Sunday, 28 January 2024

દાસ્તાનગોઈ ૨૮ જાન્યુઆરી ૨૦૨૪



 

દાસ્તાનગોઈ ૨૮ જાન્યુઆરી ૨૦૨૪

(૩૦૨ શબ્દો)

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વરિષ્ઠ નાગરિક પરિવાર, દહિસરના સહયોગથી આયોજિત કેટલીક નોંધપાત્ર ગુજરાતી ટૂંકી વાર્તાઓની ઉર્દુ કથાકથન શૈલીમાં આગવી પ્રસ્તુતિ રજૂ થઈ રવિવાર તા. ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ ની સાંજે બીએમસી હોલ, મનન બિલ્ડિંગની સામે, સાંજી હોટેલની બાજુમાં દહિંસર પૂર્વ ખાતે.

લગભગ સવાસો-દોઢસો જેટલા શ્રોતાઓની હાજરીથી સભાગૃહ ભર્યુંભર્યું લાગતું હતું. સાહિત્યના કાર્યક્રમોમાં આટલી મોટી સંખ્યામાં હાજરી સામાન્ય રીતે હોતી નથી. અહીં આ ચમત્કાર થયો યજમાન સહયોગી સંસ્થા “વરિષ્ઠ નાગરિક પરિવાર”ને કારણે.

કાર્યક્રમમાં રજૂ થયેલી વાર્તાઓ હતીઃ ગુજરાતી સાહિત્યનાં ગાંધીયુગનાં પ્રસિધ્ધ વાર્તાકારો ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા અને પન્નાલાલ પટેલની. આ સાથે બે વાર્તાઓ આજના વાર્તાકારોની પણ હતીઃ દિલીપ રાવલ અને અજય ઓઝાની.

વાર્તાપઠનના અનેક કાર્યક્રમોમાં આ લખનારે હાજરી આપી છે તેમ જ અનેક વાર એમને પોતાની વાર્તાનું પઠન કરવાની તક પણ મળી છે. પણ “દાસ્તાનગોઈ” શૈલીના કાર્યક્રમમાં હાજરી આપવાની તક એમને પહેલી વાર મળી.

વાર્તાપઠનમાં સામાન્ય રીતે વાર્તાકાર પોતે જ પોતાની વાર્તાની રજૂઆત કરતો હોય છે. આ દાસ્તાનગોઈમાં નીવડેલા અને જાણીતા વાર્તાકારોની વાર્તાની રજૂઆત વાર્તાકાર દ્વારા નહીં પણ રંગભૂમિના નીવડેલા કલાકાર દ્વારા થતી હોય છે.

દાસ્તાનગોઈની બીજી વિશેષતા એ કે રજૂઆતકર્તા કલાકાર હાથમાં સ્ક્રીપ્ટ પકડીને વાર્તા વાંચીને રજૂ નથી કરતો પણ સંપૂર્ણ વાર્તા કોઈ સ્ક્રીપ્ટ વિના એટલે કે મોઢે કરીને હાવભાવ સહિત રજૂ કરતો હોય છે. પહેલાંના સમયમાં કથાકારો ગામડે ગામડે ફરતા રહીને વાર્તાની રજૂઆત કરતા એમ.

રવિવાર તા ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ની સાંજે એક અપવાદ સિવાય બધી વાર્તાઓ આ રીતે રજૂ થઈ. આ રીતની રજૂઆતમાં કલાકારનો શ્રોતા જોડે સીધો સંવાદ થાય છે પરિણામે વાર્તા ભાવકને સારી રીતે સ્પર્શી જતી અનુભવાય છે. ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ અને અજય ઓઝાની વાર્તાઓ (આ જ ક્રમમાં નહીં)  સેજલ પોન્દા, અલ્પેશ દિક્ષિત, પ્રિયમ જાની અને મેહુલ બૂચ દ્વારા સુંદર અને અસરકારક રીતે રજૂ થઈ.  કાર્યક્રમના પ્રારંભમાં દિલીપ રાવલે સ્વલિખિત વાર્તા રજૂ કરી.      

કાર્યક્રમનું સુઆયોજિત સંચાલન કર્યું જાણીતા કવિ સંજય પંડ્યાએ.

એક યાદગાર સાંજ.

--કિશોર પટેલ, 28-01-24 20:58

* * *

Sunday, 21 January 2024

પરબ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તા વિશે નોંધ



 પરબ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તા વિશે નોંધ

(૨૦૭ શબ્દો)

મી ટુ (ઉમા ચક્રવર્તી)

બદલાકથા એટલે કે રિવેન્જ સ્ટોરી.

ઉચ્ચ અભ્યાસ માટે નાયિકા વિદેશ જવાની છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત હોય એવી ક્ષણોમાં એની પરિચિત એક નહીં પણ બબ્બે વ્યક્તિનાં અપમૃત્યુ થઈ જાય છે. એક નાયિકાના મહાનિબંધના માર્ગદર્શક ડો. મજમુદારનું અને બીજું નાયિકાનાં પિતાના દૂરના મોટાભાઈ ઈન્દ્રજીતનું. બંનેની કરપીણ હત્યા થઈ છે. બંને કિસ્સામાં હત્યારાએ પોતાની પાછળ કોઈ સગડ છોડ્યા નથી.    

નાયિકા એ બંને જોડેની સ્મૃતિનું વર્ણન કરે છે. બંનેએ નાયિકાનું જાતીય શોષણ કર્યું છે, પિતાના મોટાભાઈએ નાયિકાનાં બાળપણમાં અને પ્રો. મજમુદારે નાયિકાની યુવાનીમાં.

સંપૂર્ણ વાર્તા પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ રજૂ થાય છે. બંને અપમૃત્યુ માટે જાણે કોઈ ત્રાહિત વ્યક્તિ જવાબદાર હોય એમ રજૂઆત થાય છે. જો કે એ હત્યાઓ કોણે કરી હશે એ ઓળખી કાઢવું તદ્દન સરળ છે.

વાર્તાનું શીર્ષક સૂચક અને અર્થપૂર્ણ છે.

નવોદિત લેખકોના હાથે થાય એવી એક કરતાં વધુ ભૂલો વાર્તામાં છે. ઘણાં વાક્યમાં કર્તા અદ્રશ્ય છે. અનેક ઠેકાણે એકસાથે બબ્બે આશ્ચર્યચિહ્નો મૂકાયાં છે. કેટલેક ઠેકાણે વળી પ્રશ્નાર્થચિહ્ન અને આશ્ચર્યચિહ્ન ભેગાં મૂકાયાં છે. 

--કિશોર પટેલ, 22-01-24 09:46

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

Monday, 8 January 2024

નવચેતન નવેમ્બર ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

 


નવચેતન નવેમ્બર ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૪૫૨ શબ્દો)

અમર તરુ (ગિરા પિનાકિન ભટ્ટ)

પિયરનો વડલો.

સ્વજનોને સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં કોઈને જાણ કર્યા વિના નાયિકા પિયરની વાટ પકડે છે. મોડી રાતે લાંબા રસ્તે કોઈ વાહન ના મળતાં સામાન સાથે એ મૂંઝાય છે. અણીના વખતે ગામનો ઘોડાગાડીવાળો ખાલી ગાડી સાથે મળી જતાં એ હેમખેમ પિયર પહોંચે છે. નિર્ધન ઘોડાગાડીવાળો ભાડું લેવાનો ઈનકાર કરીને નાયિકાના વડીલની ભૂમિકા અદા કરે છે. આમ વડ-પીપળાની જેમ આ ગાડીવાન અમર તરુ સાબિત થાય છે.

નાયિકાના મનોભાવોનું સરસ આલેખન. ગાડીવાનની માયામમતા હ્રદયસ્પર્શી. માનવીય સંવેદનાસભર સરસ વાર્તા.    

ટાઢી માટી (ડો. પિનાકિન દવે)

મુસ્લિમ ધર્મમાં મૃતદેહને  દફનાવ્યા બાદ સહુ સ્વજનો કબર એક એક મુઠ્ઠી માટી અર્પણ કરે તેને “ટાઢી માટી” કરી કહેવાય છે.

આખી જિંદગી કોઈની જોડે જેને ફાવ્યું નહીં એવા એકલવાયા બદરુને વિદાય આપવા આખું ગામ ભેગું થાય છે.  દુઃખદર્દથી પીડાતા બદરુનું મૃત્યુ ઝટ આવે એવી પ્રાર્થના સહુ કરી અને છેવટે એમ જ થઈને રહ્યું.

પ્રસ્તુત વાર્તા એક એકલવાયા પાત્રનો પરિચય કરાવે છે.  

કોઈ ગમ નથી (વાસુદેવ સોઢા)

યુવાન પુત્રવધૂને દીકરી બનાવી લેતાં દંપતીની વાત.

વાર્તાની રજૂઆત રસ જગાવે છે. પ્રારંભથી જ “પારુલ આવવાની છે, પારુલ આવવાની છે.” એવું ગાણું સવારથી જ વરિષ્ઠ દંપતીએ ચાલુ કર્યું હોય. વાચકને એમ જ લાગે કે પારુલ આ દંપતીની લાડકી દીકરી હશે. છેક અંતમાં ખુલાસો થાય છે કે પારુલ એમની દીકરી નહીં પણ એનાથી ય અદકેરી પુત્રવધૂ હતી.

એકના એક દીકરાનું અકાળ અવસાન થયા પછી દેવેન્દ્રભાઈ અને સાધનાબહેન બંનેએ યુવાન પુત્રવધૂને દીકરી માનીને યોગ્ય ઠેકાણે પુનર્લગ્ન કરાવી સંસારમાં સ્થિર કરી. એ પછી જાણે એ પોતાની દીકરી જ હોય એવો સ્નેહભર્યો સંબંધ એની જોડે રાખ્યો.

પ્રેરણાત્મક વાર્તા. 

નારી તેજવંતી (નિર્ઝરી મહેતા)

પરગજુ સ્વભાવની એક સ્ત્રીનું શબ્દચિત્ર. ઘટનાહીન રચના હોવાથી વાર્તારસ નથી.

ભલી તો સપનામાંય નૈ (નિકેતા વ્યાસ કુંચાલા)

પતિ પાસે યેનકેનપ્રકારે ધાર્યું કરાવતી એક સ્ત્રીનું રેખાચિત્ર. ઘટનાહીન રચના હોવાથી વાર્તારસ નથી.

લઘુકથાઓ

ફિરકી (કાલિન્દી પરીખ)

મીઠો ભૂતકાળ.

પૌત્ર પતંગ ઉડાવતો હતો તેની ફિરકી દાદાએ પકડી ને તરત એમને યાદ આવ્યું કે પોતે નાનપણમાં પતંગ ઉડાવતી વખતે પોતે પોતાના દાદા પાસે ફિરકી પકડાવેલી. ઈતિહાસનું પુનરાવર્તન. 

માંજરી આંખો (દિવ્યા જાદવ)

અપેક્ષાભંગ.

કથકનું ચિત્ત જેણે હરી લીધું હતું એ માંજરી આંખોવાળી છોકરી તો ખિસાકાતરુ નીકળી.

સાતમ આઠમ (નટવર આહલપરા)

અક્કરમીનો પડિયો કાણો.

તહેવારોના દિવસોમાં રીક્ષાવાળાને કમાણીને બદલે નુકસાન થાય છે. 

તુલના (પી.એમ.લુણાગરિયા)

મિશ્ર પ્રતિભાવ.

દીકરીના જન્મ પર કોઈ નાખુશ થાય છે તો કોઈ પેંડા વહેંચે છે.

એક અતિ સુખી ગામ (યશવન્ત મહેતા)

કટાક્ષકથા.

ભલે ગમે એટલી સંપત્તિ હોય પણ યુવાનો અને બાળકો વિનાનું ગામ સુખી કહેવાય ખરું?

થેપલાં (નસીમ મહુવાકર)

બહેન-ભાઈના સ્નેહની વાત. બહેન અને ભાઈ ભલે કાયમ ઝઘડતાં હોય પણ એકના વિના બીજાને ગમે નહીં એનું નામ સ્નેહ.   

--કિશોર પટેલ, 09-01-24 09:31

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###


Thursday, 4 January 2024

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૫૨૧ શબ્દો)

દીદી (અનુરાધા દેરાસરી)

બહેન-ભાઈના સ્નેહની વાત. પૂજા આખા ઘરની લાડકી હતી એટલે તેનો નાનો ભાઈ શુભ અદેખાઈથી બળ્યા કરતો. એ સતત પૂજા સાથે લડ્યા-ઝઘડ્યા કરતો. છેક પૂજાના લગ્ન થાય ત્યારે પોતાની ભૂલો કબૂલ કરીને એ બહેનની માફી માંગે છે.

વિગતપ્રચૂર વાર્તા. પૂજાના જન્મ પહેલાંનો ઈતિહાસ કહેવામાં ઘણાં શબ્દો ખર્ચી નાખ્યા. આ બેઉ સંતાનો વહેલા જનમ્યા કે મોડા એનાથી વાર્તામાં કંઈ ફરક પડતો નથી. વાર્તા ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને ઈર્ષાની છે.     

મેળો (વાસુદેવ સોઢા)

સંતાનોએ એકલાં મૂકી દીધાં હોવા છતાં એકમેકના સહારે મોજથી જીવતાં વરિષ્ઠ દંપતીની વાત.

આ રચના વાર્તા નથી પણ સ્વતંત્રપણે જીવતાં વરિષ્ઠ નાગરિકોનું શબ્દચિત્ર છે.

અંતરયાત્રા (નેહલ દેસાઈ)

સમાજની અસંખ્ય ગૃહિણીઓની વ્યથાકથા. સંતાનોને ઉછેરવામાં જિંદગી ખર્ચી નાખનારી સ્ત્રીઓ પોતાની જિંદગી જીવવાનું ભૂલી જાય છે. એવી એક દાદીમા મંજૂષા એક દિવસ સવારની ચા સાથે ઘરના અન્ય સભ્યો સમક્ષ એલાન કરે છે કે ઘરનાં નાનાં બાળકોને સાચવવાની જવાબદારી એની એકલીની નથી, ઘરનાં અન્ય સહુએ પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે.

નારીચેતનાની વાત. વિસ્તારપૂર્વક વર્ણનાત્મક શૈલીમાં વાર્તાની રજૂઆત થઈ છે. 

પ્રાયશ્ચિત (ચંડીદાન ગઢવી)

ભાગીદારીમાં ધંધો કરતાં બે મિત્રોમાંથી એકની દાનત બગડે ને ભાગીદારને છેતરીને રસ્તા પર લાવી દે.  બનવાકાળ વર્ષો પછી છેતરનારનો દીકરો આત્મહત્યા કરવા નીકળે ત્યારે અજાણતામાં પેલો છેતરાયેલો મિત્ર જ બચાવે અને એને જિંદગીનો સાચો માર્ગ ચીંધે. સત્યની જાણ થતાં દગાબાજ મિત્રની પણ આંખો ખૂલી જાય. ફિલગુડ વાર્તા.

આપેલું (સતીશ વૈષ્ણવ)

બોધકથા.

નવા વિકસતા શહેરની સરહદે એક પ્રભાવશાળી જણાતો વૃધ્ધ પુરષ નાયકને  ભલામણ કરે છે કે તાજા વાવેલા લીમડાનાં છોડની નીચે  રોજ બેસવાનું રાખશો તો પ્રગતિ થશે. એનો ઈરાદો કદાચ એવો હતો કે એ બહાને લીમડાના વૃક્ષનું સંવર્ધન થાય. પણ નાયકને એ માણસની વાતમાં વિશ્વાસ બેસતો નથી. એ  એક યા બીજા બહાને લીમડાના વૃક્ષ નીચે બેસવાનું ટાળ્યા કરે છે. છેવટે એક દિવસ લીમડાનો એ છોડ જડમૂળથી ઉખડી જાય છે.

બોધઃ મનમાં શંકા રાખવાથી કોઈ કામ ઠેકાણાસર થતું નથી.  

ખીંટી (મોના જોષી)

સ્વજનની સ્મૃતિ સાચવવાની કોઈ કિંમત હોય ખરી?

ઘર ખરીદ્યા પછી નાયકને ખ્યાલ આવે છે કે જે તે સ્થિતિમાં ખરીદેલા ઘરમાં એક દીવાલ પર ખીંટી છે પણ છબી નથી. નાયક મૂળ માલિક સાથે ઝઘડે છે કે એની સાથે છેતરપીંડી થઈ છે. મૂળ માલિક કહે છે કે ભાઈ એ ખીંટી વચ્ચે તો પહેલેથી જ ખાલી જગ્યા છે કારણ કે મારી માતાની એક પણ છબી મારી પાસે નથી. પણ એની છબી ત્યાં છે એવી કલ્પના હું કરતો.

નાયકને સમજાય છે કે કેટલીક વસ્તુઓની કિંમત રુપિયા-પૈસામાં ક્યારેય કરી શકાતી નથી.

સારી વાર્તા.     

લઘુકથા

પલ્લું (ધર્મેન્દ્રસિંહ રાઠોડ)

પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ લખાયેલી આ લઘુકથામાં કથકે અન્ય પાત્ર દ્વારા પોતાની પ્રસંશા કરાવી છે.

કથકની પત્ની પોતાની સાસુ પાસે પોતાના મોટાભાઈના વખાણ કરે છે. એ કહે છે કે મોટાભાઈ કરોડપતિ છે અને નિયમિતપણે જાત્રાએ જાય છે તેમ જ દર વર્ષે મોટી રકમનું દાન કરે છે. ગામડાના ઘરનાં સમારકામ નિમિત્તે કડિયા અને મજૂરોને છૂટે હાથે મજૂરી ચૂકવતા પુત્રનું ઉદાહરણ ટાંકીને સાસુ વહુને કહે છે કે મારે મન તો તમારી ભાભી કરતાં તમારું પલડું ભારે છે.

આ લઘુકથા સર્વજ્ઞ એટલે કે ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્રી શૈલીમાં રજૂ થઈ હોત તો વધુ યોગ્ય લાગત.

--કિશોર પટેલ, 05-01-24 09:06 

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Monday, 1 January 2024

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ






 

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૩૯૯ શબ્દો)

કાળિયો (મોના જોષી)

કેટલાક માણસો નાળિયેર જેવા હોય છે.  બહારથી સખત, અંદરથી નરમ.

પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ રજૂ થયેલી આ વાર્તામાં નાયિકાને બચુકાકા અંગે ગેરસમજ હોય છે. અકસ્માતપણે એક રાત એમના ઘેર ફરજિયાત રોકાવાનું થતાં નાયિકાને બચુકાકાની ભીતર વસતા સ્નેહાળ સ્વજનનો પરિચય થાય છે. પરિણામે એને મન તો દ્વારાકાધીશ માટે માનેલી માનતા બચુકાકાના દર્શન સાથે જ પૂરી થઈ જાય છે. ફિલગુડ વાર્તા.  પ્રવાહી રજૂઆત.  

છાપરા પર પંખો (બાદલ પંચાલ)

હાંસિયામાં રહેતા સમાજની વાત. નાની વયની મંદબુધ્ધિ મંજુને નિરાધાર મૂકીને એની માતા કોઈકની જોડે ભાગી ગઈ છે. મંજુના પિતાનો ક્યાંય ઉલ્લેખ નથી. કદાચ કોઈને પણ મંજુના પિતાનો અતોપતો ખબર નહીં હોય. મંજુ એની દૂરની સંબંધી અથવા પાડોશણ રમીલાકાકીના આશરે છે. વધતી વય સાથે સંકળાયેલાં જોખમોથી એ અબૂધ બાળકી અજાણ છે. રમીલાકાકીના આશરે એ સ્વેચ્છાએ કે આનંદથી રહેતી નથી. એને એવું લાગે છે કે જેમ એની માતા દૂર ક્યાંક ભાગી ગઈ છે એમ પોતે પણ જો ભાગી જાય તો કદાચ જિંદગી બહેતર બને. એક દિવસ મંજુ દૂર જતી એક ટ્રેનમાં બેસી જાય છે.   

બાળકીના ભાવવિશ્વનું તેમ જ ઉપેક્ષિત પરિવેશનું વાર્તામાં સરસ આલેખન. “હટ કે” વિષયની આ વાર્તાનું સ્વાગત છે.  આ યુવાન વાર્તાકારમાં લાંબી રેસના ઘોડાનાં લક્ષણો જણાઈ રહ્યાં છે.

વુડ ખાતર (ગિરીશ ભટ્ટ)

અપકારનો બદલો ઉપકાર. દગો કરનારને ક્ષમા.

પાડોશમાં રહેતાં જોડે જ મોટાં થયેલાં કુમુદ અને સુમનનાં મન મળી ગયાં હતાં. વધુ અભ્યાસાર્થે સુમન વિદેશ ગયો ને ત્યાં ગોરી યુવતી જેનના પ્રેમમાં પડ્યો, એને પરણ્યો, એક દીકરા વુડનો પિતા બન્યો. કુમુદે મન વાળી લીધું અને અન્ય યુવકોનાં માગાં નકાર્યા.  બન્યું એવું કે પતિ-પુત્ર બેઉનો ત્યાગ કરી જેન જતી રહી. “વુડ ખાતર હું સુમનને પરણીશ.” સુમન પ્રત્યેના  પ્રેમના કારણે નહીં પણ એક નાનકડું બાળક નમાયું થઈ ના જાય એવી ભાવનાથી  કુમુદે આ નિર્ણય લીધો છે. બાળક ખાતર એણે સુમનને ક્ષમા આપી દીધી.

વાર્તામાં કોઈ નવી વાત નથી. આવા અસંખ્ય કિસ્સાઓ સદીઓથી આપણે ત્યાં બનતાં આવ્યાં છે. ત્યાગ, બલિદાન, ક્ષમા વગેરે સદ્ગગુણો ભારતીય નારીમાં સદીઓથી નિરંતર આરોપિત થતાં આવ્યાં છે.  આ વરિષ્ઠ લેખક પાસેથી વધુ સારી વાર્તાની અપેક્ષા રહે છે.    

ફૂલચોર (માના વ્યાસ)

બંગલાના નવા માલિક જુએ છે કે રોજેરોજ બગીચામાંથી ફૂલોની ચોરી થઈ જાય છે. એક રાતે માલિક પોતે ચોકીપહેરો કરે છે. એને જાણ થાય છે ચોરી પાછળની એક અધૂરી પ્રેમકહાણી.

રસપ્રદ રજૂઆત.

--કિશોર પટેલ, 02-01-24 09:01

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###