નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૦ દિપોત્સવી વિશેષાંકની વાર્તાઓ વિષે:
(૭૮૫ શબ્દો)
નવનીત સમર્પણના દીપોત્સવી વિશેષાંકમાં દર વર્ષે વાર્તાકારોની
ટીમ લગભગ નક્કી જ હોય છે. એકાદ-બે નામ આમતેમ થાય. આ વર્ષે કુલ આઠ વાર્તાઓ છે.
વાર્તાકાર તરીકે બે મોટાં નામ નિરાશ કરે છે. બાકીની છ વાર્તાઓ રસપ્રદ. પ્રસ્તુત છે
આ વાર્તાઓ વિશેની મારી નોંધ:
સહુથી પહેલાં રસપ્રદ વાર્તાઓ વિષે :
જમીનમાં દટાયેલી મૂર્તિઓ (પ્રવીણસિંહ ચાવડા) : આપણી માનસિકતા એવી છે કે બેઠાં બેઠાં આપણે અન્યોનો
ન્યાય તોળીએ છીએ. અન્યોની પંચાત કરવી આપણા સમાજની ખાસિયત છે. વાર્તામાં આ માનસિકતા
વિષે લેખકે સ્ટેટમેન્ટ કર્યું છે.
રજૂઆતની વાત કરીએ તો આ સશક્ત વાર્તાકારની ખાસિયત છે કે આડીઅવળી
વાત કર્યા કરવાની, વચ્ચે વચ્ચે મુખ્ય વાત વિષે ઝીણા, ખૂબ ઝીણા ઝીણા સંકેતો
આપવાનાં, જાણે કે નિશાળમાં ગણિતનો દાખલો શીખવાડતી વખતે માસ્તર મોહમ્મદ રફીનું કોઇ
ગીત યાદ કરે એમ પ્રવીણસિંહ ચાવડા હળવી શૈલીમાં સંકેતો આપતાં જાય અને ભાવકે જાતે
વાર્તા ઘડી કાઢવાની!
પીએચડીનો વિદ્યાર્થી પરિમલ સોલંકીયુગની દટાયેલી મૂર્તિઓ વિષે
સંશોધનપ્રબંધ લખી રહ્યો છે. એમના ગાઈડ સુદર્શનસાહેબ અને એમના ધર્મપત્ની બંને મળીને
પરિમલ પાસેથી સોલંકી યુગ બાજુ પર મૂકાવીને તાજેતરના ભૂતકાળની એક વીસરાઈ ગયેલી
મૂર્તિ વિષે તપાસ કરવાનું કામ આપે છે. આ કામ માટે પરિમલ પોતાના ગામની એક કન્યા
નામે હેમલતાની સહાય લે છે. બાપડો પરિમલ પોતે પણ જાણતો નથી કે એણે પોતે એક
જીવતીજાગતી મૂર્તિ જમીનમાંથી ખોદી કાઢીને બોલતી કરી છે!
આ હેમલતા પણ કંઈ કમ નથી! એ પ્રવીણસિંહ ચાવડાનું સર્જેલું
પાત્ર છે! પેલી વીસરાયેલી મૂર્તિની વાત કહેતાં કહેતાં મોઘમ રીતે પોતાની આખી વાર્તા
કહી નાખે છે! નાનામોટા તમામ પાત્રોનું સરસ આલેખન. સરસ વાર્તા. વાહ!
પેસમેકર (મધુ રાય) : આધુનિક ટૂંકી વાર્તાઓના યુગના પહેલી હરોળના આ વાર્તાકારે હરિયાશ્રેણીમાં ઘણી
વાર્તાઓ આપી છે, એમાં આ એકનો ઉમેરો. હરિયાના પાત્રના માધ્યમથી લેખકે હંમેશા
સામાન્ય માણસની સમસ્યાઓ અને એના સ્વપ્નોની વાત કરી છે. દરેક વાર્તાની જરૂરિયાત
પ્રમાણે હરિયો પોતાની ઉંમર અને પાર્શ્વભૂમિ બદલે છે, પણ મૂળમાં રહે છે વિખ્યાત કાર્ટુનિસ્ટ આર કે લક્ષ્મણના માનસપુત્ર જેવો એનો
એ કોમન મેન. અહીં હરિયો દાદાજી બની ગયો છે. એમના શરીરમાં પેસમેકર બેસાડેલું છે.
ગમ્મત એવી થઇ છે કે ટેલીવિઝન પર હિન્દી સિરીયલો જોતાં જોતાં હવે એને સ્ત્રીઓ વિષે અવનવા
વિચાર આવવા માંડ્યા છે. એને એવી ભ્રાંતિ થઇ ગઇ છે કે એવું પેલા પેસમેકરના કારણે
થાય છે. હંમેશની જેમ હરિયો દ્વારકાધીશ જોડે સીધો સંવાદ પણ કરે છે. ત્રીજા પુરુષ
એકવચનમાં કથક હંમેશની જેમ બોલચાલની ભાષામાં વાર્તાની રજૂઆત કરે છે. મઝાની વાર્તા.
સ્ત્રી (વીનેશ અંતાણી) : પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીની દયનીય સ્થિતિ વિષે
સ્ટેટમેન્ટ કરતી સરસ વાર્તા. ઘરની અને સંસારની જવાબદારીઓ વહન કર્યા પછી પણ પુરુષ સ્ત્રીની
કદર ના કરે એવું આપણે ત્યાં બને છે. એવી એક પીડિતા ગૃહત્યાગ કરીને દૂર જતી રહે છે.
પણ નિયતિ એને ઘેર પાછી લાવે છે. હવે એ જુએ છે કે જે પુરુષે આખી જિંદગીમાં ક્યારેય
એની કદર ના કરી એ હવે પ્રેમ અને કાળજીથી એની દેખભાળ કરે છે. અંતની ચમત્કૃતિ આઘાતજનક
છે. જે બની ગયું એ તો સ્ત્રીનું એક સ્વપ્નું હતું! કલમના કસબી અને નીવડેલા
વાર્તાકાર પાસેથી મળેલી સરસ અને પઠનીય વાર્તા.
જીવ (રવીન્દ્ર પારેખ) : ફેન્ટેસી વાર્તા. માનવીય વર્તન કરતાં હોય એવાં રોબોટ
નિર્માણ કરવાની ફેન્ટેસી. રોબોટ બનાવતી કંપનીમાં મુખ્ય વૈજ્ઞાનિક ડો. ઝા અને એની
મદદનીશ ડોલી વચ્ચેનો સંબંધ ઘણો જ સંકુલ છે. અહીં એક એવા વૈજ્ઞાનિકની વાત થઇ છે જે
માણસને યંત્ર બનાવી રહ્યો છે અને યંત્રની પાસે માનવીય વર્તનની અપેક્ષા રાખે છે.
સરસ, વાચનક્ષમ વાર્તા.
સરોગેટ મધર (વર્ષા અડાલજા) : સરોગેસી વિષય પરની રસપૂર્ણ વાર્તા. સામાન્ય
સ્થિતિના કુટુંબમાં પતિ પોતાની પત્ની પાસે વાત મૂકે છે કે આવું કામ કરીને સારા
રૂપિયા કમાઇ શકાય એમ છે. આ વાત સાંભળતાવેંત પત્ની ના પાડી દે છે. પછી ઊભી થતી સ્થિતિ
ઘણી જ નાટ્યાત્મક છે. એક શોર્ટ ફિલ્મ અથવા સુંદર એકાંકી બની શકે એવો વિષયવસ્તુ અને
રેડીમેડ પાત્રો અને રોચક અંત સાથેની ઘટના. અનુભવી અને પીઢ લેખક પાસેથી મળેલી પારંપારિક
શૈલીની વાર્તા.
સ્વપ્નોના કિનારે (અશ્વિની બાપટ) : મઝાની ગૂઢકથા. સ્વપ્નાવસ્થા અને જાગૃતાવસ્થાની ભેળસેળ કરતી વાર્તા. નાયિકાને
સ્વપ્ના જોવાનું ગમે છે. સ્વપ્ના વિષે એણે ખાસો અભ્યાસ પણ કર્યો છે. અડધેથી તૂટી
ગયેલાં સ્વપ્નામાં ફરીથી પ્રવેશવાનું પણ એને આવડી ગયું છે. પ્રસ્તુત વાર્તામાં
નાયિકા પોતાની માતા જોડેના અતૂટ લાગણીભીનાં સંબંધો અને સ્વપ્નાની વાત પહેલા પુરુષ
એકવચનમાં કરે છે. રસપૂર્ણ વાર્તા.
બે મોટાં વાર્તાકારો નિરાશ કરે છે :
માનો છેલ્લો દિવસ (હિમાંશી શેલત) : અનુઆધુનિક ટૂંકી વાર્તાયુગના પહેલી હરોળના આ
વાર્તાકારે વાર્તામાં આશાસ્પદ પ્રારંભ કર્યા પછી નિરાશ કર્યા. વાર્તાની શરૂઆતમાં
એવું લાગ્યું કે મૃત્યુ પછીની ફેન્ટેસી વાર્તા છે પણ કમનસીબે એવું થયું નહીં.
અંતમાં મરણોન્મુખ નાયિકાને પુષ્પગુચ્છ જોડે એક કન્યા દેખાય છે.
એ હોસ્પિટલમાં એના પિતાનું સ્વાગત કરવા આવી છે. એ કન્યાનો શું સંબંધ છે આ વાર્તામાં?
કોરોના મહામારીના પગલે હોસ્પિટલના બદલાયેલાં ચિત્રની વિગતોમાં
વાર્તા ઢબૂરાઈ ગઇ.
અંદરનો અવાજ (ધીરુબેન પટેલ) : પિતા-પુત્ર સંવાદ. દરેક પિતાને લાગતું
હોય છે કે પોતાના સંતાન માટે ઘટતું કરવામાં તે નિષ્ફળ ગયો છે. આ એક વૈશ્વિક લાગણી
છે; આમાં નવું કશું જ નથી. એક નાનકડી સામાન્ય લઘુકથા. આ વરિષ્ઠ લેખક પાસેથી વધુ સારી વાર્તાની અપેક્ષા રહે છે.
--કિશોર પટેલ; શુક્રવાર, 06 નવેમ્બર 2020;17:29
###
No comments:
Post a Comment