મમતા સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે (૪૦૦ શબ્દો)
આ વિશેષાંક collector’s item બન્યો
છે!
મમતા વાર્તામાસિકના નવ વર્ષનાં ઇતિહાસમાં પહેલી વાર એવો
સુભગ સંયોગ થયો છે કે અંકની બધી જ વાર્તાઓ સરસ મઝાની છે! હા, હાસ્યવાર્તાઓનો આ
વિશેષાંક ખરેખર સાચવવાલાયક એટલે કે collector’s item બન્યો છે!
હા, હું બાબુ સુથાર (બાબુ સુથાર) : મઝાની ફેન્ટેસી વાર્તા. ફેન્ટેસી વાર્તામાં ઘણી વાર તર્ક શોધવાનો હોતો નથી પણ
આ વાર્તામાં જરા વિચાર કરતાં એવું લાગે કે વાર્તાના નાયક ઉપર આગંતુક કોઇક વાતનો
બદલો લે છે. આવી રીતે વારંવાર નામ પૂછીને ભાગી જઇને એ નાયકને ટોર્ચર કરે છે. માણસ
વિચારતો થઇ જાય: શું હશે? શું કામ આવું કરતો હશે? સબક (રવીન્દ્ર પારેખ) : મઝાની વ્યંગકથા. મફતલાલ (વલ્લભ નાંઢા) : જોખમથી હંમેશા પોતાને સલામત અંતરે રાખતાં કથકને
મફતલાલ કેવી રીતે ઉલ્લુ બનાવી જાય છે તેની સરસ વિનોદી રજૂઆત.
ભગવાનની વાંસળી: સુરભી (રાહુલ શુક્લ) : ઈશ્વર નથી એવા એક પાત્રની દીર્ઘ ચર્ચાનો અંત બીજું
પાત્ર શૃંગારિક પદ્ધતિએ આણે છે અને પહેલાં પાત્રને ઈશ્વરનું દર્શન થઇ જાય છે. સરસ
વાર્તા! એકસો ને એક ટકા શાંતિ (સુષ્મા કે.શેઠ) : સરસ વાર્તા. પરફેક્ટ
પ્લોટ, બહેતરીન પ્રસ્તુતિ! ક્યા બાત! રહસ્ય પણ છે, રમૂજ પણ છે! બે મુખ્ય પાત્રોમાંથી
એકને બંગાળીભાષી રાખીને લેખકે મોટું જોખમ
લીધું, પણ એની ભાષા-એની બોલી, સંપૂર્ણ રજૂઆત બધું જ લેખકે સરસ નિભાવ્યું. એકસો એક
ટકા મઝેની વાર્તા. રવજીની તોપ (કિશોર વ્યાસ) : વાહ! રવજીની તોપે જે ફટાકડા ફોડ્યા
છે! મઝા આવી ગઇ. સરસ વાર્તા!
ઓથર એપ (અર્જુનસિંહ રાઉલજી) : ઓથર એપની કલ્પના સરસ. એક જ સમસ્યા છે: અંત અચાનક
આવી ગયો. ચંપલચોર (મહેન્દ્ર ચંદુલાલ ભટ્ટ) : ચંપલની એક જોડ પણ કોઈને માટે
કિંમતી વસ્તુ હોઈ શકે. સુખલાલની એવી કિંમતી વસ્તુ ચોરાઇ જાય છે. વાર્તાની રજૂઆત
સરસ છે. પ્રારંભ, મધ્ય અને અંત ત્રણે ભાગ સરસ. અંતની ચોટ પણ જબરી. ફરી દ્વારકા (હસમુખ રાવલ) : શ્રીકૃષ્ણની
મદદ માંગવા ગયેલા આજના સુદામાને કૃષ્ણના બદલે બળરામ મળે છે. ખાલી હાથે આવેલા
સુદામાને બળરામ જબરી રીટર્ન ગિફ્ટ આપે છે. સરસ વાર્તા. ગળપણ (જગદીશચંદ્ર ત્રિવેદી) : ડાયાબિટીસના પગલે કથકે પત્નીને કદી જીવતેજીવ
ગળ્યું ખાવા દીધું નહીં, હવે પોતાને એ જ બીમારી વળગી એટલે સ્થિતિપાત્ર હોવાં છતાં
એ ગળ્યું ખાઇ શકતો નથી. હળવી શૈલીમાં સારી રજૂઆત.
આ ઉપરાંત હરિશંકર પરસાઇની ત્રણ વ્યંગ-લઘુકથાઓ (મૂળ હિન્દી, બે
લઘુકથાઓની રજૂઆત સંજય છેલ દ્વારા અને એકની રજૂઆત દિલીપ ગણાત્રા દ્વારા); લીઓ ટોલ્સટોયની
એક વાર્તા (મૂળ રશિયન; અનુ: દિલીપ ગણાત્રા) ; જ્યોર્જ માલપાસની એક વિજ્ઞાન-કમ-હાસ્યકથા
(મૂળ ભાષાની માહિતી નથી; રજૂઆત યશવંત મહેતા); જેરોસ્લાવ હાઝેકની મૂળ ચેક વાર્તા
(અનુ:બાબુ સુથાર) પણ આ અંકના નિયમિત વિભાગોમાં છે.
--કિશોર પટેલ; શનિવાર, 12 સપ્ટેમ્બર 2020; 20:05
###
No comments:
Post a Comment