જલારામદીપ મે ૨૦૨૦
અંકની વાતાઓ વિષે:
(૬૯૩ શબ્દો)
આ અંકમાં એક પ્રયોગાત્મક વાર્તા છે અને એક વિવાદાસ્પદ વાર્તા
છે. પ્રયોગાત્મક વાર્તાથી શરૂઆત કરીએ.
શયનેષુ રંભા (વિનોદ ગાંધી) :
જાહેર બગીચામાં બાંકડા પર બેઠેલા વાચક જોડે કથક સંવાદ શરુ
કરે છે. ઔપચારિક વાતો પછી કથક વાચક પર આરોપ મૂકે છે કે મારી પત્નીને તું ભગાડી ગયો
તેને મારી પાસે પાછી મોકલી દે. આ લાંબુ ચાલે છે. પછી તો એક દિવસ કથક જેનો દાવો કરે
છે એ વાચકની પત્ની બગીચામાં આવે છે. હવે કથકને એનામાં રસ નથી. એને બીજી સ્ત્રીમાં
રસ છે. અજબગજબ સમીકરણો રચાય છે.
માણસ માત્ર પ્રકૃતિએ બહુગામી (polygamous) હોય છે એ સિધ્ધાંત પર રચાયેલી એક હળવી શૈલીની સરસ
પ્રયોગાત્મક વાર્તા.
આ રીતે અવાય? (દશરથ પરમાર ) : શહેરી રીતભાતથી અજાણ અને ભોળા સ્વભાવનો ગામડિયો
ભૂરો અને એના એકપક્ષી પ્રેમનું કેન્દ્ર બાળપણની ભેરુ શોભના. શોભના પરણીને સારા ઘરમાં
સ્થિર થઇ છે જયારે ભૂરો જીવનમાં બધાં મોરચે નિષ્ફળ થઇને પાયમાલ થયેલો છે. આમ છતાં
કોણ જાણે કેમ ભૂરો શોભના પાસે પ્રેમનો એકરાર કરવા બેબાકળો બન્યો છે. બે વાર એ
શોભનાના ઘરની મુલાકાત લે છે, પહેલી વાર તો એ શોભનાના હાથની ચા પામે છે પણ એના
હૈયાની વાત હોઠે આવતી નથી અને બીજી વાર એ હિંમત કરે છે ત્યારે શોભના સુધી તો
પહોંચતો નથી પણ ઉલટાનું સોસાયટીના પુરુષોનો માર ખાવાનો વારો આવે છે. કશું જ ના
જાણતી શોભનાને પ્રશ્ન થાય છે: આ રીતે અવાય? કટાક્ષમય ભાષામાં સારી રજૂઆત.
માતા અને પુત્રના સ્નેહસંબંધની બે વાર્તાઓ છે. “મરદ માણસ”
અને “માનું હૈયું”.
મરદ માણસ (અર્જુનસિંહ રાઉલજી) : જયારે એક ન્યાયાધીશ પોતાને જ આરોપીના પિંજરામાં
ઊભેલો જુએ. સારી વાર્તા. ચમત્કૃતિભર્યો અંત.
માનું હૈયું (ડો. વિરંચિ ત્રિવેદી) : બોધકથા. એક માતાની સંતાન પ્રત્યેની લાગણી વૈશ્વિક
હોય છે એને દેશની, ધર્મની કે ભાષાની સરહદ નડતી નથી.
સમજ (સતીશ વૈષ્ણવ) : એક વહેમી સ્વભાવની સ્ત્રીની ઘટનાપ્રચુર દીર્ઘ
કરુણાંતિકા. થંભી ગયેલો સમય (પ્રજ્ઞા પટેલ) : વિજાતીય મૈત્રીસંબંધને સમાજ કાયમ શંકાની નજરે જોતો આવ્યો છે. લોકોપવાદના ડરથી આવા
એક સંબંધ પર નાયિકા પૂર્ણવિરામ મૂકી દે છે. નાયિકાના આ પગલાં સાથે વાર્તામાં કોઇ
શક્યતા બાકી રહેતી નથી. અંત વિષે અન્ય સંભાવનાઓ તપાસવાની જરૂર હતી. સંગાથ (ધરમાભાઇ શ્રીમાળી) : સમસ્યાથી
ઘેરાયેલો માણસ ક્યાંક ઉકેલ મળશે એવું દેખાય તો ડૂબતાંને તણખલાનો સહારો એ રીતે પાછળ
પડી જાય. કર્કશા પત્નીથી કંટાળેલા એક
આદમીની વાત. રસપ્રદ રજૂઆત. ગ્રામ્ય બોલીનો સારો પ્રયોગ. ડચૂરો (કનુ આચાર્ય) :
મૂંગી અને માનસિક અસ્થિર છોકરી અને એની માતાના સ્નેહસંબંધની વાત. ઈશ્વર પેટલીકરની
બહુખ્યાત વાર્તા ‘લોહીની સગાઈ’ ની યાદ અપાવે એવાં જ પાત્રો, ઘટનાક્રમ અને
અંત.
“સમયનાં તાણાવાણા” એક વિવાદાસ્પદ વાર્તા છે.
સમયનાં તાણાવાણા (ડો. કુમાર જૈમીની શાસ્ત્રી) : આ વાર્તામાં લેખક શું કહેવા માંગે છે? લાગણી કરતાં
પૈસા મહત્વનાં છે? આ વાર્તાનો સૂર તો કંઇક એવો જ નીકળે છે.
પિતાની ઈચ્છા વિરુદ્ધ સુષ્માએ મનગમતા યુવક જોડે લગ્ન કર્યા.
પિતાએ દીકરી જોડેના સંબંધ સમાપ્ત કરી દીધાં.
સુષ્મા પોતાના પતિ સાથે માઈલો દૂર બીજા શહેરમાં ઘર વસાવે છે, સ્વતંત્ર
કારકિર્દી બનાવે છે. આ પચીસ વર્ષમાં દીકરી કે પિતા બેમાંથી કોઈએ એકબીજાની ખબર લીધી નથી. પચીસ
વર્ષે સુષ્માને મરણપથારીએ પડેલા પિતાનો એક પત્ર મળે છે.
પત્ર વાંચ્યા પછી: ૧. પચીસ વર્ષો સુધી નાયિકાએ ચણેલા અહમનો પહાડ
પૂરેપૂરો ધોવાઇ જાય છે. ૨. શોકના પ્રસંગે
શ્વેત વસ્ત્રો ધારણ કરવા એટલે દંભ કરવો પહેરવાં એવું માનતી નાયિકા પિતાના મૃત્યુની
જાણ થતાં શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. ૩. સુષ્માના પિતાનો પત્ર વાંચીને સુષ્માનો
પતિ સુહાસ રડી પડે છે. એ બોલે છે: “ડેડી
ઈઝ યુનિક!”
પત્રમાં એવું શું લખ્યું હતું સુષ્માના પિતાએ?
સુષ્માના પિતાએ માફી નથી માંગી. એણે તો દીકરીને સ્પષ્ટ
જણાવ્યું હતું કે આપણા અબોલા કાયમ છે. એમ પણ કહે છે કે એ જીવે ત્યાં સુધી એણે પિતૃગૃહે
પગ નહીં મૂકવો.
તો પછી દીકરી-જમાઈનો સુષ્માના પિતા માટેનો અભિપ્રાય કેમ બદલાઈ જાય છે?
સુષમાના દાદાએ સુષ્મા માટે અમુક રકમ બેન્કમાં ફિક્સ
ડિપોઝીટમાં મૂકી ગયેલા જે વ્યાજ સાથે વધીને પચીસ લાખ થઇ. પત્ર સાથે એ રૂપિયા પચીસ
લાખનો ચેક બીડેલો હતો!
પિતાએ દીકરીની ઈચ્છાને માન આપ્યું નથી, પોતે દીકરી પ્રત્યે કરેલાં
અન્યાયની માફી નથી માંગી; કેવળ સુષ્માના દાદાએ પૌત્રી માટે મૂકેલી મૂડી વ્યાજ સાથે
સુપરત કરી છે.
આમાં એ માણસે શું કમાલ કરી? એ પૈસા તો એ ના ઈચ્છતા હોય તો
પણ કાયદેસર દીકરીને જ મળવાના હતા! અને ધારો કે પોતાની સંપત્તિમાંથી એમણે પચીસ લાખ
આપ્યાં હોય તો પણ શું?
શું માનવીય મૂલ્યો વિષે લેખક એક નવી વિચારધારા રજૂ કરે છે? શું
માનવીય લાગણી કરતાં રૂપિયો-પૈસો વધુ અગત્યનાં છે? વિવાદાસ્પદ વાર્તા.
###
કિશોર પટેલ; મંગળવાર, 26 મે 2020; 7:49 ઉત્તર મધ્યાહ્ન
No comments:
Post a Comment