જલારામદીપ જૂન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:
(૪૮૧ શબ્દો)
આ અંકમાં ત્રણ ઉલ્લેખનીય વાર્તાઓ છે: એક બદનામ વ્યવસાયની
સ્ત્રીઓ વિશેની વાર્તા, પક્ષીઓ માણસ જોડે સંવાદ કરતાં હોય એવી પ્રયોગાત્મક વાર્તા અને
ગાંધીયુગના એક પ્રતિષ્ઠિત લેખક સુન્દરમની “માને ખોળે” વાર્તાનું અનુસંધાન કરતી વાર્તા.
પાડોશી (ગિરિમા ઘારેખાન)
: નોકરી નિમિત્તે વાર્તાની નાયિકા ગુજરાતના એક નાનકડા શહેરમાંથી મહાનગર મુંબઈમાં
જાય છે. શેરીંગમાં એ જ્યાં રહેવા જાય છે
ત્યાં પાડોશના ફ્લેટમાં બારમાં ડાન્સ કરતી છોકરીઓ રહે છે. જેમનાં નામથી જ ઘૃણા
ઉપજે એવી છોકરીઓની પાડોશમાં કેવી રીતે રહેવું એવી સંઘર્ષપૂર્ણ સ્થિતિમાં નાયિકા મૂકાય
છે. સમાજના એક ઉપેક્ષિત વર્ગની સમસ્યાઓને અહીં વાચા મળી છે. સામગ્રી નવી તો નહીં
પણ ઓછી ચર્ચાયેલી છે. રજૂઆત પારંપારિક પરંતુ પ્રવાહી અને પ્રભાવી. નોંધનીય
અભિવ્યક્તિ: “...રોજ રાત્રે અંધારું ટેન્શન થઈને રન્નાને વીંટળાઇ રહેતું.” સરસ
વાર્તા.
ચકો ચકી ઉડે (નટવર હેડાઉ)
: પ્રયોગાત્મક વાર્તા. ચકા-ચકીના રૂપક દ્વારા પુરુષ અને સ્ત્રી વચ્ચે એકમેકની ઉપર
વર્ચસ્વ જમાવવાની આદિકાળથી ચાલી આવતી લડાઇની વાત. અંતમાં નાટ્યાત્મક રીતે કથક વાર્તામાં
પ્રવેશ કરે છે અને પુરુષના ઘવાયેલા અહમનો એકરાર કરે છે.
વન્ડરફુલ ડ્રગ (કાલિન્દી
પરીખ) : પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રી સાથે કેવો અને કેટલો
અન્યાય થાય છે એનું ચિત્રણ. અસામાન્ય બીમારીથી ગ્રસ્ત બાળકના પુનર્વસન માટે પિતા
પાસે સમય નથી. નાયિકા પોતે કેન્સર જેવા દર્દ સામે લડત આપી રહી છે. એમ છતાં નાયિકા જીવન
પ્રત્યે હકારાત્મક વલણ રાખે છે. પારંપારિક સ્વરૂપની વાર્તા.
તેરી આંખો કે સિવા
(સુષ્મા કે. શેઠ) : લાગણીઓના લાવારસથી લથપથ વાર્તા. પતિના મૃત્યુથી દુઃખી થયેલી નાયિકા આત્મહત્યા
કરવા પ્રવુત્ત થાય અને છેલ્લી ઘડીએ કંઇક એવું બને કે એનો વિચાર બદલાઇ જાય.
વાર્તાની રજૂઆત અલંકારિક છે. ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને જીવનદર્શનની ઉક્તિઓ
ઠેર ઠેર ભભરાવેલી છે. વાર્તાની ભાષા સહજ નથી.
કેટલેક ઠેકાણે વાક્યરચનાઓ કઢંગી છે. બે ઉદાહરણો
:
૧. “...સામેથી આવી રહેલા દીપકની હાજરીથી બેખબર
રત્નાને તે જાણીજોઈને અથડાયેલો.” એવું લાગે કે ત્રણ જણાની વાત છે. દીપક, રત્ના અને
“તે” (અથડાનારો). હકીકત એ છે કે દીપક જ રત્ના જોડે અથડાય છે. આ વાક્ય આમ હોઇ શકે: “બેખબર
રત્ના જોડે દીપક જાણીજોઈને અથડાયેલો.”
૨. “...જો કે દીપક, તેણે લીધેલો નિર્ણય રત્નાને
જણાવતાં અત્યંત ખુશ હતો.” કોણે નિર્ણય લીધો? દીપકે. તો “દીપક” એવું લખ્યા પછી
સર્વનામ “તેણે” શા માટે? વળી વિશેષણ “અત્યંત”ની શું જરૂર છે? આ વાક્ય આમ હોઇ શકે:
: “પોતે લીધેલો નિર્ણય રત્નાને જણાવતાં દીપક ખુશ હતો.”
સ્ટેજ થ્રી (ધર્મેશ
ગાંધી) : ગ્લાસ અર્ધો ભરેલો છે તે ના જોતાં ગ્લાસ અર્ધો ખાલી છે એવી
ફરિયાદ કરતાં એક વૃદ્ધની વાત. રજૂઆત ઠીક પણ હેતુ નકારાત્મક. હેતે ધર્યું, હેઠે ઠર્યું (સતીશ વૈષ્ણવ) :
વીતેલાં જમાનામાં શિક્ષિત યુવાનો-યુવતીઓ ચાંપલી અને સાહિત્યિક ભાષા બોલતાં એવી ભાષામાં
રજૂઆત. પલિતો (જિતેન્દ્ર પટેલ) : ગામના લોકોને આપસમાં લડાવી મારતાં પોતાના રાજકારણી
માલિકથી વાર્તાનો નાયક દુઃખી છે. અહેવાલાત્મક સામાન્ય વાર્તા. સાધન (મૂળ
અમેરિકન વાર્તા: ફ્રેડરિક મેક્સ અનુ:કિશોર પંડ્યા) : આ સાયન્સ ફેન્ટેસી વાર્તામાં એક એવા યંત્રની કલ્પના થઇ છે
જે માણસોના મોટા સમૂહને એકસાથે સંમોહિત કરી શકે છે.
બાપની છોડી (કિશોર પટેલ)
: સુન્દરમની જાણીતી વાર્તા “માને ખોળે” નું અનુસંધાન કરતી આ લખનારની છે માટે
અન્ય કોઇ વાચક-ભાવક એ વિષે કંઇ કહે એ વધુ ઉચિત યોગ્ય ગણાશે.
--કિશોર પટેલ, શુક્રવાર, 19 જૂન 2020; 5:49 પૂર્વ મધ્યાહ્ન
###
No comments:
Post a Comment