પરબ જુલાઇ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:
(૨૩૭ શબ્દો)
જદુનાથનો ઉંદર (બિપીન પટેલ) : સરકારી તંત્રની કામ કરવાની રીત વિષે એક સરસ
કટાક્ષિકા. લાગતાવળગતા પ્રધાન અથવા કોઇ અમલદારને એવું લાગ્યું કે જદુનાથ ઉંદરની
પ્રજાતિ નામશેષ થઇ રહી છે. એટલે એને બચાવવાની ઝુંબેશ શરુ થાય છે. બધી સરકારી કચેરીઓમાં
અને સંપૂર્ણ રાજ્યમાં ગામેગામ શાખાઓમાં પરિપત્ર પહોંચી જાય છે કે જદુનાથના ઉંદરની
પ્રજાતિને સંરક્ષણ આપવાનું છે માટે એને હાનિ પહોંચાડનારાને કડક શિક્ષા થશે. આ
લાંબુ ચાલે છે. શહેરમાં અને ગામડાઓમાં લોકો ભાતભાતનું નુકસાન વેઠીને પણ કાયદાની બીકે
ઉંદરને મારતાં નથી. લોકો ઉંદર જોડે સહઅસ્તિત્વની કળા શીખી લે છે. માનવસ્વભાવનું
સરસ નિરીક્ષણ. સરસ રીતે વિકાસ પામેલી કલ્પના. મજેદાર વાર્તા.
એકાદ તુક્કાને કાયદાનું રૂપ આપી સરકારી તંત્ર સત્તાના જોરે સામાન્ય
જનતાને કેવી રીતે નચાવી શકે છે એ વિષે લેખકે જબરો વ્યંગ કર્યો છે.
જદુનાથ ઉંદર એટલે ઉંદરની એક કાલ્પનિક પ્રજાતિ. અત્રે
નોંધનીય છે કે વાર્તાનું શીર્ષક સ્વ. કવિ લાભશંકર ઠાકર અને સુભાષ શાહ લિખિત નાટક
“એક ઉંદર અને જદુનાથ”થી પ્રેરિત થયેલું છે.
શિબિર (જગદીશચંદ્ર ત્રિવેદી) : ટૂંકી વાર્તામાં ગ્રામ્યબોલી એટલે કે તળપદી ભાષાનો
પ્રયોગ એક વધારાનું લક્ષણ ગણાય છે. આ તળપદી બોલીને વિષય બનાવીને લખાયેલી વાર્તા.
ગામડાનો એક છોકરો શહેરની એક યુનિવર્સીટીમાં આયોજિત વાર્તાલેખન શિબિરમાં ભાગ લે છે.
એની પાસેથી ગ્રામ્યબોલી શીખવા માટે શિબિરનાં શહેરી વિદ્યાર્થીઓ એને ઘેરી વળે છે.
તકનો લાભ લઈને કથક અવનવી કાલ્પનિક પ્રેમકથાઓ કહીને ગામડાની પ્રેમિકાને પામવાનું પોતાનું
સ્વપ્નું પૂરું કરે છે.
હા, નોંધનીય છે કે આ વાર્તામાં તળપદી બોલીનો સરસ પ્રયોગ થયો
છે. સરસ વાર્તા.
--કિશોર પટેલ, રવિવાર, 05 જુલાઈ 2020; 12:19
ઉત્તર મધ્યાહ્ન.
###
No comments:
Post a Comment