
નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:
(૪૮૬ શબ્દો)
આ અંકમાં એક વાર્તા એવી છે જે સંપૂર્ણપણે વ્યંજનામાં ચાલે
છે. એક સારી વાર્તા છે, એક લબ્ધપ્રતિષ્ઠ વાર્તાકાર નિરાશ કરે છે અને એક સરેરાશ વાર્તા
છે.
સૌ પ્રથમ વ્યંજનામાં ચાલતી વાર્તા:
ડાબા પગનો મોક્ષ (અમૃત બારોટ) : સંપૂર્ણ વાર્તા વ્યંજનામાં ચાલે છે. સ્વાભાવિક છે કે ડાબા પગ અને જમણા પગનું
સ્વતંત્ર વ્યક્તિત્વ આપણે સ્વીકારી શકતા નથી એટલે અભિધામાં એનો કોઈ અર્થ કાઢી શકાય
નહીં. પણ વ્યંજનામાં આ વાર્તાને અનેક રીતે જોઇ શકાય. પતિ-પત્ની, બે મિત્રો, ધંધા-વ્યવસાયમાં બે
પાર્ટનર, કચેરીમાં બે સહકર્મચારીઓ, રાજકીય પક્ષના બે કાર્યકર્તાઓ કે પ્રમુખ અને
મંત્રી એવા ઉચ્ચ હોદ્દેદારો કંઇ પણ. વિચારભેદ, સંસ્કારભેદ, હેતુભેદ અનેક રીતે બંને
વચ્ચે ઘર્ષણ થઇ શકે. એક ક્ષણે વાર્તા આધ્યાત્મિક માર્ગે ચઢી ગઇ. જ્ઞાનપ્રાપ્તિ પછી
મનને શાંતિ થવી જોઇતી હતી, અહીં વિપરીત થાય છે. એટલે અંત અનપેક્ષિત હતો એમ કહેવું
પડશે. મઝેદાર વાર્તા. સરસ વાર્તાનુભવ.
એક સારી વાર્તા:
પડછાયાના ટુકડા (અજય સોની) : આ વાર્તા એક વક્ર્તાની વાત કરે છે. અન્યોનું ભાવિ
સુરક્ષિત કરવાનું કામ કરતાં વાર્તાના નાયક
વીમા-એજન્ટ મધુકાંતને પોતાનું ભવિષ્ય અસુરક્ષિત દેખાય છે. કસમયે એમને
પડછાયાના ટુકડાઓ દેખાય છે એટલું જ નહીં પણ એ ટુકડાઓ એમને ઘેરી વળે છે, એમની પર
હુમલો કરે છે. આ પડછાયાઓ અજાણ્યા ભયના પ્રતિક છે. અપરિણીત કે નિ:સંતાન વ્યક્તિને
જોવાના સમાજના નજરિયા પર આ વાર્તા કટાક્ષ કરે છે. “તમારું કોણ ખાશે?” “તમારે વળી કેવી
ઉતાવળ? ઘેર ક્યાં કોઈ રાહ જુએ છે?” આવા સહજપણે બોલાતાં વાક્યો અંદરખાને કોઈને
કેટલી ચોટ પહોંચાડી શકે એ આપણે વિચારતાં નથી.
સારી વાર્તા.
એક લબ્ધપ્રતિષ્ઠ વાર્તાકારની વાર્તા:
નિ:સ્તબ્ધ (વીનેશ અંતાણી) : મૃત વ્યક્તિની સ્મૃતિ એવા જૂના જાણીતા વિષયની વાર્તા
વાંચ્યા પછી પહેલી વાર આ લેખક પાસેથી કંઇ નવું ન મળ્યાની નિરાશા થઇ. પ્રારંભ સાથે
જ વાર્તા પ્રેડીકટેબલ બની ગઇ. જો કે એ નોંધવું રહ્યું કે આ સશક્ત વાર્તાકારની
રજૂઆત પણ એટલી જ સશક્ત છે. ઠેકઠેકાણે હ્રદયસ્પર્શી અભિવ્યક્તિ મળી આવે છે. કેટલાંક
ઉદાહરણો: કોઇનું મૃત્યુ થવું, એની યાદ
આવવી એટલે શું તે ત્રણ ચાર વર્ષનું બાળક સમજી શકતું નથી. ભૂલી જવું એને સમજાય છે.
એ કહે છે // “મારો ફૂટબોલ ખોવાઇ ગયો છે પણ હું એને ભૂલી ગયો છું.” // નાયક મનોમન કહે
છે, એટલું આસાન નથી હોતું, મારા દીકરા. //
સુષમાના શરીર પરથી એક ફૂલ નીચે પડ્યું હતું. તે વખતે ઉપાડી શકાયું ન હતું. હવે
ઉપાડી શકાય? શ્યામ જમીન પર હાથ ફેરવે છે. // આવું વિશાળ ખુલ્લું મેદાન ઝૂંટવાઈ જાય
તે કેમ ચાલે. ક્યારે શું ઝૂંટવાઈ જાય એની ક્યા ખબર પડે છે. // ઘરમાં એના સિવાય કોઈ
ન હતું. છતાં એ એકલો ન હતો. //
ચલો એક બાર ફિરસે (નયના પટેલ) : પ્રેમ, ત્યાગ, બલિદાન...જૂનો વિષય. મુદ્દા પર આવતાં પહેલાં ઘણું ફૂટેજ વેડફાયું.
લાગણીભીની રજૂઆત. સરેરાશ વાર્તા.
ગમી ગયેલી વાર્તા (શરીફા વીજળીવાળા) : સ્ટેફાન
ત્સ્વાઈક (વિયેના, ઓસ્ટ્રિયામાં જન્મેલા ) એમના સમયના સફળ વાર્તાકાર હતા. એમની એક
વાર્તા fear નો પરિચય શરીફાબેને કરાવ્યો છે. સરસ વાર્તા છે. આ લેખકની લગભગ બધી જ
વાર્તાઓ પરથી ફિલ્મો બની છે. આપણે ત્યાં ગુમરાહ (મુખ્ય અભિનેતાઓ: અશોક કુમાર,
સુનીલ દત્ત, માલાસિંહા અને શશીકલા) નામની હિન્દી ફિલ્મ આ જ વાર્તા પરથી બની હતી.
--કિશોર પટેલ; શનિવાર, 01 ઑગસ્ટ 2020; 8:55
ઉત્તર મધ્યાહ્ન.
###
No comments:
Post a Comment