નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૪૦૪ શબ્દો)
કિશિંગ (મધુ રાય)
ટૂંકી વાર્તાના
આધુનિક યુગના આ મહત્વના અને વરિષ્ઠ વાર્તાકાર શૈલીમાં પ્રયોગો કરવા માટે જાણીતા
છે. પ્રસ્તુત વાર્તાની રજૂઆતમાં એક નવતર પ્રયોગ થયો છે. કથકની બોલી એમણે અંગ્રેજી
મિડિયમમાં ભણેલાં ગુજરાતી નાગરિકોની રાખી છે.
હવાઈ મુસાફરી
દરમિયાન વિમાની કંપનીઓ તરફથી વપરાશ માટે મળતી દૈનંદિન જરુરિયાતોની ચીજવસ્તુઓ
ઘરભેગી કરવાની ગુજરાતી પ્રવાસીઓની લાક્ષણિકતાનું અહીં વાર્તાનાયક હરિભાઈ (કદાચ લેખકનું
એક ચિરંજીવ પાત્ર હરિયો) ની વર્તુણૂક દ્વારા નિરુપણ થયું છે. વિદેશીઓના વાદે ચડીને
હરિભાઈ પણ પોતાની ધર્મપત્ની જોડે “ડિયર ડિયર” કરતાં કરતાં કિશિંગ ફિશિંગ કરવાનો
મનસૂબો રાખે છે. રમતિયાળ રજૂઆત, મઝાની
વાર્તા.
અડધા ગામનો ધણી (પ્રવીણસિંહ ચાવડા)
સમય સાથે બદલાતાં
માણસો અને પિતરાઈ ભાઈઓ વચ્ચેની મૈત્રી એમ બે મુદ્દાઓ વિશે વાત.
આપણે ત્યાં જમીનનાં
દસ્તાવેજમાં વારસદાર તરીકે એક સમયે કેવળ મોટા પુત્રનું નામ લખાતું હતું. એ પ્રથાનો ગેરલાભ લઈને કુટુંબના અન્ય
વારસદારોને રખડાવી મૂકવાની આજકાલ ચાલી રહેલી હીન પ્રવૃત્તિ પર આ વાર્તામાં પ્રકાશ
પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત બે પિતરાઈ ભાઈઓ વચ્ચેની મૈત્રીની વાત હ્રદયસ્પર્શી છે.
કોતરમાં રાત (હિમાંશી શેલત)
અનુઆધુનિક યુગનાં આ વરિષ્ઠ
વાર્તાકાર સ્ત્રીસમસ્યાઓનું આલેખન કરવા માટે જાણીતાં છે. પ્રસ્તુત વાર્તાની
રજૂઆતમાં એમણે બે પ્રયોગ કર્યા છે. એક,
વાર્તા દુષ્કર્મની ભોગ બનેલી બે મૃત કન્યાઓના પોઈંટ ઓફ વ્યૂથી રજૂ થઈ છે.
અહીં બે મૃત કન્યાઓ વચ્ચે થતી વાતચીતમાં સંપૂર્ણ વાર્તા આકાર લે છે. બીજો પ્રયોગ છે બોલીનો. દક્ષિણ ગુજરાતમાં
સ્થાયી થયેલાં આ વાર્તાકારની વાર્તામાં લગભગ પહેલી જ વાર આ પ્રદેશની બોલીની હાજરી
જણાઈ છે.
માઝુ (વીનેશ અંતાણી)
એક દેવીની વ્યથાકથા.
ચીની દંતકથાના આધારે
લખાયેલી આ વાર્તામાં દેવી માનવસ્વરુપ ધારણ કરીને પૃથ્વી પર અવતરી છે. સંકટમાં ફસાયેલાં
અને એની મદદ ચાહનારા દરિયાખેડુઓની મદદ એ કરે છે પણ પ્રગટ થઈ ના શકવાની શરતના કારણે
એ દુઃખી છે. એક નવયુવાન જોડે સુખદુઃખ વહેંચવાની એની ઈચ્છા અધૂરી જ રહી જાય છે.
લિક્વિડ લાઉન્જ બાર (વર્ષા અડાલજા)
શ્રીમંતોની નવી પેઢી
જેમને બધું સહેલાઈથી મળ્યું છે તેઓ સમાજસેવાની વ્યાખ્યા શું કરે છે તે વિશે
કટાક્ષ. હાઈ-ફાઈ રેસ્ટોરાંમાં ખાણીપીણી અને લોંગ ડ્રાઈવમાં રચ્યાપચ્યા રહેતાં
યુવાનો પહેલાં પૈસા કમાવવાનું આયોજન કરે છે ને પછી થઈ શકે તો સમાજસેવા કરવી એવી
વાતો કરે છે. રસપ્રદ રજૂઆત.
લીલા (વિશાલ ભાદાણી)
ફેન્ટેસી વાર્તા.
એક નવતર કલ્પનાઃ એક
ભારતીય યુવાનના એક રોબોટ કન્યા જોડે લગ્ન.
પુત્રની ઈચ્છા પૂરી
કરવાનું સ્વપ્નું ગુજરાતના એક ધનાઢ્ય ખેડૂતે સાકાર કર્યું. રોમાંચક વાર્તા.
--કિશોર પટેલ, 03-12-23
09:08
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment