તેજોવધ (દીના રાયચૂરા)
આજના સ્પર્ધાત્મક સમયની વાત. દેખાદેખીમાં જીવનશૈલી ફેશનેબલ બનાવવા ઉત્સુક પત્નીથી તંગ આવી ગયેલા સરળ સ્વાભાવના પતિની વાત. જરુરિયાત પૂરતી આવકમાં સંતોષપૂર્વક જીવવા તૈયાર નાયક અને ફેશનેબલ જીવનશૈલી જીવવાની શોખીન નાયિકા ઉપરાંત અન્ય બે ગૌણ પાત્રોનો પરિચય પણ આ વાર્તામાં થાય છે. એક છે “રિવર્સ ટ્રાફિક” નો આદમી એટલે કે ગિગોલો એટલે કે હા, જિગોલો અને બીજું પાત્ર છેઃ સોશિયલ ખબરી એટલે કે ક્યાં કોણ શું કરે છે એની ખબર રાખતાં માણસોનો પ્રતિનિધી. રસપ્રદ વાર્તા.
આલેખનમાં એક જુદૂં જ, નવતર લક્ષણ ધ્યાનમાં આવ્યું. ચીજ-વસ્તુઓને કર્તા બનાવીને ઢગલાબંધ અભિવ્યક્તિઓ થઈ છે. પ્રસ્તુત છે થોડાંક ઉદાહરણો ૧. પણ પછી “હુ કેર્સ?” ગણગણીને વ્હિસલે મોજથી વાગવાનું શરુ કરી દીધું. ૨. મોઢામાં આવી ગયેલા પેલા ખાટા કડવા સ્વાદે જરાક ડોકિયું કર્યું. ૩. આંખો મટકું મારવાનું ભૂલી ગઈ.
ભૂખ (દીપ્તિ વછરાજાની)
હાંસિયામાં રહેતા સમાજની વાત.
માતા શિથિલ ચારિત્ર્યની અને સંતાનો પ્રતિ બેજવાબદાર હોય એવામાં પ્રેમાળ પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઈ જાય તો બાળકોની કેવી દુર્દશા થઈ શકે એ જાણવા તો આ વાર્તા વાંચવી પડે. એક ભિખારણ આવાં છતી માતાએ અનાથ થઈ ગયેલાં બાળકોને મમતાભર્યો આધાર આપે છે. આ કેવી વક્રતા! એક તરફ માતા કુમાતા બને છે ને બીજી તરફ તદ્દન અજાણી અકિંચન સ્ત્રી નમાયા બાળકોને માતાનો પ્રેમ આપે!
હ્રદયસ્પર્શી વાર્તા. એક તરફ કુમાતા માટે ધિક્કાર અને બીજી તરફ ભિખારણ માટે ઉપકાર અને આનંદ એમ બે પરસ્પર વિરોધી ભાવ ભાવકના ચિત્તમાં ઉત્પન્ન કરવામાં વાર્તા સફળ થાય છે. આ વાર્તા કારુણ્યભાવનું શિખર સર કરે છે. આપણા ગુજરાતી સાહિત્યમાં સમાજના છેવાડાનાં માણસોની વાર્તા લાંબા ગાળે વાંચી. સરસ વાર્તા.
દુર્યોધનની ઓલાદ (ઈમરાન દલ)
મહાભારતની કથાનું એક મહત્વનું પાત્ર દુર્યોધન શેનું પ્રતિક બની શકે? અહંકારનું? “મારું મારું” કરનારાનું? અન્યોનાં હક્ક પર તરાપ મારનારાનું?
મૈત્રીભાવની વાર્તા. ત્રણ મિત્રોની વાર્તા છે. વાર્તાની રજૂઆત દ્વિતીય વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ થઈ છે. કથક પંકચર સમારવાનું કામ કરે છે. એની કેબિન પર એક મિત્ર નિયમિતપણે આવીને બેસે છે. કથક પોતાનું કામ કરતો જાય અને આગળપાછળની યાદો કહેતો જાય અને મિત્ર સાંભળ્યા કરે એ રીતે રજૂઆત થઈ છે.
કથકની વાતોનું કેન્દ્ર છે ઈસ્માઈલ નામનો એક ત્રીજો મિત્ર જે શાયર છે. આ ઈસ્માઈલ નબળો શાયર હોય પણ કોઈક રીતે ચાલી ગયો હોય. આ ઈસ્માઈલે કથકના શ્રોતામિત્રની ભૂતકાળમાં પ્રતાડના કરેલી હોય. પછી એના ખરાબ દિવસો આવે છે ત્યારે એના પડખે કોણ ઊભું રહે છે?
નબળો શાયર હોવા છતાં ઈસ્માઈલ વાહવાહી ઉઘરાવતો હતો એટલે બીજા ખરેખરા પ્રતિભાશાળી શાયરોનાં હક્ક ઉપર એ તરાપ મારતો હતો? શું એટલે જ એનો મિત્ર એને તખલ્લુસ તરીકે “દુર્યોધન” નું નામ સૂચવે છે?
એવું બની શકે કે કથક પાસે આવીને બેસતો મિત્ર ઈસ્માઈલ પોતે જ હતો અને કથક પોતે જ ઈસ્માઈલથી ભૂતકાળમાં પ્રતાડિત થયેલો હતો. વાર્તાકારે એવા ઇંગિત મૂક્યાં છે.
રજૂઆત રસપ્રદ થઈ છે. મૂળે પ્રતિભાવંત કાર્ટૂનિસ્ટ ઈમરાન દલે વાર્તાઓ બહુ ઓછી લખી છે, એમની આ વાર્તામાંથી એમનામાં સુષુપ્ત અવસ્થામાં રહેલો આશાસ્પદ વાર્તાકાર ડોકિયું કરી રહ્યો છે. વાર્તા અને વાર્તાકાર, બંનેનું ભાવભીનું સ્વાગત છે. .
બલૂન (અનિરુધ્ધ ઠક્કર, “આગંતુક”)
નારીચેતનાની વાર્તા.
સ્ત્રીઓ પ્રતિ આપણાં સમાજના અન્યાયી વલણને આ વાર્તામાં ઉઘાડું પાડવામાં આવ્યું છે. સાટા પધ્ધતિ જેવી ખામીવાળી રૂઢિ પ્રતિ પણ આ વાર્તામાં વિધાન થયું છે.
મંજરીની ઈચ્છાવિરુધ્ધ એનાં માતાપિતાએ એનાથી નાની વયના છોકરા જોડે એને પરણાવી દીધી છે. મંજરીની સાસુ સતત અપશબ્દો બોલીને એને અપમાનિત કર્યા કરે છે. એ મંજરીની માતા વિશે પણ અપશબ્દો બોલે છે. એવું. કરવાથી વહુને દાબમાં રાખી શકાય એવી કઈંક પરંપરાગત સમજણ હશે. મંજરીએ કેશવ જોડે પરણવાનું. સ્વપ્નું કોરાણે મૂકીને બાળવયના પતિનો ઉછેર કરવાનો નિર્ધાર કર્યો છે. એવી સ્થિતિમાં પોતાના પર હાથ ઉપાડનારી સાસુનો વિરોધ કરીને મંજરી હિંમતભર્યું પગલું ઉઠાવે છે.
રજૂઆતમાં તળપદી બોલીનો પ્રયોગ ધ્યાનાકર્ષક થયો છે.
તાળાસુંદરી (મનહર ઓઝા)
રૂપકકથા.
સમાજના વિવિધ વયજૂથનાં લોકો સાથે એક અજાયબ ઘટના બને છે. એમનાં જીવનમાં એક સુંદરીનું આગમન થાય છે અને જેને તેને મોહિત કરીને મૂર્છિત સ્થિતિમાં છોડીને જતી રહે છે. કોઈ નુકસાન કરતી નથી, લોકોને એક અજબ અનુભવ થાય છે એટલું જ.
લોકશાહી દેશમાં દર પાંચ વર્ષે થતી ચૂંટણીની વાત. રસપ્રદ રજૂઆત.
હિતશત્રુ (પારુલ બારોટ)
કામ અને પરિવાર વચ્ચે દ્વિધા અનુભવતી નાયિકા.
સંશોધન કાર્ય પ્રતિ શેફાલી સમર્પિત છે. કામ અંગે સ્વાભાવિકપણે ઉપરી વૈજ્ઞાનિક અવિનાશ જોડે એને સંપર્કમાં રહેવાનું થાય છે. અવિનાશ શેફાલી પ્રતિ આકર્ષિત થયેલો છે પણ એનું વર્તન સંયમિત છે. શેફાલી પોતાના પતિ સુકેતુ અને ઉપરી અવિનાશ બેમાંથી કોઈને નારાજ કરવા માંગતી નથી. એટલે એને સતત તંગ દોર પર ચાલવું પડે છે.
નાયિકાનાં મનોભાવોનું સરસ આલેખન. વાર્તામાં મેદ ઘણો છે. એક જ વાતને મલાવી મલાવીને ખૂબ વિગતવાર કહેવાઈ છે. ચાલીસ ટકા જેટલું લખાણ કાપી શકાય તો વાર્તા ફાંકડી બની જાય.
અટ્ટહાસ્ય (અમિતા પંચાલ)
સ્ત્રીસમસ્યા.
પતિ અને સાસુ સ્વતંત્ર રીતે નાયિકા જોડે હિંસા આચરે છે. પતિ શારીરિક રીતે અને સાસુ માનસિક રીતે. ને એમ છતાં વીસ વીસ વર્ષો સુધી નાયિકા એવો જાલિમ ત્રાસ સહન કરતી રહી! કેમ? પરિવારને એણે પોતાનો માન્યો. ક્યારેક એમનું મન બદલાશે એવી આશામાં? કોણ જાણે? પણ હા, સમાજમાં આવી સહનશીલ સ્ત્રીઓ પણ હોય છે. વીસ વર્ષે નાયિકની ધીરજ ખૂટી જાય છે, એ આત્મહત્યા કરવાની તૈયારી કરે છે. એને અટ્ટહાસ્ય સંભળાય છે તે બીજા કોઈનું નહીં, એનું પોતાનું જ છે, એ પોતે જ પોતાની મશ્કરી કરે છે, કે તું આટલી મૂર્ખ? આટલી ભોળી?
રસપ્રદ રજૂઆત. નાનકડી અને વાંચનક્ષમ વાર્તા.
ભેદી લક્ષ્ય (શાંતનુકુમાર આચાર્ય લિખિત મૂળ ઉડિયા વાર્તા,રજૂઆત: સંજય છેલ)
હાસ્યવાર્તા.
અફલાતૂન રજૂઆત. પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ લખાયેલી વાર્તા વાંચતાં પ્રારંભમાં લાગે કે નાયક કોઈ ભારે ભયાનક શત્રુ સામે યુધ્ધની તૈયારી કરી રહ્યો છે. એક રીતે શત્રુ ભયાનક તો ખરો જ. એ શત્રુ કોણ એનું રહસ્ય તો લગભગ અંતમાં ખૂલે છે. સરસ રીતે કહેવાયેલી મજેદાર વાર્તા.
કામ પતાવી દેવાનો આનંદ (અમેરિકન લેખક એયન બાયર લિખિત મૂળ વિદેશી ભાષાની વાર્તા, રજૂઆત યામિની પટેલ)
એક ઓર હાસ્યવાર્તા.
મોટા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરની કસ્ટમર સર્વિસની કાર્યવાહી વિષે હળવી ભાષામાં લખાયેલી મજેદાર કટાક્ષકથા.વાંચનક્ષમ વાર્તા.
રૂપાંતર (અમેરિકન લેખક આદમ ગોડફ્રે લિખિત મૂળ વિદેશી ભાષાની વાર્તા, રજૂઆત: યશવંત મહેતા)
ફેંટેસી વાર્તા.
જબરી કલ્પના. મેડિકલ સાયન્સમાં અવનવા પ્રયોગો થતાં રહે છે. અકસ્માતમાં માણસ એકાદ અંગ ગુમાવી દે પછી એની જગ્યાએ કોઈ પ્રાણીનાં અંગનું પ્રત્યારોપણ કરવાના પ્રયોગો થતાં આવ્યાં છે અને ભવિષ્યમાં પણ થતાં રહેશે. અહીં લેખકે કલ્પના કરી છે કે પ્રાણીના અંગનું માણસના શરીરમાં પ્રત્યારોપણ થયાં બાદ એ માણસમાં જે તે પ્રાણીનાં લક્ષણો દેખાવાં માંડે તો? એ માણસમાંથી જે તે પ્રાણીમાં રૂપાંતરિત થવા માંડે તો?
એક હાથ ગુમાવી બેઠેલી સ્ત્રીનાં શરીરમાં દક્ષિણ આફ્રિકાની લંગ ફિશ નામની માછલીનાં ડીએનએ દાખલ કરવામાં આવે છે કારણ કે એ માછલીની ખાસિયત છે કે ગુમાવેલાં અંગો એ જાતે નવેસરથી ઉગાડી શકે છે. અલબત્ત, દર્દી સ્ત્રી અને એનાં પતિની સંમતિ પછી જ પ્રયોગ એમણે કર્યો હતો, એ પણ પ્રથમ પ્રયોગ!
કલ્પના કરો કે પ્રયોગ પછી એ સ્ત્રીનું શું થયું હશે!
ચિત્તથરારક અનુભવ! ખતરનાક પણ મજેદાર વાર્તા!
–કિશોર પટેલ, ૧૪ જુલાઈ 2024.
તા. ક.: અંકની સજાવટ માટે મૂકાયેલાં ચિત્રો આકર્ષક બન્યાં છે. મમતાને અભિનંદન! કદાચ AI ની કલાકારી હોઈ શકે, જે હોય તે, ગુડ જોબ! .
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###