એતદ એપ્રિલ-જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૭૯૦ શબ્દો)
હવેલી (અજય સોની): સંબંધવિચ્છેદની વાર્તા. પત્ની પોતાને અનુરૂપ ના
હોવાથી પતિએ ત્યજી દીધી. પતિથી અલગ થઇ ત્યારે નાયિકા ઘર અને સાસુ બંનેથી અલગ થઇ
હતી. સ્થૂળ અર્થમાં બીજે રહેવા ગયા પછી પણ નાયિકાને પતિગૃહનું વળગણ રહ્યું છે. એ પોતે
હવેલીની અંદરથી ભલે નીકળી ગઇ હોય, પોતાની અંદરથી હવેલીને એ બહાર કાઢી શકી નથી.
સારી વાર્તા.
ઉપર રહેતી સ્ત્રી (ધર્મેશ ગાંધી): એકલી રહેતી આધુનિક સ્ત્રીના ચારિત્ર્ય વિષે સમાજ હંમેશા શંકા કરતો આવ્યો છે. એની જીવનશૈલીની પણ હંમેશા ટીકા થતી આવી છે. સોસાયટીમાં
રહેતી એવી એક સ્ત્રી જોડે તુલના કર્યા પછી નાયિકાને ખ્યાલ આવે છે કે પોતાની જિંદગી
કેટલી નીરસ અને શુષ્ક છે. એક તરફ એનું જાગ્રત મન એ સ્ત્રીની નિંદા કરતું રહે છે
અને બીજી તરફ એનું અજાગ્રત મન એ જ સ્ત્રીની મૈત્રી ઝંખતું રહે છે. મનોવૈજ્ઞાનિક આટાપાટાની
સરસ વાર્તા.
સ્કૂલ (અભિમન્યુ આચાર્ય): માનસિક અસ્વસ્થતાની વાત. મેઘનાને તીણા કર્કશ
અવાજોથી તકલીફ થાય છે. એની ઈચ્છા પ્રમાણે, યોજના પ્રમાણે, મનગમતી રીતે કામ ના થાય
ત્યારે એને તકલીફ થાય છે, એ અસુરક્ષા અનુભવે છે. આસપાસના સહુ મળીને એનું અહિત
કરવાનાં છે એવી એને ભ્રમણા થાય છે.
એની આ માનસિક તકલીફનું કદાચ નિદાન થયું છે પણ ઉપચાર થયો નથી. વાર્તાના પ્રારંભમાં જ કહેવાય છે: “...સ્કુલ સારી જગ્યા છે.
બાળકો સાથે રહેવા મળશે. મઝા આવશે...” સ્કુલ જેવી જગ્યામાં નોકરી કરવી એ કદાચ મેઘનાની
થેરેપીનો એક ભાગ હતો. માનસિક દર્દીઓની
સારવારમાં આસપાસના લોકોનું વર્તન મહત્વનો ભાગ ભજવે છે. ઘરમાં મેઘનાનો પતિ અને એની
દીકરી તો એને સાચવી લે છે પણ બહારની દુનિયા ઘણી જાલિમ હોય છે.
જોવામાં આવ્યું છે કે આવા દર્દીઓ માનસિક રોગોના નિષ્ણાત પાસે
જતાં નથી અને મિત્રો-સ્વજનો સૂચવે તેવા ઘરગથ્થુ ઉપાયો કરતાં હોય છે. મેઘના સાથે
એવું બન્યું હોઇ શકે. “સ્કુલની નોકરી સારી” એવી મફતિયા સલાહો આપનારાઓને દર્દીની
માનસિક બીમારી અંગે સાચો ખ્યાલ હોતો નથી. મેઘનાની તકલીફ સ્કુલના છોકરાંના કારણે
વધી ગઇ છે. “હવા દેખાતી નથી પણ એનું વજન
હોય છે.” એવું વાર્તાની શરૂઆતમાં મેઘના વિદ્યાર્થીઓને સમજાવે છે. વાર્તાના અંતમાં
વડ તરફ દોડી જતી મેઘના ન દેખાતી હવાનું વજન અનુભવે છે. સારી વાર્તા.
રીત (હરીશ મહુવાકર): પહાડી પ્રદેશમાં ટ્રેકિંગ માટે ગયેલા ચાર યુવાનો મેટ્રો શહેરમાં ઉછર્યા છે. બાળપણમાં એમની માતાઓ દ્વારા
કહેવાતી પુરાણોની કે પંચતંત્રની વાર્તાઓમાં એમને રસ પડતો ન હતો. પહેલી વાર
પ્રાકૃતિક સૌંદર્ય જોઇને બેહોશીમાં યુવાનો ભાન ભૂલ્યા અને અકસ્માતનો ભોગ બન્યાં. આવા
કિસ્સાઓ આપણા દેશમાં તેમ જ અન્યત્ર પણ બનતાં હોય છે. સારી વાર્તા.
સ્નાન કરી લો (ઉષા ઉપાધ્યાય): લિંગભેદની વાર્તા. મધ્યમ વર્ગની સ્ત્રીને આર્થિક
તંગી કરતાં પણ વધારે પોતાનાથી ઓછું કમાતા પતિના ઘવાયેલા અહમના કારણે સહન કરવું પડે
છે. સવિતાએ પતિ કરતાં વધુ આવકની નોકરી કરીને ઘર તો સાચવ્યું ઉપરાંત સહુ સંતાનોને
પણ ઠેકાણે પાડ્યા છતાં પતિ તરફથી એની કદર ક્યારેય થઇ નહીં.
બે વિશિષ્ટ વાર્તાઓ (ધર્મેન્દ્ર ત્રિવેદી અને સૌમિલ
ત્રિવેદી): એક સંવેદન બે અભિવ્યક્તિ.
બંને વાર્તાઓ હ્રદયસ્પર્શી બની છે. એકમાં પિતા જોડેની
સ્મૃતિ છે તો બીજામાં માતા જોડેની સ્મૃતિ. બંને વાર્તાઓમાં કથન બાળકની દ્રષ્ટિએ
થયું છે. બાળમાનસના મનોભાવોનું આલેખન પ્રતીતિજનક થયું છે. સામે પક્ષે ટૂંકી આવકના
કારણે બાળસહજ સામાન્ય માંગણીઓ પણ પૂરી કરવાનું જયારે અશક્ય થઇ જાય ત્યારે માવતર પર
શું વીતતું હશે તેની અહીં ઝલક મળે છે. પિતા નોકરીમાંથી કોઇક કારણસર સસ્પેન્ડ થયા છે. સ્વાભાવિક છે કે
આવકમાં ગાબડું પડ્યું છે. વળી નાનકડા બાળકને આ સસ્પેન્શન એટલે શું એ પણ કેવી રીતે
સમજાવવું? એ જ પ્રમાણે પતિ-પત્નીની
સહિયારી આવક પણ જ્યાં ટૂંકી પડતી હોય ત્યારે બાળકની બરફનો ગોળો ખાવા જેવી નાનકડી
માંગણી પૂરી કરવાનું પણ કોઇ સ્ત્રી માટે કઇ રીતે શક્ય બને?
‘ઉનાળો’ વાર્તામાં સ્લીપરની લબડતી પટ્ટી અને ઢીલી ચડ્ડીનું
વર્ણન જેટલું વાસ્તવિક છે એટલું રમૂજી પણ છે. એ જ રીતે ‘જેતલસર જંકશન’ વાર્તામાં
જેતલસર જંકશને પહોંચવાની કથાનાયકની ઉતાવળ સ્વાભાવિક અને વાસ્તવિક લાગે છે.
બંને વાર્તાઓના અંત સમાન છે. બંને બાળકો મોટાં થઇ ગયા છે,
બંનેએ આર્થિક અને સામાજિક રીતે પ્રગતિ કરી છે. નાનપણમાં જે વસ્તુઓ બાળકોને ખરીદીને
આપવી માવતર માટે આકાશકુસુમવત હતી એ હવે મોટપણે બાળકોને પોતાને સહજપ્રાપ્ય હોવાં
છતાં એ ખરીદીને બાળકોને ભેટરૂપે આપવી એમાં માવતરનો સ્નેહ તો છે જ એ ઉપરાંત વીતેલાં
દિવસોની ભરપાઇ પણ છે. નોંધવાની વાત એ છે કે કોઇ કરતાં કોઇ પોતાનાં જૂનાં દિવસો
ભૂલ્યું નથી. સરસ વાર્તાનુભૂતિ.
હીરાબાઈ (પારુલ ખખ્ખર): દેવસ્થાને દર્શને ગયેલા ક્થકને પૂજાનો સામાન વેચતી
એક દુકાનદાર સ્ત્રીમાં બાળપણની એક સખી મળી જાય છે. કથક ભૂતકાળમાં સરી જાય છે. હીરાબાઈએ
ઉંમરમાં વીસ વર્ષ મોટા પરધર્મી આદમી સાથે સંસાર માંડીને એના નમાયા પાંચ બાળકોને
માતાનો પ્રેમ આપેલો. હીરાબાઇનું કોઈ સ્વજન ન હતું. ક્યાંક ઠેકાણું પડે એવી ઉમેદ
સાથે કદાચ એણે એવા મોટી ઉંમરના આદમી જોડે સંસાર માંડ્યો હશે. આપણા દેશમાં આ રીતે
સંબંધો જોડાતાં હોય છે. આ હીરાબાઈને શું મળ્યું? પહેલાં પણ એનું કોઇ સ્વજન ન હતું,
આટલાં વર્ષે, આટલું કર્યા પછી પણ કોઇ નથી! પેલો આદમી પરલોક ચાલી ગયો અને એનાં
પાંચે પાંચ સંતાનો પણ પાંખ આવતાં પરદેશ ઊડી ગયાં! મરાઠી ભાષાની એક કવિતાના આધારે
રચાયેલી આ વાર્તા જીવનની કડવી વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે.
--કિશોર પટેલ, 02-08-21; 12:58
###
પોસ્ટ કર્યું: ફેસબુક વોલ પર, વા રે વા ગ્રુપમાં અને બ્લોગ
પર: 03-08-21; 10:29
No comments:
Post a Comment