સલામત સ્થળે મંદિરનું સ્થળાંતર થાય. મંદિરના પૂજારી હઠ પકડીને બેઠા છે કે મંદિરનો પાયો મજબૂત છે, એ જ સ્થળે જીર્ણોધ્ધાર કરવો જોઈએ. સરકારી અમલદારની હેસિયતથી મીરાંએ જે તે સ્થળની જાતતપાસ કરીને નિર્ણય લેવાનો હતો કે મંદિરનાં સ્થળાંતરના હુકમ પર સહી કરવી કે નહીં.

એક તરફ મીરાં પૂજારી સાથે મંદિર તોડી પાડવાના મુદ્દે સંઘર્ષમાં ઉતરી છે અને સમાંતરે એના મનમાં સંઘર્ષ ચાલી રહ્યો છે કે મલ્હારે મોકલેલા છૂટાછેડાનાં કાગળિયાંમાં સહી કરવી કે નહીં.

બે સ્તરે ચાલતી સરસ વાર્તા. મીરાંના માનસિક સંઘર્ષનું સરસ આલેખન. આશાસ્પદ કલમ પાસેથી મળેલી સારી વાચનક્ષમ વાર્તા.  

થાપણ (નવીન દવે)

ગ્રામ્ય પરિવેશની વાત.

વેરશીએ મરતાં પહેલાં પોતાની ઘરવાળી બબુને થાપણ તરીકે મિત્ર ભોજાને સોંપી. ભોજાએ ન્યાતીલાઓ સામે સંઘર્ષ કરીને બબુનું રક્ષણ કર્યું હોત તો કંઈક વાત બની હોત. અહીં તો બબુ પોતે હિમંતપૂર્વક ન્યાતીલાઓના નિર્ણયના વિરોધ કરે છે. જો કે આ વાત વાર્તામાં હાઈલાઈટ થતી નથી. 

ઘણું બધું કહેવાની લ્હાયમાં વાર્તાકાર બિનજરુરી બેહિસાબ વિગતોમાં ઉતર્યા છે.

અતિવૃષ્ટિમાં નદીનાં પૂરમાં શ્રમિકોનાં ઝૂંપડા તણાઈ જવા = રૌદ્ર રસ, વરસાદમાં ભીંજાયેલી એક જુવાન દેખાવડી સ્ત્રીનાં દેહસૌંદર્યનું વર્ણન= શૃંગાર રસ, મેઘલી રાતે આવી મનમોહના સ્ત્રી હાથવગી હોવા છતાં સંયમ જાળવી રાખતો ભોજો= વીર રસ,   માર્ગઅકસ્માતમાં વેરશીનું મરણતોલ ઝખમી થવું= કરૂણ રસ, વેરશીના મૃત્યુ પછી એક જ મહિનામાં એની વિધવા બબુની ઈચ્છા જાણ્યા વિના જ એનું નાતરું કરાવી દેવાની ન્યાતીલાઓની ઉતાવળ= ન્યાતની જોહુકમી, બબુ જોડે પરણવા હોંશીલા યુવાનોની રસાકસી= હાસ્યરસ, સહુને બાજુએ હઠાવીને બબુ માટે ઉમેદવારી કરતા ખેંગારની  દાદાગીરી = ભયાનક રસ,  ખેંગારનું માંગુ નકારીને ભોજા માટે પસંદગી જાહેર કરતી બબુ = વીરરસ.

આમ નવલકથાનો વ્યાપ ધરાવતી વાર્તા. ગ્રામ્ય સંસ્કૃતિની એક ઝલક મળે છે એટલું એક જમા પાસું.

વાર્તાના પુનઃલેખન માટે એક સૂચનઃ

વિધવા થયેલી બબુના ભવિષ્યનો નિર્ણય લેવા ન્યાત બેઠી હોય ત્યાંથી વાર્તાનો ઉપાડ કરી શકાય. જરુરી વિગતો ફ્લેશબેકમાં ટૂંકમાં જણાવી શકાય. એમાં મુખ્ય પાત્રોનું પાત્રાલેખન થઈ જાય. ન્યાતના નિર્ણયને ફગાવી દઈ બબુ સહુની સામે ભોજાને પોતાની જોડે ઘર કરવાનો પ્રસ્તાવ આપે એવો અંત કરી શકાય.  ભોજાને વિધુર અથવા સિંગલ બતાવી શકાય. એઝ સિમ્પલ એઝ ધેટ.

કિશોર પટેલ, 22-11-23 08:31

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###