કુમાર જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે
(૩૮૫ શબ્દો)
ના, હવે રેખા નહીં, નિયતિ! (રમેશ ર. દવે):
જન્મદાતા પિતા દ્વારા દીકરી પર બળાત્કારની ઘટના પર પ્રકાશ. ઘસાતાં
જતાં નૈતિક મૂલ્યો અંગે ચેતવણી.
સંઘર્ષ વિનાની વાર્તા એટલે અ-વાર્તા. હા, આ વાર્તામાં
સંઘર્ષ નામમાત્રનો નથી. જીવન આટલું સરળ હોય તો બીજું શું જોઇએ? આ વાર્તા અતિશય સારાપણાથી
પીડાય છે.
પિતા દ્વારા બળાત્કારનો ભોગ બનેલી રેખા આત્મહત્યાના ઇરાદે
નહેરમાં ઝંપલાવે છે. ઘટનાના સાક્ષી નવીનભાઇ એને બચાવી લે છે. તેઓ એને પોતાને ઘેર
લઇ જાય છે, નવું નામ આપે છે, દત્તક લે છે. કોલેજમાં દાખલ કરાવે છે, દ્વિચક્રી વાહન
લઇ આપે છે, વારસદાર નીમે છે!
કોઇ સંવેદનશીલ માણસ આવું કરે એ હજી સમજી શકાય પણ એક નિવૃત્ત
ન્યાયાધીશ પાસેથી થોડાંક સમતોલ વર્તનની અપેક્ષા રહે. નવીનભાઇએ રેખા પાસે પોલીસમાં બળાત્કારી
પિતા વિરુદ્ધ ફરિયાદ લખાવવાનો આગ્રહ રાખવો જોઈતો હતો. રેખાનું કાઉન્સેલિંગ ના
કરાવતાં કે સ્ત્રીઓ માટે કામ કરતી સંસ્થા પાસે એની સોંપણી ના કરતાં નવીનભાઇ એને પોતાને
ઘેર રાખી લે છે, એને વિધિસર દત્તક લઇ લે છે. આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે
નવીનભાઇની વિદેશવાસી દીકરી વંદના પણ આગ્રહ રાખે છે કે રેખાને વારસાહક મળે!
કમસેકમ દીકરી વંદનાએ તો વિરોધ કર્યો હોત! પાડોશીઓએ જુવાન
છોકરીને જોઇને નવીનભાઇની વગોવણી કરી હોત! ઘરમાં કામ કરવા આવતી બાઇ કામ છોડી જતી
રહી હોત! ધરમ કરતાં ધાડ પડી એવું વિચારી નવીનભાઇની ઊંઘ હરામ થઇ ગઇ હોત! વિદેશ વસતી
દીકરીનો ફોન આવ્યો હોત: “પપ્પા, આ હું શું સાંભળું છું?” કમનસીબે આવું કશું જ થતું નથી અને વાર્તા સપાટ
રહી જાય છે.
કોલેજની પ્રિન્સીપાલ અને એક સંસ્થાની સંચાલિકા એમ બે બહેનો પણ
પોતાની બુદ્ધિ વાપર્યા વિના નવીનભાઇના ઈશારે એમનું કહ્યું કામ કરી આપે છે. આમ પીડિતા
રેખા સિવાય એક પણ પાત્રના પાત્રાલેખનમાં ભલીવાર નથી.
નીવડેલા વરિષ્ઠ લેખક પાસેથી મળેલી ભૂલી જવા જેવી સામાન્ય
રચના.
કંકુચોખા (રેણુકા દવે):
અતડા સ્વભાવની સ્ત્રીનો સફળ ઇલાજ.
નાની બહેન વસુધા અભ્યાસમાં તેજસ્વી અને દેખાવે આકર્ષક હતી એટલે
મોટી બહેન સુધા લઘુતાગ્રંથિનો શિકાર બની. એનો સ્વભાવ અતડો બન્યો. જેમ ઉંમર વધતી ગઇ
એમ સ્વભાવ વધુ અતડો થતો ગયો. સુધાબહેનનો સ્વભાવ એટલો વિચિત્ર થઇ ગયો કે ઘરમાં કોઇ
મહેમાન આવે એ ગમે નહીં. ઉંમરલાયક રેશમા માટે સ્થળ દેખાડતાં દિયર-દેરાણીને પણ
સુધાબહેન જાકારો આપી દે છે!
મદદે આવે છે રેશમાની બે બહેનપણીઓ. એમની એક યુક્તિથી સહુ
સારાં વાના થાય છે. રેશમાના કાકા-કાકીએ પસંદ કરેલા યુવક જોડે રેશમાના વિવાહ
સફળતાપૂર્વક ગોઠવાય છે.
કંકુ-ચોખાનું રહસ્ય ગોપિત રાખીને ભાવકો માટે મેદાન થોડુંક
મોકળું રાખી શકાયું હોત. ખેર, એકંદરે સારી વાર્તા.
--કિશોર પટેલ, 12-08-21; 20:00
###
No comments:
Post a Comment